હચમચાવે એવી ઘટના, હજીરામાં બે સગી બહેનો રમતા-રમતા તળાવમાં પડી, ડૂબી જતા માસૂમોનાં મોત

સુરતના હજીરા વિસ્તારમાંથી એક હચમચાવે એવી ઘટના સામે આવી છે. અહીં, તળાવમાં ડૂબા જતા બે સગી બહેનોના મોત નીપજ્યા છે. આ ઘટના બાદ પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જ્યારે હજીરા પોલીસે ઘટના સ્થળે પહોંચી બાળકીઓના મૃતદેહને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોડી સાંજ સુધી ઘરે પરત ન ફરતા પરિવાજનોએ શોધખોળ આદરી. સુરતના હજીરા વિસ્તારમાં આવેલ AMNS કંપનીના ટાઉનશીપમાં વર્ષોથી રહેતા પરિવારની બે માસૂમ દીકરીઓના મોતથી પરિવારજનો પર આભ ફાટ્યું છે. છ વર્ષની રેણુપ્રિયા મહેન્દ્ર વેરાઈદમ અને નવ વર્ષની કીગુલવેની મહેન્દ્ર વેલાઈદમ ઘર નજીક રમવા ગઈ હતી. દરમિયાન રમતા-રમતા AMNS કંપનીના ટાઉનશીપમાં આવેલા તળાવમાં બંને પડી જતા ડૂબી હતી અને બંનેનું કરૂણ મોત નીપજ્યું હતું. મોડી સાંજ સુધી ઘરે પરત ન ફરતા પરિવાજનોએ બાળકીઓની શોધખોળ આદરી હતી. દરમિયાન બંને બાળકીઓના મૃતદેહ AMNS કંપનીના ટાઉનશીપમાં આવેલ તળાવમાંથી મળી આવ્યા હતા. બાળકીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલાયા. પરિજનો અને ટાઉનશીપના સ્થાનિકો દ્વારા બંને બાળાઓને તળાવમાંથી બહાર કાઢી તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ લઈ જવાઈ હતી. જો કે, ફરજ પરના ડોક્ટરે બંનેને મૃત જાહેર કરી હતી. બંને સગી માસૂમ બહેનોના મોતથી પરિવાર સહિત સમગ્ર ટાઉનશીપ વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી છે. આ મામલે હજીરા પોલીસે બાળકીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વધુમાં વાંચો… અરવલ્લી જિલ્લામાં માર્ચ મહિનામાં થયેલા માવઠાને કારણે નુકસાની સામે વળતર મામલે ખેડૂતોને ધરમધક્કા

અરવલ્લી જિલ્લામાં માર્ચ મહિનામાં થયેલા માવઠાને કારણે નુકસાની સામે વળતર ચુકવવામાં ઠાગાઠૈયા થતાં હોય તેવું લાગે છે, ખેડૂતોને અધિકારીઓ એક કચેરીથી બીજી કચેરી જવા માટે ખો આપી રહ્યા છે. અરવલ્લી જિલ્લામાં ચાલુ વર્ષે માવઠાને કારણે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. જેને લઇને ખેડૂતોમાં નારાજગી હતી. સરકારે સર્વે કરવાની શરૂઆત કરી હતી અને અરવલ્લી જિલ્લામાં પણ આ શરૂઆત થઈ હતી પણ હજુ સુધી ખેડૂતોને વળતર નહીં ચુકવાતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ખેડૂતો કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે, જોકે યોગ્ય જવાબ નહીં મળતા ધરમના ધક્કા ખાવાનો વારો આવી રહ્યો છે. ખેતીવાડી કચેરી જાય તો બાગાયતમાં મોકલાય છે અને બાગાયત માં જાય તો ખેતીવાડમાં મોકલી દેવાય છે. જેને લઈને ખેડૂતોમાં ભારે રોષ અને નારાજગી જોવા મળી રહી છે. મોડાસા તાલુકાના વણીયાદ, કોકાપુર, દધાલિયા, ઉમેદપુર, બામણવાડ સહીત આજુબાજુના ગામમાં સાંબેલાધાર કરા સાથે વરસાદ ખાબકતા ઘઉં, મકાઈ, ચણા, અન્ય બગયાતી ખેતીમાં તૈયાર ઉભા પાકનો સોથ વળી જતા ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકશાન થતા દેવાના ડુંગર નીચે દટાઈ જવા જેવી સ્થિતિનું નિર્માણ થતા ખેડૂતો અને તેમના પરિવારો આઘાતમાં સરી પડ્યા હતા. ખેડૂતો પર આવી પડેલી આફત સામે પહોંચી વળવા સરકારે અલગ અલગ ટીમ બનાવી સર્વે તો કરાવ્યો, જો કે, હજુ સુધી સહાય નહીં મળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતો પર આવી પડેલી આફત સામે પહોંચી વળવા સરકારે અલગ અલગ ટીમ બનાવી સર્વે તો કરાવ્યો, જોકે હજુ સુધી સહાય નહીં મળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અરવલ્લી જિલ્લામાં ખેડૂતોને થયેલા નુકસાન સામે વળતર ક્યારે મળશે તે એક સવાલ છે, હાલ તો અરવલ્લી જિલ્લામાં ખેડૂતોને વળતર માટે પણવલખા મારવા પડી રહ્યા હોય તેવું લાગે છે, પણ હવે પડતા પર પાટું વાગ્યા પછી ઘા ક્યારે ભરાશે તે એક સવાલ છે.

વધુમાં વાંચો… રાજકોટ – 15 તારીખે ચાર વર્ષની બાળકીનું અપહરણ કારના નરાધમ અંતે પકડાયો
રાજકોટમાં કોઠારીયા સોલવન્ટ ખાતે રહી મજુરી કામ કરતા પરપ્રાંતીય પરિવારની ચાર વર્ષની માસુમ પુત્રીનું અપહરણ કરી તેને બસપોર્ટ પાસે મૂકી ભાગી જનાર શખ્સની પોલીસે ધરપકડ કરી તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતુ કે તેને જૂના ઝઘડાનો ખાર રાખી આ કૃત્યને અંજામ આપ્યો હતો.

વિગત મુજબ મૂળ ઉત્તરપ્રદેશના અને કોઠારિયા સોલવન્ટ ફાટક પાસેના કારખાનામાં કામ કરતા રાઘવરામ ગંગારામ ગુપ્તા નામના યુવાને નોંધાવેલી ફરિયાદ મુજબ, તે અને પત્ની બંને અલગ અલગ કારખાનામાં કામ કરે છે. સંતાનમાં ચાર વર્ષની પુત્રી છે. સવારના પુત્રી પોતાની સાથે કારખાને હોય છે. જ્યારે બપોર બાદ પુત્રી પત્ની પાસે જતી રહે છે. દરમિયાન તા.15 ની સવારે રાબેતા મુજબ પોતે પુત્રીને લઇને કારખાને ગયા હતા. બપોર બાદ પુત્રી પત્ની પાસે જવા કારખાનેથી નીકળી ગઇ હતી. ત્યારે સાંજે સાત વાગ્યે પત્ની પોતાની પાસે કારખાને આવી પુત્રી કેમ હજુ મારી પાસે આવી નથી તેવી વાત કરી હતી. જેથી પત્ની સાથે આસપાસના વિસ્તારોમાં તેમજ સંબંધીઓને ત્યાં પુત્રી અંગે તપાસ કરી હતી. કોઇ ભાળ નહિ મળતા પુત્રીનો ફોટો લઇ પોલીસ મથક ગયા હતા. પોલીસને ફોટો બતાવી પુત્રી ગુમ થયાની વાત કરી હતી. જેથી પોલીસે તેમના મોબાઇલમાં એક ફોટો બતાવી આ છોકરી છે તેમ કહેતા તે ફોટો જોતા તે પોતાની પુત્રી હોવાનું જોવા મળ્યું હતું.પોતાની પુત્રી જ હોવાનું કહેતા પોલીસે આ બાળકી એસ.ટી.બસ સ્ટેન્ડમાંથી મળી છે અને તેને બાલાશ્રમમાં મૂકી હોવાનું જણાવ્યું હતું. બાદમાં પુત્રીનો કબજો મેળવી તેની પૂછપરછ કરતા તે માતા પાસે જતી હતી. ત્યારે માતા સાથે કામ કરતો યુપીનો પ્રમોદ પેશકાર મૌર્યે પોતે દૂધ લેવા જાય છે ચાલ મારી સાથે તેમ કહી પરાણે રિક્ષામાં બેસાડીને લઇ ગયો હતો. બાદમાં તેને બસ સ્ટેન્ડ પાસે ઉતારી તે જતો રહ્યો હોવાનું જણાવતા પ્રમોદ સામે આજી ડેમ પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ નોંધાવી છે. આજી ડેમ પોલીસે પ્રમોદને સકંજામાં લઇ તેને કયા કારણોસર બાળકીનું અપહરણ કર્યું તે અંગે પૂછપરછ હાથ ધરી છે.

વધુમાં વાંચો… UNના રિપોર્ટમાં સામે આવી ચોંકાવનારી વાત, આગામી 5 વર્ષ સુધી પડશે આકરી ગરમી, તૂટી જશે તમામ રેકોર્ડ
છેલ્લા કેટલાક વર્ષોમાં વિશ્વમાં ગરમીના રેકોર્ડ તૂટવા લાગ્યા છે. અનુમાન લગાવવામાં આવ્યું છે કે આગામી 5 વર્ષમાં વૈશ્વિક તાપમાન તમામ રેકોર્ડ તોડી નાખશે. સંયુક્ત રાષ્ટ્રની વિશ્વ હવામાન સંસ્થાએ કહ્યું છે કે 2023 થી 2027 વચ્ચે ગરમી સૌથી વધુ પડવાની છે. આ પાંચ વર્ષમાં તાપમાન તમામ રેકોર્ડ તોડી નાખશે. યુનાઈટેડ નેશન્સ અનુસાર, વૈશ્વિક તાપમાન ટૂંક સમયમાં પેરિસ ક્લાઈમેટ એગ્રીમેન્ટમાં નિર્ધારિત લક્ષ્યાંક કરતાં વધી જશે. જણાવી દઈએ કે વર્ષ 2016માં વાર્ષિક તાપમાન 1.28 ડિગ્રી સેલ્સિયસ હતું. જણાવી દઈએ કે આ પૂર્વ-ઔદ્યોગિક સમય (1850-1900ના સમયગાળાની સરેરાશ) કરતાં વધુ હતું.

તાપમાનમાં થશે વધારો : પરંતુ 2015-2022 વચ્ચે સૌથી ગરમ 8 વર્ષ નોંધાયા છે. પરંતુ વાતાવરણમાં સતત થઈ રહેલા બદલાવને કારણે તાપમાનમાં હજુ વધારો થવાની સંભાવના છે. યુએન અનુસાર, આગામી 5 વર્ષમાં વૈશ્વિક સ્તરે સૌથી વધુ તાપમાન નોંધાય તેવી 98 ટકા સંભાવના છે, જે તમામ રેકોર્ડ તોડી નાખશે. જણાવી દઈએ કે અલ નીનો અને ગ્રીનહાઉસ ગેસના કારણે તાપમાનમાં વધારાને લઈને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ચેતવણી જારી કરવામાં આવી છે. તે જ સમયે, હવામાન પરિવર્તનના કારણે, તાપમાન વધુ વધી શકે છે. તમામ રેકોર્ડ તૂટી જશે. જો આપણે સરેરાશ વાત કરીએ તો, વર્ષ 2022 માં વૈશ્વિક તાપમાન 1850 થી 1900 ના વર્ષો દરમિયાન 1.15 સેલ્સિયસ વધુ હતું. તે જ સમયે, હવામાનમાં ફેરફારને કારણે એપ્રિલ મહિનામાં આકરી ગરમી પડી રહી છે. પીટરી તાલાસના જણાવ્યા અનુસાર, WMO અનુસાર, આપણે કામચલાઉ ધોરણે 1.5 સેલ્સિયસના આંકને પાર કરી જઈશું. અલ નીનો, ક્લાઈમેટ ચેન્જના કારણે આગામી કેટલાક મહિનાઓ અને વર્ષોમાં ગરમી વધવાની છે. જણાવી દઈએ કે બુધવારે રાત્રે દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદ અને જોરદાર પવન જોવા મળ્યો હતો. જેના કારણે દિલ્હી-એનસીઆરમાં વાતાવરણ ખુશનુમા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here