
સુરતમાં લોકો સાથે ઓનલાઇન છેતરપિંડીની ઘટનાઓમાં સતત વધારો થયો છે. ત્યારે સુરત સાઇબર ક્રાઇમે ફિલ્મના રેટિંગના નામે ઓનલાઇન છેતરપિંડી કરતા ત્રણ શખ્સની ધરપકડ કરી છે. સોશિયલ મીડિયા એપ પર ફિલ્મ રેટિંગના અલગ-અલગ ટાસ્ક પૂર્ણ કરાવી સારું કમિશન આપવાની લાલચ આપી ફેક લિંક મોકલી કુલ રૂ.14 લાખથી વધુની છેતરપિંડી કરનાર આરોપીઓને ઝડપી તેમના બેંક ખાતામાંથી 5,93,011 ફ્રીઝ કરાવવામાં પોલીસે સફળતા મેળવી હતી. મળતી માહિતી મુજબ, મોબાઇલમાં ટેલિગ્રામ એપ પર વિવિધ એકાઉન્ટ ધરાવી આરોપીઓએ ફરિયાદી શખ્સને ફેક લિંકો મોકલી ફિલ્મ રેટિંગના અલગ-અલગ ટાસ્ટ પૂર્ણ કરાવી સારું એવું કમિશન મળશે તેવી લોભામણી લાલચ આપી કુલ રૂ.14, 52, 391 ટ્રાન્સ ફર કરાવ્યા હતા. જો કે, વિશ્વાસ કેળવવા પ્રથમ વખત ફિલ્મ રેટિંગના ટાસ્ક પૂર્ણ કરાવી રૂ.13,700નું કમિશન આપ્યું હતું. પરંતુ, ત્યાર બાદ અલગ-અલગ ટ્રાન્ઝેક્શન થકી કુલ રૂ.14 લાખથી વધુ રકમ સેરવી લઈ કમિશન ન આપી છેતરપિંડી આચરી હતી.
આ મામલે ભોગ બનનાર શખ્સે ફરિયાદ કરતા સુરત સાઇબર ક્રાઇમે તપાસ હાથ ધરી આરોપી અમિત જીવાણી,નિખિલ પાનસેરિયા અને ભાવેશ કાકડિયાની ધરપકડ કરી હતી. સાથે જ સાઇબર ક્રાઇમે આરોપીઓના બેંક એકાઉન્ટમાંથી રૂ. 5,93,011 ફ્રીઝ કરવામાં પણ સફળતા મેળવી હતી. આ મામલે સાઇબર ક્રાઇમે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વધુમાં વાંચો… સુરત – નવાગામમાં ભાડાના મકાનમાં રહેતી બિહારની 43 વર્ષીય મહિલાનું શંકાસ્પદ મોત
સુરતના નવાગામમાં વતનવાસીઓ નજીક ભાડાના મકાનમાં રહેતી બિહારની મહિલાનો ઘરમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. મહિલાના મૃતદેહને સિવિલ હોસ્પિ ટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યારે પોલીસે PM અર્થેની કામગીરી હાથ ધરી છે. મૃતક મહિલાના પરિજનોને આ મામલે જાણ થતા પરિવાર બિહારથી આવવા રવાના થયો છે. મળતી માહિતી મુજબ, બિહારથી સુરત આવેલા 43 વર્ષીય અજફરી ખાતુનને દીકરી અને જમાઈએ નવાગામમાં વતનવાસીઓ નજીક ભાડાનું મકાન અપાવ્યું હતું. દરમિયાન ગતરોજ બપોર બાદ અજફરી ખાતુન ઘરમાંથી બહાર ન આવતા પાડોશીઓએ તપાસ કરતા મહિલા ઘરમાંથી બેભાન અવસ્થામાં મળી આવી હતી. આથી પાડોશીઓએ મહિલાના દીકરી અને જમાઈ ને ફોન કરતા તેઓ આવ્યા નહોતા. ત્યાર બાદ 108નો સંપર્ક કરી મહિલાને સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ હતી.
મહિલાની મોતનું કારણ અકબંધ. જો કે, સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના તબીબે મહિલાને મૃત જાહેર કર્યા હતા. આ મામલે પોલીસને જાણ થતા ટીમ હોસ્પિટલ પહોંચી હતી ને મહિલા ના દીકરી અને જમાઇનો સંપર્ક કરવા કોશિશ કરી હતી. પરંતુ તેઓ ન આવતા મહિલાના બિહારમાં રહેતા સગા-સંબંધીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આથી પરિવાર બિહારથી સુરત આવવા નીકળ્યો હતો. મહિલાના મૃતદેહને પીએમ અર્થે ખસેડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જો કે, મહિલાનું મોત કયાં કારણોસર થયું તે હાલ જાણી શકાયું નથી. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.