01 Sep 22 : રાજકોટમાં સીટી બસમાં જીવન જોખમે મુસાફરી કરવી પડે છે. અવારનવાર સીટી બસમાં ખામી સર્જાઈ છે અને તેમાં મુસાફરોને ભોગ બનવું પડે છે. હજુ ગત મહિના પહેલા જ એક સીટી બસ કાલાવડ રોડ પર સળગી ગઈ હતી ત્યારે આજે વધુ એક બસમાં દુર્ઘટના સર્જાઈ હતી. આજે ચાલુ સીટી બસમાંથી ટાયર નીકળી ગયું હતું. આ ઘટના ત્યારે બની હતી જયારે બસ પોતાના રૂટ પર દોડી રહી હતી અને બસમાં અંદાજે 20 કરતા પણ વધારે મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. ચાલુ બસમાંથી અચાનક જ ટાયર નીકળી જતા બસમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા.

આ ઘટનામાં કોઈ મોટી જાનહાની કે નુકશાની થઇ ન હતી જો કે, એક બાળકીને ઇજા પહોંચી હતી. રાજકોટમાં આ અગાઉ પણ સીટી બસમાં અનેક વખત દુર્ઘટના સર્જાઈ છે ત્યારે આજે વધુ એક દુર્ઘટના સર્જાતા સીટી બસના મેન્ટેન્સ સામે પણ પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. આ સીટી બસના ડ્રાઈવરે બસના ટાયર અંગે ફરિયાદ પણ કરી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ સીટી બસ શહેરના 80 ફૂટ રોડ પરથી પસાર થઇ રહી હતી ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી અને મીડિયા સાથે વાત કરતા બસ ના ડ્રાઈવર સામતભાઇએ જણાવ્યું હતું કે સીટી બસ જયારે ત્રિકોણ બાગ પાસેથી શરુ કરી ત્યારે તેને એન્જસીના અધિકારીઓને ટાયરના ભાગે ટેક્નિ કલ ફોલ્ટ હોવાની જાણ પણ કરી હતી.

જો કે અધિકારીઓ દ્વારા બસમાં મામૂલી ખામી હોવાનું કારણ આપ્યું હતું અને બસને નિયત રૂટ પર ચલાવવાની સૂચના આપવામાં આવી હતી. આ ઘટનામાં એક બાળકીને ઇજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ ઘટનામાં જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવા તેમજ સીટી બસનું સમયાંતરે મેન્ટેન્સ થાય તેવી લોકોની માંગ ઉઠી રહી છે.

  • ધોરાજીમાં પકડાઈ જુગારની ક્લબ –  ૪૩ પત્તાપ્રેમીઓ સાથે ૨.૭૫ લાખનો મુદ્દામાલ કબજે

01 Sep 22 : શ્રાવણ માસ અને સાતમ આઠમનો તહેવાર પૂરો થઈ ગયો છે છતાં પત્તા પ્રેમીઓ જુગાર રમવાનું છોડ્યું નથી. ધોરાજી – ઉપલેટામાં પોલીસ દ્વારા જુગારના ચાલતા ક્લબ પર દરોડા પાડી પત્તા પ્રેમીને ઝડપી લીધા હતા. ધોરાજી – ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં બે જગ્યાએ દરોડા પાડી પોલીસે ૪૩ જુગારીને પકડ્યા હતા અને તેમની પાસેથી ૨.૭૫ લાખનો મુદ્દમાલ કબ્જે કર્યો હતો. ગ્રામ્ય વિસ્તારમાં બે ઘરે ચાલતા જુગાર કલબ પર પોલીસે દરોડો પાડ્યો હતો અને પત્તા પ્રેમીઓને ઝડપી પાડયા હતા.

મળતી વિગત અનુસાર ધોરાજી-ઉપલેટા શહેર ગ્રામ્યમાં તીનપત્તી જુગાર રમવાનું મોટું ક્લબ ચાલે છે જેમાં મહિલાઓ પણ જુગાર પ્રવૃતિમાં સામેલ હોય છે. ધોરાજી શહેર અને વેગડી ભૂખી, તોરણિયા, ઝાંઝમેરમાં પોલીસે દરોડો પાડી ૪૩ પત્તાપ્રેમીઓને પકડી ૨.૭૫ લાખની મત્તા કબ્જે કરી છે. ધોરાજીમાં જેતપુર રોડ માથુકિયાવાડી વિસ્તારમાં રહેતા ભરતભાઈ હિરપરાના રહેણાક મકાનમાં જુગારનો મોટો અડ્ડો ચાલે છે એવી બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા પરેશભાઈ કાનજીભાઈ વૈષ્ણવ સહિત નવ શખ્સોને રોકડ રકમ રૂા.૧.૧૩ લાખની રોકડ અને નવ મોબાઈલ,ત્રણ બાઈક સાથે પકડી પાડ્યા હતા.

બીજા દરોડામાં તાલુકાના ઝાંઝમેર ગામે મયુરભાઈ અશોકભાઈ સરવૈયાની ઘરે જુગાર દરોડો પાડતા મયુર ઉપરાંત લકકીરાજસિંહ ચુડાસમા સહિત 8 શખ્સોને રૂા.૨૬૬૧૦ રોકડા અને અન્ય મુદામાલ સાથે રૂા.૪૧૬૧૦ માલમતા સાથે ઝડપી લીધા હતા. વેગડી ગામે ભાવેશ ભોજા કોડીયાતર સહિત સાતને રૂા.૧૦૧૬૦ રોકડ રકમ સાથે પકડી ધોરણસરની કાર્યવાહી કરી હતી. આવી જ રીતે ભૂખી ગામે પદુભાઈ લાખાભાઈ મેર સહિત ૧૧ શખ્સોને રૂા.૧૩૪૨૦ ની મતા સાથે ઝડપી લીધા હતા. તોરણીયા ગામે ભવાનભાઈ લખમણભાઈ દેલવાડીયા સહિત આઠ શખ્સોને રૂ.૧૨૭૫૦ની રોકડ રકમ સાથે જુગાર રમતા ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી.