રાજકોટમાં કોંગ્રેસને પાડયો મોટો ફટકો, એક ડઝનથી વધુ કાર્યકર્તાઓનો ભાજપમાં પ્રવેશ

23 Nov 22 : વિધાનસભાની ચૂંટણી માટે તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે બધી રાજનૈતિક પાર્ટીઓ લોકોના મત જીતવા એડિ ચોટીનું જોર લગાવી રહ્યા છે. સભાઓ ગજવી રહ્યા છે ત્યારે કોંગ્રેસ માટે એક મોટો ઝટકો સામે આવ્યો છે. રાજકોટ કોંગ્રેસના એક ડઝનથી પણ વધુ કાર્યકર્તાઓ ભાજાપમાં જોડાયા છે. રાજકોટમાં રાહુલ ગાંધીના આગમન ટાંકણે દક્ષિણ વિધાનસભા વિસ્તારનાં એક ડઝનથી વધુ કોંગ્રેસના આગેવાનો અને હોદેદારો ભાજપનાં ઉમેદવાર રમેશભાઈ ટીલાળાના સમર્થનમાં ભાજપમાં જોડાતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.

રાજકોટ દક્ષિણ (70)ના ઉમેદવાર રમેશભાઈ ટીલાળાના સમર્થનમાં ગત રાત્રે દક્ષિણ વિધાનસભાના મધ્યસ્થ કાર્યાલયે વોર્ડ નં. 17નાં કોંગ્રેસ અગ્રણી પરશોતમભાઈ સગપરીયા, વોર્ડ નં. 18નાં કોંગ્રેસના આગેવાન હસુભાઈ સોજીત્રા, વોર્ડ નં. 18ના શહેર કોંગ્રેસના મંત્રી ચંદુભાઈ ટીલાળા, પરેશભાઈ સભાયા, અક્ષયભાઈ મહીધરીયા, વોર્ડ નં. 18નાં કોંગ્રેસના ઉપપ્રમુખ જીજ્ઞેશભાઈ માધાણી, હંસરાજભાઈ વાછાણી, દિલિપભાઈ બુસા, નિલેશભાઈ વિરડીયા, વોર્ડ નં. 13ના પ્રતાપભાઈ રામોલીયા, ચંદુભાઈ પ્રજાપતિ, વોર્ડ નં. 16ના પાંચાભાઈ હાપાણી સહિત તેમના 200 જેટલા ટેકેદારો સાથે ભાજપમાં જોડાતા કોંગ્રેસમાં હડકંપ મચી ગયો છે. આ તમામ આગેવાનોને અને તેમના ટેકેદારોને 70 વિધાનસભાના મધ્યસ્થ કાર્યાલયે ભાજપના ઉમેદવાર રમેશભાઈ ટીલાળા, ફાઈનાન્સ બોર્ડના પુર્વ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, 70 વિધાનસભાના ઇન્ચાર્જ જીતુભાઈ કોઠારી સહિતના આગેવાનોએ બધાને કેસરી ખેસ પહેરાવી ભાજપમાં ઉમળકાભેર આવકાર્યા હતા.

આ તકે રમેશભાઈ ટીલાળાએ જણાવ્યું હતું કે યોગ્ય સમયે કોંગ્રેસી મિત્રોએ યોગ્ય નિર્ણય લીધો છે તેને હું આવકારુ છું અને હવે આપણે બધા સામુહિક રાષ્ટ્રના હિતમાં લાગી સમૃધ્ધ ગુજરાત અને ભારતને મહાન રાષ્ટ્ર બનાવીએ. તેમણે ઉપસ્થિત આગેવાનોને અને કાર્યકરોને ખાત્રી આપી હતી કે હું હંમેશા ધરતી સાથે જોડાયેલો માણસ છું. તમારામાંથી કોઇપણ કાર્યકરોને તેમના વિસ્તારમાં જ્યારે પણ જરુર પડે ત્યારે હું તમારી સાથે ઉભો રહીશ. રમેશભાઈ ટીલાળાની આવી ખાત્રીથી ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોને જોમ અને જુસ્સો પુરો પાડ્યો હતો અને આગેવાનોએ પણ રમેશભાઈ ટીલાળા તુમ આગે બઢોના સુત્રો પોકારી વિજયનો શંખનાદ ફુંકયો હતો.

વધુમા વાંચો… રાજકોટ – શહેર પોલીસનો કડક જાપ્તો ૧૨ લાખથી વધુનો વિદેશી દારૂ જપ્ત, ૨૭૦૦થી વધુ હથિયાર જમા લેવાયા

વિધાનસભાની સામાન્ય ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય અને શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રાજકોટ શહેર પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવના વડપણ હેઠળ તથા ખાસ પોલીસ કમિશનરશ્રી સૌરભ તોલંબિયાના નિરીક્ષણમાં પોલીસ સ્ટાફ ખડેપગે ફરજ બજાવી રહ્યો છે.

શહેરમાં દારૂ, માદક દ્રવ્યો તેમજ રોકડ સહિતની હેરાફેરી રોકવા શહેર ફરતે ૯ ચેકપોસ્ટ પર સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. શહેર પોલીસ દ્વારા ચૂંટણી જાહેર થઈ ત્યારથી એટલે કે ૩ નવેમ્બરથી ૨૦ નવેમ્બર સુધીમાં ૨૫૪૪ ધરપકડ વોરંટ બજાવવામાં આવ્યા છે. જ્યારે ૨૯૨૯ હથિયાર જમા લેવામાં આવ્યા છે.

દારૂની હેરાફેરી સામે કાર્યવાહી કરતાં, રૂ. ૧૨,૨૩,૪૨૫ની કિંમતનો ૩૭૬૭ બોટલ (૨૦૨૧ લીટર) વિદેશી દારૂ જપ્ત કર્યો છે. જ્યારે રૂ. ૫૫,૫૯૦ની કિંમતનો ૨૭૮૦ લીટર દારૂ જપ્ત કર્યો છે. ૩ નવેમ્બરથી ૨૧ નવેમ્બર સુધીમાં ૫૮ શખ્શોને તડીપાર કરાયા છે, જ્યારે ૫૭ શખ્સોની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે. જ્યારે ૯૩૪ શખ્સો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. પોલીસે દારૂના ગુનામાં નાસતા ફરતા ૧૦ આરોપી તથા ગંભીર ગુનામાં સંડોવાયેલા ૨૦ આરોપી મળી ૩૦ જેટલા આરોપીને ઝડપી લીધા છે.

એન.ડી.પી.એસ. અંતર્ગત પોલીસે આશરે રૂ. ૧,૭૧,૧૦૦ની કિંમતનું ૧૭.૧૧ ગ્રામ મેફી ડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું છે. ચેકપોસ્ટ પર તહેનાત પોલીસ સ્ટાફે દારૂ પીને વાહન ચલાવવાના ગુના અંતર્ગત ૨૮ કેસ કર્યા છે, જ્યારે જાહેરનામા ભંગના ૭૧ કેસ કર્યા છે.

આ સમગ્ર કામગીરી આશરે ૧૪૦૦ જેટલા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ દ્વારા કરવામાં આવી છે.

વધુમાં વાંચો… રાજકોટમાં વિધાનસભા ચૂંટણી તૈયારીની સમીક્ષા કરતા સ્પેશિયલ જનરલ ઓબ્ઝર્વર તથા સ્પેશિયલ પોલીસ ઓબ્ઝર્વર

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટે કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા શ્રી અજય વી. નાયકની સ્પેશિયલ જનરલ ઓબ્ઝર્વર તથા શ્રી દીપક મિશ્રાની સ્પેશિયલ પોલીસ ઓબ્ઝર્વર તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ બંને નિરીક્ષકશ્રીઓ આજે રાજકોટ આવી પહોંચ્યા હતા અને જિલ્લા ચૂંટણીતંત્ર સાથે બેઠક યોજીને ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરી હતી. બંને સ્પેશિયલ ઓબ્ઝર્વર દ્વારા જિલ્લામાં ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે ઈ.વી.એમ. મેનેજમેન્ટ, પોસ્ટલ બેલેટ સહિતના મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેઓએ આઠ વિધાનસભાના જનરલ ઓબ્ઝર્વર્સ પાસેથી તેમના અનુભવો જાણ્યા હતા.

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અરૂણ મહેશ બાબુએ આ તકે રાજકોટ જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા થઈ રહેલી કામગીરીનો પરિચય આપ્યો હતો.

આ બેઠકમાં જનરલ ઓબ્ઝર્વર્સ સર્વ શ્રી નીલમ મીના, શ્રી શિલ્પા ગુપ્તા, શ્રી સુશીલકુમાર પટેલ, શ્રી વી.વી. જ્યોત્સના, શ્રી મિથીલેશ મિશ્રા, શ્રી પ્રીતિ ગેહલોત, પોલીસ નિરીક્ષકશ્રી એસ. પરીમાલા તેમજ શહેર પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, ચૂંટણી ખર્ચ નોડલ અધિકારીશ્રી દેવ ચૌધરી, રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોર, નિવાસી અધિક કલેકટરશ્રી કેતન ઠક્કર, અધિક ચૂંટણી અધિકારીશ્રી એસ.જે. ખાચર ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here