26 Aug 22 : સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસી સમાજને વધુ અનામત મળે તે માટે સમર્પિત આયોગની રચના કરવામાં આવી છે. આ આયોગ દ્વારા રાજકોટમાં બે દિવસ સુધી સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાઓમાંથી આયોગને ૧૦૦૦થી વધુ રજૂઆતો મળી છે. આ રજૂઆતોમાં નગર-મહાનગર પાલિકા તેમજ ગ્રામ-તાલુકા-જિલ્લા પંચાયતોમાં ઓબીસી અનામત ૧૦ ટકાથી વધારીને ૨૭ ટકા સુધી લઈ જવાનો સૂર વ્યક્ત થયો હતો.

સમર્પિત આયોગના ચેરમેન અને હાઇકોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ શ્રી કલ્પેશ ઝવેરીની અધ્યક્ષતામાં તથા આયોગના સભ્યો શ્રી ઈશ્વરભાઈ પટેલ, શ્રી કે. એસ. પ્રજાપતિ, શ્રી વી.બી ઠાકોરની ઉપસ્થિતિમાં, રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ૨૬મી ઓગસ્ટે બીજા દિવસની સવારની સુનાવણીમાં કચ્છ જિલ્લામાંથી ૧૪૩, દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી ૧૩, પોરબંદર જિલ્લામાંથી પાંચ જ્યારે બોટાદ જિલ્લામાંથી ૧૩ જેટલી રજૂઆતો આવી હતી. જ્યારે બપોર પછીના સેશનમાં રાજકોટ જિલ્લા તેમજ મહાનગર પાલિકા વિસ્તારની સુનાવણી યોજાઈ હતી. જેમાં ૭૮૧ જેટલી રજૂઆતો આવી હતી.

રાજકોટના મેયરશ્રી પ્રદીપ ડવ, અન્ય કોર્પોરેટરો તેમજ ઓબીસીમાં સમાવિષ્ટ વિવિધ જ્ઞાતિઓના પ્રતિનિધિઓ સુનાવણીમાં ઉપસ્થિત રહ્યા હતા. મેયરશ્રી પ્રદીપ ડવે પણ આયોગ સમક્ષ રજૂઆત કરી હતી કે, સ્થાનિક સંસ્થાઓમાં ઓબીસીને વધુ પ્રતિનિધિત્વ મળે તેવી વિવિધ સમાજોની લાગણી છે, જેને આપ સરકારમાં પહોંચાડશો એવી આશા છે, અને ઓબીસી સમાજને વધુમાં વધુમાં અનામત મળે તેના માટે આપ સમક્ષ અમારી રજૂઆત છે.

રાજકોટ મહાનગર પાલિકાની ૧૦ મહિલા કોર્પોરેટરોએ પણ ઉપસ્થિત રહીને અનામત વધારવા માગણી કરી હતી. સુનાવણીમાં મહિલાઓનું પ્રતિનિધિ ત્વ જોઈને આયોગે પણ ખુશી વ્યક્ત કરી હતી અને સમાજના ઉત્કર્ષ માટે મહિલાની ભાગીદારીને તેમણે બિરદાવી હતી.

બે દિવસ સુધી થયેલી સુનાવણીમાં ઓબીસી સમાજના પ્રતિનિધિઓની રજૂઆતોનો સૂર એવો હતો કે, ગ્રામ પંચાયત, તાલુકા તથા જિલ્લા પંચાયત, નગર પાલિકા, મહાનગર પાલિકામાં ઓબીસી સમાજની અનામત ૧૦ ટકાથી વધારીને ૨૭ ટકા સુધી લઈ જવી જોઈએ. આયોગે આ રજૂઆતો ધીરજ પૂર્વક સાંભળી અને સ્વીકારી હતી.

સ્થાનિક સંસ્થાઓમાં હાલ લાગુ ૧૦ ટકા ઓબીસી અનામત હટાવી દેવાશે તેવો ભય પણ કેટલાક પ્રતિનિધિઓએ વ્યક્ત કર્યો હતો, ત્યારે આયોગે તેમને આશ્વાસન આપ્યું હતું કે, આ ભય નિરર્થક છે. સ્થાનિક સંસ્થાઓમાંથી ૧૦ ટકા ઓબીસી અનામત દૂર નહીં થાય પણ કેટલા ટકા વધારવી તેનો અભ્યાસ કરવા અંગે આ આયોગની રચના થઈ છે.

આયોગના ચેરમેનશ્રી જસ્ટિસ કલ્પેશ ઝવેરીએ કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે આપેલા નિર્ણય તેમજ કાયદાની મર્યાદામાં રહીને તેઓ ઓબીસી સમાજને સ્થાનિક સંસ્થાઓમાં વધુમાં વધુ અનામત મળે તે માટે પ્રયત્ન કરશે. સુનાવણી દરમિયાન તેમણે ઓબીસી અનામત મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ, કાયદાનું સ્પષ્ટીકરણ, બંધારણની જોગવાઈઓ સહિતની બાબતોની સમજણ પણ સૌને આપી હતી.

આ દરમિયાન રાજકોટના જિલ્લા કલેક્ટરશ્રી અરૂણ મહેશ બાબુ,રાજકોટ મ્યુનિસિપલ કમિશનરશ્રી અમિત અરોરા,નિવાસી અધિક કલેકટરશ્રી કેતન ઠક્કર, જિલ્લા આયોજન અધિકારી શ્રી નીતિન ટોપરાણી, રાજકોટ ગ્રામ્ય પ્રાંત અધિકારીશ્રી વિવેક ટાંક વગેરે ઉપસ્થિત રહ્યા હતા.