18 Aug 22 : રાજકોટમાં ગઈકાલથી લોકમેળાનો પ્રારંભ થઇ ગયો છે અને આજે પ્રથમ દિવસે જ લોકમેળામાં 50 હજાર કરતા પણ વધારે લોકોએ મેળા નો આનંદ માન્યો હતો. આ વર્ષે લોકમેળાને આઝાદી ના અમૃત મહોત્સવ નામકરણ રાખવમાં આવ્યું છે અને છેલ્લા બે વર્ષ બાદ રાજકોટમાં લોકમેળા  નું આયોજન કરવામાં આવી રહ્યું છે.

રાજકોટનો લોકમેળો સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત છે અને રાજકોટ સહીત ગામે ગામથી આ લોકમેળો માણવા ઉમટી પડ્યા છે. બે વર્ષના અંતરાલ બાદ રાજકોટ માં આયોજિત લોકમેળામાં આનંદ લેવા માટે લોકોની ભીડ જોવા મળી રહી છે. આ લોકમેળા પૂર્વે વરસાદની સંભાવના હતી જો કે વાતાવરણ અનુકૂળ રહેતા લોકમેળામાં મેદની જામી છે. રાજકોટના આ વર્ષના મેળામાં અવનવી રાઈડ સહીત કુલ 56 રાઈડ છે તો વિવિધ 300 સ્ટોલ છે.

આ લોકમેળા માટે તંત્રએ 4 કરોડનો વીમો લીધો છે અને સુરક્ષા અને કોઈ અનિચ્છિય ઘટના ન બને તે માટે 1550 પોલીસના જવાન ખડેપગે છે તેમેજ ડ્રોન કેમેરાથી ચાંપતી નજર રાખવામાં આવી છે. આ વર્ષે જે મેળાની આવક થશે તેમાંથી 51 લાખ મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરવામાં આવશે. ગઈ કાલે રાજકોટ કલેક્ટર દ્વારા નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું કે લોકો મેળામાં આવતા પહેલા કોરોનાની રસીના બંને ડોઝ લઇ લે જેથી સંક્રમણ ના ફેલાય અને તકેદારીનું ધ્યાન રાખે જેથી ફરી કોરોના શહેરમાં ન ફેલાય.

રાજકોટનો આ આઝાદીનો અમૃત લોકમેળો ગઈકાલ થી તારીખ 21 સુધી ચાલશે અને રાજકોટમાં સાતમ આઠમના તહેવારની રજા હોવાથી લોકો આ મેળાનો લાભ લેશે. આગામી દિવસોમાં વધુ ને વધુ લોકો મેળાની મુલાકાત લેશે તેવી શક્યતા છે. તંત્ર વ્યવસ્થા અને કાયદો જળવાઈ રહે તે માટે સતત કાર્યશીલ છે.