વિંછીયા ખાતે આશરે રૂા. ૫ કરોડના ખર્ચે રોડ-બ્રિજના કામના ખાતમુહૂર્ત

  • કોરોનાની ત્રીજી લહેરની તૈયારીના ભાગરૂપે જસદણ અને વિંછીયામાં ઓકસીજન પ્લાન્ટનુ નિર્માણ હાથ ધરાયુ
  • જસદણ ખાતે સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ અને આટકોટમાં આયુર્વેદિક હોસ્પિટલ ઉભી કરાશે

રાજકોટ તા. ૨૫ જૂન – વિંછીયા ખાતે આશરે ૫ કરોડના ખર્ચે રોડ-બ્રિજના વિકાસ કામોના ખાતમુર્હુત કરી  પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયાએ જણાવ્યું હતું કે જસદણ અને વિંછીયા પંથકમાં ગ્રામ્ય સડ઼કોને પાકા રોડથી જોડી વિકાસ કાર્યોને આગળ ધપાવાશે.

આ વિસ્તારમાં પીવાના પાણી માટે  નલ સે જલ યોજના અને ‘વાસ્મો’ હેઠળ ઘર ઘર પાણી પહોંચાડવાની કામગીરી સઘન બનાવાઈ હોવાનું શ્રી બાવળિયાએ જણાવ્યું હતું. મંત્રીશ્રીએ આ તકે ઉપસ્થિત ગ્રામજનોને ભરોસો આપતા જણાવ્યું હતું કે, અમે જે વચનો આપીએ છીએ તે અમલી કરી બતાવીએ છીએ. ગ્રામજનોને શિક્ષણ, આરોગ્ય, પાણી અને રસ્તાની સઘન સુવિધા પુરી પાડી છેવાડાના લોકોને પણ વિકાસની મુખ્યધારામાં જોડવામાં આવશે.

કોરોનાની ત્રીજી લહેર આવે તે પૂર્વે મંત્રીશ્રીની ગ્રાન્ટ માંથી જસદણ ખાતે ઓક્સિજન પ્લાન્ટ નાખવાની કામગીરીનો પ્રારંભ થઈ ચુક્યો છે, તેમજ વિંછીયા ખાતે પણ ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી હોવાનું મંત્રીશ્રી એ જણાવ્યું હતું.

મંત્રીશ્રીએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, જસદણ ખાતે સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ અને આટકોટ ખાતે આયુર્વેદિક હોસ્પિટલના નિર્માણ માટે સૈદ્ધાંતિક મંજૂરી મળી ચુકી છે તેમજ જલ્દી જ તેના નિર્માણની પ્રક્રિયા હાથ ધરાશે.

મંત્રીશ્રી કુંવરજીભાઇએ આ તકે ગ્રામજનોને રસીકરણ માટે ખાસ ભલામણ કરતા જણાવ્યું હતું કે, આવનારી લહેરથી બચવા માટે એકમાત્ર વિકલ્પ વેક્સિનેશન છે. ભૂતકાળમાં અનેક રોગનું નિરાકરણ રસી દ્વારા થયું છે.

મંત્રીશ્રી દ્વારા આજરોજ વિંછીયા ખાતે ત્રણ અલગ અલગ સ્થળોએ રૂ ૪,૯૧,૮૧,૪૧૧ ખર્ચે નિર્મિત થનારા રસ્તા તેમજ બ્રિજના ખાતમુર્હૂત કરાયા હતાં. જેમાં રૂ. ૩.૩૭ કરોડના ખર્ચે થોરિયાળી થી પીપરડી સનાળી રોડ વાઇડનિંગ, વનાળા સરતાન રોડ પર રૂ. ૬૪.૦૩ લાખના ખર્ચે હયાત કોઝવેની જગ્યાએ ૬ મિટરના ૫ ગાળા બોક્ષ તેમજ ભડલી ગામ તળમાં ભડલીથી સનાળા રસ્તા પર સી.સી. રોડનું રૂ. ૯૦.૧૬ લાખના ખર્ચે નિર્માણકાર્ય હાથ ધરાશે.

મંત્રીશ્રીની વિવિધ સ્થળોએ ખાતમૂર્હુત પ્રસંગે પંચાયતના સભ્યો અને અગ્રણીઓ સર્વેશ્રી નાથાભાઈ વાછાણી, ખોડાભાઈ, કાળુભાઇ, અશ્વિનભાઈ, બચુભાઈ, કાળુભાઈ, સરપંચશ્રીઓ ધનજીભાઈ સોલંકી, કુકાભાઈ સાદુલ, નાયબ મામલતદારશ્રી હાર્દિકભાઈ પઢીયાર, માર્ગ અને મકાન વિભાગના શ્રી કપિલભાઈ સુદ્રા તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.