ચીનના વિજ્ઞાનીઓ અને આરોગ્ય અધિકારીઓએ આ મહામારી પહેલાં છેક 201પમાં સાર્સ કોરોના વાયરસને સંભવિત નવા જૈવિક શત્ર તરીકે દર્શાવ્યો હોવાનો દાવો એક નિષ્ણાતે કર્યો છે. વીકેન્ડ ઓસ્ટ્રેલિયનના એક અહેવાલ અનુસાર ચીનના વૈજ્ઞાનિકોના કૃત્રિમ સાર્સ અને માનવસર્જિત વાયરસનાં જૈવિક શત્ર તરીકે ઉપયોગ જેવાં શીર્ષક સાથેના દસ્તાવેજમાં ત્રીજાં વિશ્વયુદ્ધ માટેનાં સંભવિત હથિયાર અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ દસ્તાવેજોમાં ઘટસ્ફોટ થયો છે કે, ચીની સેનાના વૈજ્ઞાનિકો કોવિડ-19 મહામારીનાં પાંચ વર્ષ પહેલાસાર્સ કોરોના વાયરસનાં શત્ર તરીકે ઉપયોગની ચર્ચા કરતા હતા એમ હેવાલમાં દાવો કરાયો છે. સમગ્ર વિશ્વમાં કાળોકેર વર્તાવનાર કોરોના વાયરસ ચીનનું જૈવિક હથિયાર હોવાની આશંકાને વધુ પ્રબળ બનાવતો એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.

ચીન સરકારનાં ફૂટી ગયેલા આ સ્ફોટક દસ્તાવેજ વિશે એક સાયબર સુરક્ષા નિષ્ણાત રોબર્ટ પોટરે આ દસ્તાવેજ અસલી હોવાની પુષ્ટિ આપી હતી અને કહ્યું હતું કે, આ બનાવટી દસ્તાવેજ હોય તેવું જણાતું નથી. ઓસ્ટ્રેલિયન સ્ટ્રેટેજિક પોલિસી ઇન્સ્ટિટયુટના એક્ઝિક્યુટિવ ડાયરેકટર પીટર જેનિંગ્સના કહેવા અનુસાર આ ચીની દસ્તાવેજ એટલા માટે મહત્ત્વનો બની જાય છે કેમ કે ચીનના વિજ્ઞાનીઓ આ વાયરસના સૈન્ય ઉપયોગ વિશે અગાઉથી વિચારી રહ્યા હતા અને તેના જુદા જુદા સ્ટ્રેઇનને કેવી રીતે વાપરવા તેની રણનીતિ પણ બનાવતા હતા. આમ સૈન્ય પ્રયોગ માટેના રોગજનકો અકસ્માતે ફેલાઈ ગયો હોય તેવી સંભાવના પણ વધુ પ્રબળ બની જાય છે. કદાચ આના હિસાબે જ ચીન કોરોનાની આંતરરાષ્ટ્રીય તપાસ માટે અનિચ્છુક હતું. જો આ વાયરસ માંસની બજારમાંથી જ ઉદ્ભવીને ફેલાયો હોત તો ચીનને કોઈપણ વિદેશી તપાસ સામે વાંધો ન હોત.