23 Aug 22 : આ વર્ષે પડેલ મૂશળધાર વરસાદને કારણે રોડ રસ્તાની હાલત ખુબજ ગંભીર બની ગઈ છે ત્યારે જનતાને પરિવહનમાં મુશ્કેલી ન પડે તે માટે તાત્કાલિક ધોરણે બિસ્માર થયેલા રોડ રસ્તા તથા ઓરબ્રિજ અને અંડરબ્રિજને વ્યવસ્થિત કરવા રાજકોટના કલેકટર અરૂણ મહેશ બાબુએ બેઠક યોજી હતી.

જાહેર પરિવહનમાં જનતાને પડતી મુશ્કેલીઓને સમજીને તેનું નિવારણ લાવવા જિલ્લા કલેટકર અરુણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી.

જનતાની સુખાકારીને પ્રાધાન્ય આપીને કલેકટરએ આ સમીક્ષા બેઠકમાં સમગ્ર જિલ્લામાં ચાલી રહેલા ઓવરબ્રિજ, રોડ – રસ્તાઓ, ચોમાસાને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓ,શહેરને જોડતા ગ્રામ્ય વિસ્તારના માર્ગો, પંચાયત વિભાગના માર્ગો, નેશનલ હાઇવે અને સ્ટેટ હાઇવે સહિત નાં રોડ રસ્તાઓ ના પ્રગતિ હેઠળના કામોની સમીક્ષા કરીને તેને સત્વરે પૂર્ણ કરવા સંબંધિત વિભાગના અધિકારીઓને કલેકટરએ તાકિદ કરી હતી.

વધુમાં કલેકટર અરુણ મહેશ બાબુએ ચોમાસાને લીધે ક્ષતિગ્રસ્ત રોડને કારણે જાહેર પરિવહનમાં જનતાને પડતી મુશ્કેલીઓને કેન્દ્રમાં રાખીને જવાબ દાર અધિકારી બનીને તાત્કાલિક ધોરણે રસ્તાઓના સમારકામ અને મેટલ પેચવર્કનું કામ શરૂ કરવા જણાવ્યું હતું.

આ સમીક્ષા બેઠકમાં જિલ્લા નિવાસી અધિક કલેકટર કે.બી.ઠક્કર, નેશનલ હાઈવે, આર.એન.બી. વિભાગ, કોર્પોરેશન સહિતનાં વિભાગના સંબધિત વિભાગીય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.