તાજેતરમાં દિલ્હીમાં ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ પણ આ અંગે વિધાનસભા પક્ષની બેઠક બોલાવી હતી. લાંબી બેઠકોમાંથી પસાર થયા બાદ ભાજપ દ્વારા આસામનાં નવા મુખ્યમંત્રીનાં નામને મંજૂરી આપવામાં આવી છે. ભાજપનાં નેતા હેમંત બિસ્વા સરમાને આસામનાં નવા મુખ્યમંત્રી બનાવવામાં આવશે. મળતી માહિતી મુજબ, આવતીકાલે હેમંત CM પદનાં શપથ લઈ શકે છે. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમારે માહિતી આપી છે કે, હેમંત બિસ્વા સરમા સોમવારે (10) મે નાં રોજ મુખ્યમંત્રી પદનાં શપથ લેશે. આસામનાં આગામી સીએમ કોણ હશે તે અંગે ઘણી ચર્ચાઓ થઈ હતી.

રાજ્યની 126 વિધાનસભાની બેઠકોમાંથી ભાજપાએ 60 બેઠકો જીતી છે, જ્યારે તેની ગઠબંધન ભાગીદાર આસામ ગણ પરિષદે 9 બેઠકો અને યુનાઇટેડ પીપલ્સ પાર્ટી લિબરલ્સએ 6 બેઠકો જીતી છે. ભાજપે ચૂંટણી પહેલા તેના મુખ્ય પ્રધાનપદનાં ઉમેદવારની જાહેરાત કરી ન હોતી. વર્ષ 2016 ની વિધાનસભાની ચૂંટણીમાં સોનોવાલને આ પદનાં ઉમેદવાર તરીકે રજૂ કરવામાં આવ્યા હતા અને ચૂંટણી જીતી હતી. આ સાથે, પૂર્વોત્તરમાં ભાજપની પહેલી સરકારની રચના થઈ. આ વખતે પાર્ટી કહેતી રહી કે ચૂંટણી પછી તે નક્કી કરશે કે આસામનાં આગામી મુખ્ય પ્રધાન કોણ હશે. ચૂંટણીમાં ધમાકેદાર જીત મેળવ્યા બાદ પાર્ટીએ આ વખતે રાજ્યની કમાન હેમંત બિસ્વા સરમાને સોંપવાનો નિર્ણય કર્યો છે. આજે આસામમાં ભાજપ વિધાનસભા પક્ષની એક બેઠક મળી હતી, જેમાં રાજ્યનાં આગામી મુખ્ય પ્રધાન તરીકે હેમંત બિસ્વા સરમાનાં નામ પર મહોર લાગી હતી. બેઠક બાદ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમારે હેમંત બિસ્વા સરમાને ધારાસભ્ય પક્ષનાં નેતા તરીકે પસંદ કર્યા.

હેમંત બિસ્વા સરમા આવતીકાલે આસામમાં મુખ્યમંત્રી પદનાં શપથ લેશે. આ પહેલા આસામનાં મુખ્ય પ્રધાન સર્બાનંદ સોનોવાલે રાજ્યપાલ જગદીશ મુખીને રાજીનામું આપ્યું હતું.આસામમાં ભારતીય જનતા પાર્ટીએ સર્વસંમતિથી હેમંત બિસ્વા સરમાને વિધાનસભા પક્ષનાં નેતા તરીકે ચૂંટ્યા છે. આ પછી સ્પષ્ટ થઈ ગયું છે કે આસામનાં ભાવિ મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમા હશે. આ પ્રસંગે ગુવાહાટીમાં હાજર કેન્દ્રીય પ્રધાન નરેન્દ્રસિંહ તોમારે કહ્યું હતું કે, હું સર્વસંમતિથી અસમ રાજ્યમાં ભાજપા વિધાનમંડળનાં નેતાનાં રૂપમાં હેમંત બિસ્વા સરમાને ધારાસભ્ય દળનાં નેતા ઘોષિત કરુ છુ.