
06 Jan 23 : રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના હડમતીયા ખાતે ગામલોકોની સમસ્યાના ઉકેલ માટે રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજયના ગામડાંઓના નાગરિકોના પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ લાવવાના આશયથી રાજયભરમાં રાત્રિ ગ્રામસભાઓનું આયોજન કરવામાં આવી રહયું છે, જે અન્વયે હડમતીયા ખાતે યોજાયેલી.
આ સભામાં સરપંચશ્રી, તલાટી કમ મંત્રીશ્રી, તાલુકા પંચાયત સદસ્યશ્રી અને ગ્રામ પંચાયતના સદસ્યશ્રીની ઉપસ્થિતિમાં નલ સે જલ યોજના અંતર્ગત લોક ફાળો ભરવા અને યોજના વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ ૧૫માં નાણાપંચ, આયુષ્માન કાર્ડ, ઈ-કે.વાય.સી.ના મહત્વ અને ગ્રામજનોના પ્રશ્નો વિશે ચર્ચા કરવામાં આવી હતી. તેમ તાલુકા વિકાસ અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.
વધુમા વાંચો… રાજકોટના અનાથ બાળકને મળ્યો પરિવાર
પ્રભુએ બંધાવ્યું મારું પારણું રે લોલ, પારણિયે ઝૂલે રે ઝીણી જ્યોત રે,અદકા અજવાળા એની આંખમાં રે લોલ..
જાણીતા કવિશ્રી મકરંદ દવેની આ પંક્તિ બાળ જન્મને લીધે પરિવારમાં જોવા મળતી ઉત્સવના વાતાવરણની ઝલક દર્શાવી જાય છે, તો વળી માતા-પિતા વગરના બાળકોના વલોપાત વિશે પણ અનેક રચનાઓ નિર્માણ પામી છે, ત્યારે રાજકોટ કલેકટર કચેરી ખાતે આજે એક પરિવારને બાળક અને બાળકને તેના માતા-પિતાનો મેળાપ થવાના શુભ અવસરનું નિર્માણ થયું હતું.
રાજકોટની સેવા સંસ્થા શ્રી કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમના માતા-પિતાથી વંચિત એવા બાળકને આજે રાજકોટના દંપતી દ્વારા દત્તક વિધાન મુજબ કાયદાકીય રીતે દત્તક લેવામાં આવ્યા છે. આ સમયે બાળકને કલેક્ટરશ્રીના હસ્તે તેમના દત્તક માતા-પિતાને સોંપવામાં આવ્યા હતા. બાળકને પરિવાર મળતાં કલેકટરશ્રી, સંસ્થાના ટ્રસ્ટીઓ, કર્મીઓ સર્વેએ આનંદની લાગણી વ્યક્ત હતી અને બાળકોને ઉજ્જવળ ભવિષ્યની કામના સાથે તેમના માતા-પિતાને સોંપ્યા હતા.
શ્રી કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ રાજકોટના આશરે ૭૫૦ જેટલા બાળકો હાલ સુધીમાં દેશ-વિદેશમાં દત્તક લેવામાં આવ્યા છે. દત્તક વિધાનની નવી પ્રક્રિયા પ્રમાણે કોર્ટના બદલે કલેક્ટરશ્રી દ્વારા દત્તક આપવા માટેનો ઓર્ડર કરવામાં આવે છે, આ નવી અમલીકરણ પ્રક્રિયા અનુસાર આજે રાજકોટ જિલ્લામાં ત્રીજું બાળક જિલ્લા બાળ સુરક્ષા એકમ અને સમાજ સુરક્ષા અધિકારીની મદદથી પોતાના ઘરે જઈ રહ્યું છે.
પરિવાર સાથેના મેળાપના શુભ પ્રસંગે કલેક્ટરશ્રી અરૂણ મહેશ બાબુએ બાળકને દત્તક લેનાર માતા-પિતાને શુભેચ્છાઓ આપી બાળક દ્વારા તેમના પરિવાર માં આવનારી ખુશાલી અને તેમના થકી બાળકોના ઉજ્વળ ભવિષ્ય વિશેની કામના વ્યક્ત કરી હતી. સમાજમાં જોવા મળતી વંધ્યત્વની બીમારીથી પીડાતા દંપતિઓ પોતાના બાળકની આશાએ અંધ શ્રદ્ધાના માર્ગે પણ વળી જતા હોય છે ત્યારે આ દંપતિને એક દીકરી હોવા છતાં આ બાળકને દત્તક લઇ સમાજને એક આદર્શ રાહ ચીંધ્યો છે. અન્ય દંપતિઓ પણ આ આદર્શ માર્ગ પર પોતાના ભવિષ્યની કેડી કંડારી એક માતા-પિતા વિહીન બાળકને પોતાનો સહારો આપી શકે છે અને એ બાળકના જીવનને તેમજ પોતાના પરિવારને પણ સુખમય બનાવી શકે છે. ઘણીવાર દત્તક લેવા ઇચ્છતા દંપતિઓમાં દત્તકવિધાનની પ્રક્રિયા વિશે સ્પષ્ટતાપૂર્વકની સમજણ ન હોવાને કારણે તકલીફો પણ જાણવા મળી છે.
બાળક દત્તક લેવાની પ્રક્રિયા શું છે?
જે કોઇ દંપતી બાળકને દત્તક લેવા ઇચ્છતું હોય તે દંપતિએ સૌપ્રથમ http://www.cara.nic.in સાઇટ પર રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે. જેમાં પાનકાર્ડ, આધારકાર્ડ, મેરેજ સર્ટિફિકેટ, મેડિકલ રિપોર્ટ, ઇન્કમટેક્સ રિટર્ન, પોલીસ ક્લીયરન્સ અને બંનેનો ફોટો અપલોડ કરવાના હોય છે, ત્યારબાદ દંપતીને દીકરો કે દીકરી અંગેની પસંદગી માટે પણ તેમાં ઓપ્શન આપવામાં આવેલ હોય છે. સાઇટ પર જ બાળકને દત્તક લેવા માટેના કોઈપણ ત્રણ રાજ્યની પસંદગી અને સંસ્થાની પસંદગી પણ દંપતી દ્વારા કરવામાં આવે છે. આ રજિસ્ટ્રેશન બાદ સાઇટ દ્વારા જ પતિ-પત્નીના ઉંમરના સરવાળાના આધારે તેમને કેટલા વર્ષ સુધીનું બાળક દત્તક લઇ શકાય છે તેના વિશેની માહિતી આપવામાં આવે છે. તદુપરાંત સાઇટ પર દંપતી ટ્વીન કે સિંગલ બાળક અંગેની પોતાની પ્રાથમિકતા પણ જણાવી શકે છે. આ આધારે કારા દ્વારા દંપતીને અનુરૂપ બાળકો વિશે જણાવવામાં આવે છે, જેમાંથી દંપતી બાળકની પસંદગી કરી શકે છે. રજિસ્ટ્રેશનની સંપૂર્ણ પ્રક્રિયા બાદ દંપતિનું સંપૂર્ણ ડોક્યુમેન્ટ સાથેનું ડોઝિયર તૈયાર થાય છે. દંપતિનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે તેમજ તેમનો હોમ સ્ટડી રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ એડોપ્શન કમિટી દ્વારા દંપતીનો ઇન્ટરવ્યુ અને હોમ વિઝીટ કરવામાં આવે છે. આ પ્રક્રિયાના અંતે એલિજિબલ થતા દંપતીને બાળક દત્તક લેવા માટેની માન્યતા મળે છે. આ માન્યતામાં પ્રથમ સ્તરે ફોસ્ટર કેર એટલે કે બાળકના પાલન- પોષણ માટેની માન્યતા મળે છે. ફોસ્ટર કેરની મંજૂરી બાદ બાળકને દત્તક લેવા માટેની પ્રક્રિયા કરી તપાસ બાદ જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા બાળક દત્તક આપવાનો ઓર્ડર દંપતીને આપવામાં આવે છે.
બાળક દત્તક કોણ લઈ શકે છે? : કોઈપણ દંપતિ પોતાના ત્રણ બાળકો સુધી અન્ય બાળકને દત્તક લઈ શકે છે, જો દંપતીને પોતાના ત્રણ બાળકો હોય તો તે ચોથા બાળક તરીકે બાળકને દત્તક લઈ શકે નહીં.
આમ, દત્તકવિધાન વિશેની સાચી સમજ એક કરને પારણું ઝુલાવવાનો અવસર અને એક બાળકને માતા-પિતાની છત્રછાયા મેળવવાની પ્રક્રિયાનો સમન્વય થઇ પરિવારને ખુશી આપવા માટેનું માધ્યમ બની શકે છે.
વધુમાં વાંચો… આઈ.ટી.આઈ. રાજકોટ ખાતે ૯ જાન્યુઆરીએ યોજાશે પ્રધાનમંત્રી એપ્રેન્ટીસશીપ ભરતી મેળો
ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટ, આજી ડેમ ચોકડી પાસે, રાજકોટ ખાતે પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસશીપ ભરતી મેળાનું આયોજન તા. ૦૯ જાન્યુઆરી, સોમવારના રોજ સવારે ૯.૩૦ કલાકે કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ જિલ્લાનાં નામાંકિત ૧૦ જેટલાં ખાનગી એકમોનાં પ્રતિનિધિઓ રૂબરૂ હાજર રહી, ઉમેદવારોની પસંદગી કરશે.
આ ભરતીમેળામાં ૩૦૦ થી વધારે જગ્યાઓની ભરતી માટે વિવિધ આઈ.ટી.આઈ ટ્રેડમાંથી પાસ આઉટ, ડિપ્લોમા, ડિગ્રી, ગ્રેજ્યુએટ વગેરે જેવા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના બાયોડેટા, આધાર કાર્ડ, પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ, માર્કશીટ/સર્ટિફિકેટની જરૂરી નકલો સાથે સવારે ૯:૩૦ કલાકથી રાજકોટ આઈ.ટી.આઈ સંસ્થા ખાતે રૂબરૂ હાજર રહેવા આઈ.ટી આઈ. રાજકોટના આચાર્યશ્રી નિપુણ રાવલની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
વધુમાં વાંચો… ‘કિસાન સૂર્યોદય’ યોજના હેઠળ સૌરાષ્ટ્રના ૧૫ તાલુકાનાં ૪૩૪ ગામોના ખેડૂતોને અપાય છે દિવસે વીજળી
ખેડૂતોના જીવનમાં સુખાકારીનો સૂર્યોદય લાવતી ‘કિસાન સૂર્યોદય યોજના’ હેઠળ વિવિધ ગામોમાં કૃષિ માટે દિવસે વીજળી અપાઈ રહી છે. પ્રથમ તબક્કામાં સમાવિષ્ટ સૌરાષ્ટ્રના ૧૫ તાલુકાનાં ૪૩૪ ગામોના ખેડૂતોને સવારે પાંચથી રાત્રે નવ વાગ્યા સુધી વીજળી આપવામાં આવી રહી છે, તેમ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (પી.જી.વી.સી.એલ.)ના મેનેજિંગ ડિરેક્ટરશ્રી વરુણકુમાર બરનવાલે જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે, આ યોજના અંતર્ગત અમરેલીના બે તાલુકા, ગીર સોમનાથના છ તાલુકા તેમજ જુનાગઢના સાત તાલુકા મળીને ૧૫ તાલુકામાં ૩૪૦ ફીડરો મારફતે દિવસે વીજળી પહોંચી રહી છે.
નોંધનીય છે કે, ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કિસાન સૂર્યોદય યોજના શરૂ કરવામાં આવી છે. ખેડૂતોના ખેતર સુધી વીજળી પહોંચાડવા માટે જેટકો દ્વારા હાલ વિવિધ તબક્કાઓમાં પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે. જે મુજબ, વીજ વિતરણ નેટવર્કને મજબૂત બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત ખેતરો સુધી દિવસે વીજળી પહોંચાડવા માટે વીજ ઉત્પાદન ક્ષમતા વધારવાનું કાર્ય ચાલે છે. ઉપરાંત ઉત્પાદિત ઊર્જાના પરિવહન માટે વીજલાઇનોને મજબૂત બનાવવાની કામગીરી પણ ગતિમાં છે. આમ સુવ્યવસ્થિત ત્રિ-સ્તરીય આયોજન સાથેનું કામ ગતિમાં છે.
શ્રી બરનવાલે જણાવ્યું હતું કે, ઊર્જાના પરિવહનમાં થતો લાઈનલોસ તેમજ સમય ઘટાડવા, ઉપરાંત ખેડૂતોના ઘરઆંગણે જ વીજ ઉત્પાદન કરીને તેમને તત્કાલ વીજળી પહોંચાડવાના આયોજન પણ ગતિમાં છે. પી.જી.વી.સી.એલ. દ્વારા ડિસ્ટ્રીબ્યુટર જનરેશન ઉપર કામ ચાલી રહ્યું છે. ભારત સરકારની પી.એમ. કુસુમ-સી (પ્રધાનમંત્રી કિસાન ઊર્જા સુરક્ષા એવં ઉત્થાન મહાઅભિયાન) યોજના હેઠળ, સબ સ્ટેશન લેવલ ઉપર દરેક ફીડરની સાથે સોલાર પ્લાન્ટ લગાવાશે. જેનાથી ઊત્પાદિત સૌરઊર્જા ખેડૂતોના ખેતર સુધી પહોંચાડવામાં આવશે. આ યોજના અંતર્ગત ૧૨૦ મેગાવોટ સૌર ઊર્જાના ઉત્પાદન માટેની બીડ આવી ગઈ છે અને તેને મંજૂરી માટે વડી કચેરીએ મોકલી આપવામાં આવી છે. મંજૂરી પછી તેની કામગીરી પણ શરૂ થઈ જશે અને ૧૨૦ મેગાવોટ એનર્જી અમારા નેટવર્કમાં આવશે. આ ઉપરાંત વધુ ૫૦૦ મેગાવોટ સૌરઊર્જા ઉત્પાદન કરવાનું આયોજન છે. જેના માટે ટેન્ડર થઈ ગયા પછી વીજ ઉત્પાદન સ્થાનિક સ્તરે જ થશે. આ વીજળી ખેડૂતોને વપરાશ માટે આપી શકીશું અને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક પર તેનું ભારણ પણ નહીં આવે.