પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનું અનોખુ મહત્વ છે – કુંવરજીભાઈ બાવળીયા

રાજકોટ, તા. ૧૫, જુલાઈ- ‘મારુ ગામ હરિયાળુ ગામ’ અભિયાન અંતર્ગત પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાએ જસદણ તાલુકાના આટકોટ, જીવાપર, પ્રતાપપુર, રાણપરડા અને ઝુંડાળા ગામે આયોજિત વૃક્ષારોપણના કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

આ કાર્યક્રમ અન્વયે આટકોટની ગ્રામ પંચાયત ખાતે વૃક્ષારોપણના કાર્યક્રમમાં મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે દરેક ગામમાં ૧૫૦  વૃક્ષો વાવીએ અને ગામને હરિયાળું, સુંદર બનાવીએ, ગામ લોકોએ વૃક્ષોનું જતન અને ઉછેર થાય તેની કાળજી લેવી જોઈએ. વૃક્ષારોપણથી ‘‘મનરેગા’’ યોજના હેઠળ શ્રમિકોને રોજગારી પણ મળી રહી છે.

 કોરોનાની મહામારીમાં લોકોને  સૌથી વધુ ઓક્સિજનની જરૂર પડી હતી, ત્યારે વૃક્ષો થકી આપણને  વિના-મૂલ્યે ઓક્સિજન મળી રહે છે.  પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનું અનોખું યોગદાન છે તેમ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જીવાપરની પ્રાથમિક શાળામાં  વૃક્ષારોપણના કાર્યક્રમમાં કહ્યું હતું. મંત્રીશ્રી બાવળીયાએ આટકોટમાં પ્રગતિ હેઠળના કામોની સમીક્ષા કરી હતી.

આ પ્રસંગે આટકોટ ખાતે સરપંચશ્રી મનસુખભાઈ ખાખરીયા, આગેવાન સર્વશ્રી હિરેનભાઈ પંચોળી, મનસુખભાઈ જાદવ, બાપાભાઇ રોજાસરા, મામલતદાર ડી. એલ.  ધાનાણી, ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારીશ્રી વી. કે. પરમાર, પાણી પુરવઠા અધિકારીશ્રી એચ ડી જોધાણી  તથા જીવાપર ખાતે ડાયાભાઈ બાફળા, મનસુખભાઇ સાવલિયા, પ્રવીણભાઈ ભાયાણી, નાગજીભાઈ વઘાસિયા સહિતના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.