સુરતમાં ગરબાના તાલ સાથે તાલ મિલાવતી બ્રાઝીલની યુવતી

03 Oct 22 : ગુજરાતમાં હાલ નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે. ગુજરાતના ગરબા ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ લોકપ્રિય છે. ગુજરાતીઓ દેશમાં હોય કે પરદેશમાં ગરબા રમ્યા વગર રહી જ ના શકે. નવરાત્રીના આ મહોત્સવ ગુજરાતભરમાં ધામેધૂમેથી ઉજવાઈ રહ્યો છે. હવે ગુજરાતના ગરબામાં દેશના જ નહીં પરંતુ વિદેશના લોકોને પણ રસ જાગ્યો છે. ગુજરાતના ગરબા વિદેશમાં લોકપ્રિય હોવાથી ત્યાંના સ્થાનિક લોકો પણ ગરબાથી આર્કષિત થયા છે. આવી જ એક બ્રાઝીલની યુવતી છે જે ગુજરાતના ગરબાથી પ્રભાવિત થઈ છે.

સુરતમાં ગુજરાતના પરાંપરાગત ચણીયાચોળી પહેરી ગરબે ઘૂમતી બ્રાઝિલની આ યુવતીએ ભલ ભલાને સરમાવે તેવા ગરબા કરતા જોઈએને સૌ કોઈ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. વિદેશી યુવતીને ગુજરાતી ગરબા કરતા જોઈ લોકો પણ કહેવા લાગ્યા હતા કે શું વાત છે. નવલી નવરાત્રીના રંગમાં આખું ગુજરાત રંગાઈ ગયું છે ત્યારે ગરબાના તાલે ઝૂમતા વિદેશીઓ પણ નજરે આવી રહ્યા છે. સુરતના કોસંબા વિસ્તારમાં ગરબા રમતી બ્રાઝિલિયન વિદ્યાર્થિની જોવા મળી હતી.

આ યુવતી બ્રાઝિલથી ભણવા માટે આવી છે જેનું નામ જીઓવાના સુઝિન છે અને તે પણ ગરબાના સ્ટેપ કરતી જોવા મળી હતી. જીઓવાના સુઝિનને ગરબા કરતા જોનાર લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતાં. કારણ કે બ્રાઝિલિયન વિદ્યાર્થિની ચણીયા ચોરીમાં ગરબા કરી રહી હતી. બ્રાઝિલથી આવેલી જીઓવાના સુઝીન સુરત ગુજરાતી સંસ્કૃતિ જાણવા માટે આવી છે ત્યારે નવરાત્રીના ખાસ પર્વે જીઓવાના સુઝિન ચણીયાચોળી પહેરીને જે રીતે તે ગરબા કરી રહી હતી તે જોઈને કોઈ પણ કહી શકે નહીં કે તે બ્રાઝિલની રહેવાસી છે અને થોડાક દિવસ પહેલા જ ગુજરાતમાં ભણવા માટે આવી છે. રોટરી યુથ એજ્યુકેશન પ્રોગ્રામ હેઠળ તે સુરતના કોસંબા વિસ્તારમાં રહે છે અને તે ગુજરાતની સંસ્કૃતિ અને નવરાત્રી પર્વથી ખૂબ જ પ્રભાવિત થઈ ગઈ છે.

જીઓવાના સુઝિને જણાવ્યું હતું કે હું અહીં ગરબા રમીને ખુબ જ ખુશ છું અને ગરબાને એન્જોય કર્યું હતું. આ ગરબામાં બધા લોકો ખુબ જ ખુશ હતા. નવરાત્રીએ 9 દિવસનો તહેવાર છે અને આ 9 દિવસમાં ખુબ જ આનંદ મળે છે. આ મારી ગુજરાતમાં પ્રથમ નવરાત્રી છે અને હું દર વર્ષે આ નવરાત્રીમાં આવીશ. આ ઉપરાંત ગરબાના આયોજક અમિષા પરમારે જણાવ્યું હતું કે કોરોના પછી બે વર્ષ બાદ આ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ ઉત્સવ સફળતાપૂર્વક બનાવવા માટે તમામ સભ્યોનો આભાર માન્યો હતો. આ ઉપરાંત રોટરીના જે મેમ્બર છે તેનો પણ ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here