મહિલાઓને સુરક્ષાનું અભય વચન આપતી ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઇન

04 Jan 23 : ગુજરાત સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા અને બાળકોના કલ્યાણ હેતુ ઘણી યોજનાઓ અમલી છે. જે અન્વયે મહિલાઓની સુરક્ષા અને રક્ષણ માટે વિશેષ ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. મહિલાઓનો વિશ્વાસ સંપાદિત કરતી આ હેલ્પલાઈને અનેક વિદ્યાર્થીનીઓ, યુવતીઓ, ધરેલું હિંસાનો ભોગ બનતી મહિલાઓ અને સિનિયર સિટીઝન મહિલાઓના જીવનમાં ફરીથી ખુશીઓ લાવી છે.

રાજકોટ જિલ્લાની ૧૮૧ અભયમ ટીમ વિશે વાત કરીએ પારિવારીક હુંફ સાથે મહિલાઓને રક્ષણ અને મનોબળ પૂરું પાડીને ખુબ સુંદર કામગીરી કરી કરવામાં આવી છે. વર્ષ ૨૦૨૨માં ૧૮૧ અભયમ હેલ્પલાઈન દ્વારા ૩૦૩૫ પીડિત મહિલાઓને ઘટના સ્થળ ઉપર જ મદદ પહોંચાડવામાં આવી છે. જેમાંથી ૧૯૨૭ જેટલા કિસ્સાઓમાં કુશળ કાઉન્સેલિંગ દ્વારા સ્થળ પર જ સમાધાન કરીને નિરાકરણ લાવવામાં આવ્યું છે. અન્ય કિસ્સાઓમાં પીડિતાની ગંભીર પ્રકારની સમસ્યા જણાતા પીડિત મહિલાઓને આગળની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશન, મહિલા સહાયતા કેન્દ્ર, સખી વન સ્ટોપ સેન્ટર વગેરે મહિલાલક્ષી સંસ્થાઓ સુધી લઈ જવામાં મદદરૂપ કરવામાં આવી છે.

આ તકે રાજકોટ જિલ્લાના અભયમ ટીમના પ્રોજેકટ કો-ઓર્ડીનેટરશ્રી તુષાર બાવરવાએ મહિલાઓને સુરક્ષાનું અભય કવચ પૂરું પાડતી અભિયમ હેલ્પલાઈનની સાર્થકતા વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને ગૃહ વિભાગ દ્વારા કાર્યાન્વિત અને ઈ. એમ.આર.આઈ.ગ્રીન હેલ્થ સર્વીસ દ્વારા સંચાલિત એક અભિનવ હેલ્પલાઇન તરીકે અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇન મહિલાઓ માટે હંમેશા આશીર્વાદરૂપ સમાન છે. ચીફ ઓપરેટિંગ ઓફિસર શ્રી જશવંત પ્રજાપતિ અને પ્રોજેક્ટ હેડ શ્રી નરેન્દ્રસિંહ ગોહિલનાં માર્ગદર્શન હેઠળ ગુજરાતના તમામ જિલ્લાઓમાં અભયમ સેવા અસરકારતાથી આગળ વધી રહી છે.

મહિલાઓ પર થતા શારીરિક, માનસિક, ઘરેલું હિંસાના કિસ્સાઓ, કામનાં સ્થળે જાતિય સતામણી, લગ્નજીવનના વિખવાદો, લગ્નેતર સંબંધ, મનોરોગી મહિલાઓની સમસ્યાઓ, બાળ જન્મ, બાળ લગ્ન, બિન જરૂરી ફોન કોલ, મેસેજથી હેરાનગતિ, મહિલાને મિલકતમાં ભાગીદારી, છેડતી, સાયબર ક્રાઇમ, અપહરણ, બળાત્કાર કે અન્ય પ્રકારના કિસ્સા ઓમાં મદદરૂપ બનેલ હતી. અભયમ ટીમના અસરકારક કાઉન્સેલિંગ દ્વારા પરિવારને વિખરાતા બચાવ્યાની અનોખી કામગીરી કરવામાં આવી રહી છે તેમ શ્રી તુષાર બાવરવાએ ઉમેર્યુ હતું.

ગુજરાત રાજ્યમાંથી વર્ષ ૨૦૧૫થી અત્યારસુધી ૧૨ લાખ જેટલી પીડિત મહિલાઓએ સલાહ – સૂચન, મદદ અને બચાવ માટે ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં કૉલ કર્યા છે. જેમાંથી ખાસ કિસ્સાઓમાં ધટના સ્થળે પહોંચી અઢી લાખ મહિલાઓને રેસ્કયું ટીમ દ્વારા બચાવ અને મદદ પહોંચાડવામાં આવી હતી.

આમ, અભયમ સેવા સરકારશ્રીના અન્ય વિભાગો સાથેનું મજબુત સંકલન, સુસજ્જ ટેકનિકલ માળખુ, પ્રોફેશનલ ટીમ, સ્ટેક હોલ્ડર સાથે સંકલન અને સેવાભાવનાની કટિબદ્ધતાથી ઝડપી સેવાઓ પહોંચાડવામાં અસરકારકતાથી કાર્ય કરે છે. અભયમ મોબાઈલ એપ્લિકેશન, અભયમ પોલિસ હેલ્પ ડેસ્ક પણ ઝડપી સેવાઓમા ઉપયોગી નિવડી રહ્યું છે.

વધુમાં વાંચો…મહિલા વકીલ સાથે ગાંધર્વ લગ્ન કરી છેતરપિંડી કરનાર નરાધમનો કેસ ન લડવા બાર એસોસિએશનનો નિર્ણય

રાજકોટ – મહિલા વકીલ સાથે ગાંધર્વ લગ્ન કરી છેતરપિંડી કરનાર નરાધમનો કેસ ન લડવા બાર એસોસિએશનનો નિર્ણય બાર એશોસીએશનના મહિલા સભ્ય સાથે ગાંધર્વ લગ્ન કરી છેતરપિંડી આચરનાર વેરાવળના આરોપી વતી વકીલ તરીકે નહિ રોકવા બાર એસોસિએશન દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે.

રાજકોટમાં નાણાવટી ચોક પાસે લક્ષ્મીભવન ભરતવન સોસાયટીમાં રહેતા અને વકીલ ભાવિનીબેન માંકડીયાના અગાઉ છુટાછેડા થયા બાદ ઓનલાઇન જીવનસાથી ડોટકોમ વેબસાઈટ ઉપર સોમનાથના વેરાવળમાં રહેતા નિકુંજ ભરતભાઈ ચાંડેગરાનો સંપર્ક થતા બંને વચ્ચે ઓળખાણ થઈ હતી અને વોટ્સએપ ચેટિંગમાં મુલાકાત બાદ નિકુલ ચાંડેગરાએ જૂનાગઢ લઈ જઈ ગાંધર્વ લગ્ન કરી લીધા હતા. અને મહિલા વકીલ પાસેથી રોકડ રૂપિયા અને અન્ય ખર્ચ કરાવી રૂ.3 લાખની છેતરપીંડી આચર્યાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં છેતરપીંડી આચરનાર આરોપી વતી કોઈ વકીલે કેસ નહિ લડવા અને સમર્થન આપવા માટે મહિલા વકીલ ભાવિનીબેન માંકડીયાએ બાર એસોસીએશનમાં અરજી કરવામાં આવી હતી. જે અરજીના અનુસંધાને મહીલા એડવોકેટને થયેલ અન્યાય સંદર્ભે રાજકોટ બાર એશોસીએશનના વકીલોએ પોતાની નૈતીક ફરજ સમજી આરોપી વતી વકીલ તરીકે ન રોકાવા ઠરાવ કરી અનુરોધ કરવામાં આવ્યો છે.

વધુમાં વાંચો… રાજકોટ જિલ્લામાં પેયજળ યોજનાની મરામત-જતન માટે ગ્રામ પંચાયતોના પમ્પ ઓપરેટરોને વિનામૂલ્યે તાલીમ

‘નલ સે જલ’ યોજના અંતર્ગત ‘હર ઘર નળ અને નળ ત્યાં જળ’ના લક્ષ્યને સાર્થક કરતા વાસ્મો દ્વારા રાજકોટ જિલ્લામાં ૧૦૦ ટકા નળ કનેકશન આપવામાં આવ્યા છે. દરેક ઘરમાં પાણી વિતરણની કામગીરી વિના અવરોધે ચાલતી રહે અને તેમાં કોઈ મુશ્કેલી આવે તો તત્કાલ નિરાકરણ થઈ શકે તે માટે, પાણી પૂરવઠાની કામગીરી સાથે જોડાયેલા ગ્રામ પંચાયતોના પમ્પ ઓપરેટરોને વિનામૂલ્યે તાલીમ આપવામાં આવી રહી છે. ‘સર્ટીફિકેટ કોર્સ ઈન પમ્પ મિકેનીકલ તાલીમ’ અંતર્ગત આઈ.ટી.આઈ. ખાતે રાજકોટ જિલ્લાના બે તાલુકાના આશરે ૭૫થી વધુ પમ્પ ઓપરેટરોને તાલીમ અપાઈ ચૂકી છે.

‘નલ સે જલ’ યોજનાના હેતુને ખરા અર્થમાં સાર્થક કરતી આ યોજના અંતર્ગત ગ્રામપંચાયતોના પમ્પ ઓપરેટરોને વિનામૂલ્યે ૪૦ કલાકની તાલીમ આઠ દિવસ સુધી આઈ.ટી.આઈ. ખાતે આપવામાં આવી રહી છે. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા પમ્પ ઓપરેટરોને દિવસ દીઠ વાહન વ્યવહારના ખર્ચ પેટે રૂ.૨૦૦ પણ ચૂકવવામાં આવે છે. આ ઉપરાંત સાક્ષર ઓપરેટરની લેખિત અને નિરક્ષર ઓપરેટરની પ્રેક્ટિકલ પરીક્ષા લઈને સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે. જ્યારે દરેક પંચાયત દીઠ એક ટૂલ કીટનું પણ વિતરણ કરવામાં આવે છે. જેમાં પાઈપ, વાલ્વ વગેરે રિપેરિંગ માટે જરૂરી સાધનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

જિલ્લા કો ઓર્ડીનેટર શ્રી સંજયભાઈ પાનસુરીયાએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના દરેક તાલુકાના પમ્પ ઓપરેટરોને ગ્રામીણ પેયજળ યોજનાઓની મરામત અને નિભાવણીના ભાગરૂપે વાસ્મો અને આઈ.ટી.આઈ.ના સંકલનથી તાલીમ આપવામાં આવી રહી છે. જે અંતર્ગત ધોરાજી અને જામકંડોરણાના પમ્પ ઓપરેટરોને તાલીમ અપાઈ ગઈ છે અને બીજા તાલુકાના પમ્પ ઓપરેટરોને તાલીમ આપવાનું કાર્ય ચાલુ છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લાના કુલ ૬૦૦થી વધારે પમ્પ ઓપરેટરોને તાલીમ આપવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here