પ્રવાસીઓથી ભરેલ વાહનની બ્રેક ન લાગી, કાબૂ ગુમાવતા ખીણમાં વાહન પડી જવાથી 7ના મોત

26 Sep 22 : હિમાચલ પ્રદેશના કુલ્લુના એક સુંદર પર્યટન સ્થળ જલોરી જોટ ફરવા ગયેલા 17 લોકોનું ગ્રુપ અકસ્માતનો શિકાર બન્યું હતું. બંજારના ઘયાગીમાં પ્રવાસીઓનો ટેમ્પો ટ્રાવેલર લગભગ 500 ફૂટ ખીણમાં પડ્યો હતો. આ દુર્ઘટનામાં 7 પ્રવાસીઓના મોત થયા હતા, જ્યારે 10 ઘાયલ થયા છે. આ અકસ્માત મોડી રાત્રે 9 વાગ્યાની આસપાસ થયો હતો. નેશનલ હાઈવે 305 પર ઘયાગીમાં ભૂતકાળમાં પણ અકસ્માતો થયા છે. અહીંના રસ્તા સાંકડા રસ્તા વરસાદના કારણે લપસણા થઈ જાય છે, જે અકસ્માતનું મુખ્ય કારણ બને છે. IIT વારાણસીના વિદ્યાર્થીઓ સહિત કુલ 17 પ્રવાસીઓ ટેમ્પો ટ્રાવેલર બુક કરીને દિલ્હીના મજનુ ટીલાથી કુલ્લુ આવ્યા હતા. જેમાં ચાર રાજ્યોના પ્રવાસીઓ સામેલ હતા.

રવિવારે રાત્રે લગભગ 9 વાગ્યે, જ્યારે આ પ્રવાસીઓ જાલોરી જોટથી ફરીન બંજાર પાછા આવી રહ્યા હતા, ત્યારે ઘયાગીમાં વળાંક પાસે ઢાળવાળા રસ્તા પર બ્રેક ન લાગવાને કારણે વાહન સીધું 500 ફૂટ ખીણમાં પડ્યું હતું. અકસ્માતમાં વાહનના ફુરચા ઉડી ગયા હતા. ચાર પ્રવાસીઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે બાકીના ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોની બૂમો સાંભળીને આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા અને તેમને ખીણમાંથી બહાર કાઢ્યા અને તેમના વાહનોમાં બંજાર હોસ્પિટલ લઈ ગયા.

અકસ્માતની માહિતી મળતા જ વહીવટીતંત્ર અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રસ્તામાં ત્રણ પ્રવાસીઓના મોત થયા હતા. બંજાર હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ ઘાયલોને તેમની સ્થિતિને જોતા કુલ્લુ અને નેરચોકની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ધારાસભ્ય સુરેન્દ્ર શૌરી પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ ઘાયલોને રિફર કરવા માટે મનાલી-ચંદીગઢ હાઈવે ખુલ્લો રાખવાનો નિર્દેશ આપ્યો છે.

બ્રેક લેધર ગરમ થતાં ડ્રાઇવરે રોક્યું હતું વાહન : ઈજાગ્રસ્તોએ જણાવ્યું કે વાહનનું બ્રેક લેધર ગરમ થઈ ગયું હતું, જેના કારણે બ્રેક કામ કરી રહી ન હતી. ડ્રાઇવરે વાહન રોક્યું પણ, અંધારું અને ખરાબ હવામાનને કારણે પ્રવાસીઓને ધીમેથી આગળ વધવાનું કહ્યું હતું. આ પછી બ્રેક કામ ન કરવાને કારણે વાહન અમુક અંતરે સીધું ખાડામાં પડ્યું હતું. અહીં ઉતરાણ છે અને સતત બ્રેક લગાવવાથી આ પ્રકારની ટેક્નિકલ સમસ્યા આવે છે.

આ ઘટના પર પીએમ મોદીએ વ્યક્ત કર્યો શોક : પીએમ મોદીએ ટ્વિટ કરીને આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું, ‘હિમાચલ પ્રદેશના કુલ્લુમાં એક પ્રવાસી વાહન ખીણમાં પડવાની ઘટના ખૂબ જ દુઃખદ છે. આ દુર્ઘટનામાં જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પરિવારો પ્રત્યે હું મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. આ સાથે ઘાયલોને તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવી રહી છે. હું તેમના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.’