
16 Sep 22 : ૩૬મી નેશનલ ગેમ્સ અંગે યુવાનો, વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવાના હેતુસર રાજકોટની મારવાડી યુનિવર્સિટી ખાતે આજે સ્પોર્ટ્સ એક્ટિવેશન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિવિધ રમતોમાં સ્થાનિક તેમજ રાષ્ટ્રીય સ્તરે વિજેતા થયેલા વિદ્યાર્થીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમના અધ્યક્ષ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ કહ્યું હતું કે, બહુ જ ટૂંકા સમયમાં ગુજરાતે નેશનલ ગેમ્સનું આયોજન કર્યું છે, જે અહીંની વિશ્વસ્તરીય સ્પોર્ટ્સ સુવિધાને આભારી છે. તેમણે રમત-ગમતને પ્રોત્સાહન આપવા, તથા નેશનલ ગેમ્સમાં જોડાઈને ખેલાડીઓને પ્રોત્સાહન આપવા સૌને અપીલ કરી હતી.
જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ ૩૬મી નેશનલ ગેમ્સ અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા.
આ કાર્યક્રમમાં આફ્રિકન દેશના ત્રણ વિદ્યાર્થીઓએ “વંદે માતરમ્” ગીત લયબદ્ધ રીતે રજૂ કર્યું હતું. જ્યારે નેશનલ ગેમ્સના મેસ્કોટ સાવજે સમગ્ર કાર્યક્રમમાં આકષૅણ જમાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા “ફિટ ઈન્ડિયા” અભિયાનને જન આંદોલન બનાવવા શપથ લેવડાવવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ બાદ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોર તથા મારવાડી યુનિવર્સિટીના સહ-સ્થાપક જીતુભાઈ ચંદારાણાએ ટેબલ ટેનિસ રમીને મારવાડી યુનિવર્સિટીના રમતોત્સવને ખુલ્લો મૂક્યો હતો. અધિકારીઓ પણ વિવિધ રમતોમાં ખેલાડી બનીને ઉત્સાહથી રમ્યા હતા. આ સાથે છાત્રોને પણ કોઈને કોઈ ગેમ્સમાં જોડાવા પ્રેરણા આપી હતી. મારવાડી યુનિવર્સિટીના રમતોત્સવમાં વોલીબોલ, ટેબલટેનિસ, ચેસ તેમજ કેરમ સહિતની રમતોમાં ગુજરાત ઉપરાંત દેશના અન્ય રાજ્યો અને વિદેશના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા.
- મારવાડી યુનિવર્સિટીમાં વોલીબોલ, ક્રિકેટ ગ્રાઉન્ડ પર જિલ્લા કલેકટર, ડી.ડી.ઓ, એસ.પી. ખીલ્યા
16 Sep 22 : રાજકોટમાં આજે મારવાડી યુનિવર્સિટીના રમતોત્સવનો જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ પ્રારંભ કરાવ્યો હતો. આ તકે કલેકટરશ્રી સાથે જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોર પણ ખેલાડી બની ગયા હતા અને સ્ફૂર્તિ સાથે ટેબલ ટેનિસ તથા વોલીબોલની મેચમાં ઉત્સાહ સાથે રમ્યા હતા. આ અધિકારીઓએ નેશનલ પ્લેયર્સને પણ બરાબરની ટક્કર આપી હતી.
બાદમાં ક્રિકેટ મેદાનમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીની બોલિંગમાં કલેકટરએ ધૂઆંધાર બેટિંગ કરી હતી. જ્યારે જિલ્લા પોલીસ અધિક્ષકે ફિલ્ડીંગનો મોરચો સંભાળ્યો હતો. એ પછી જિલ્લા વિકાસ અધિકારીએ બેટિંગ સાંભળી ત્યારે કલેકટરશ્રીએ બોલિંગ કરી હતી. એ પછી ફૂટબોલ ગ્રાઉન્ડ પર કલેકટર એ સિનિયર ખેલાડીની જેમ ગોલ ફટકારીને સૌને અચંબિત કર્યા હતા. તમામ ગેમ્સમાં ઉત્સાહપૂર્ણ ભાગ લઈને કલેકટર તથા અધિકારીઓએ નેશનલ ગેમ્સના સ્પીરિટને રજૂ કર્યો હતો. આ સમયે મારવાડી યુનિવર્સિટીના રજિસ્ટ્રાર નરેશ જાડેજા, સ્પોર્ટ્સ હેડ રાજેશ પટેલ, ડીન રામદેવસિંહ ઝાલા, સ્પોર્ટ્સ ફેકલ્ટી નિશાંત કોઠારી, ફિઝિકલ ટ્રેનિંગ ઈન્સ્ટ્રક્ટર રઇસખાન પઠાણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
- પ્રેરણાદાયી પહેલ : દિવ્યાંગોના કલ્યાણ અર્થે રાજકોટમાં પ્રથમ વખત યોજાઈ મોબાઈલ કોર્ટ
16 Sep 22 : રાજકોટમાં દિવ્યાંગો માટેના કમિશ્નરશ્રીની કચેરી, ગાંધીનગર દ્વારા રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના દિવ્યાંગોના પ્રશ્નોના નિવારણ અર્થે સૌપ્રથમ વાર કલેકટર કચેરી ખાતે દિવ્યાંગોના કમિશ્નર, ગાંધીનગર વી. જે. રાજપૂતના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા કલેકટરશ્રી અરુણ મહેશ બાબુની ઉપસ્થિતિમાં દિવ્યાંગ મોબાઈલ કોર્ટ યોજાઈ હતી.
દિવ્યાંગ મોબાઈલ કોર્ટમાં આશરે ૬૦થી વધુ દિવ્યાંગો ઉપસ્થિત રહ્યા હતા. તેમના કેસોની સુનાવણી કરવામાં આવી હતી અને મહત્તમ કેસોનો સ્થળ પર ત્વરિત ઉકેલ લાવવામાં આવ્યા હતા. આ કેસોમાં દિવ્યાંગોને થતાં અન્યાય, દીવ્યાંગો સાથે થતો ભેદભાવ, રેલવે સ્માર્ટ કાર્ડ, દિવ્યાંગ પેન્શન, મૂક-બધિર બાળકોના શિક્ષણ અંગેના પ્રશ્નો, બેંક લોન, રહેઠાણ માટે પ્લોટ વગેરે જેવા પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. મોબાઈલ કોર્ટમાં દિવ્યાંગો માટે કાર્યરત સંસ્થાઓએ પણ સમસ્યાઓ રજૂ કરી હતી.
આ ઉપરાંત, દિવ્યાંગ મોબાઈલ કોર્ટની સાથેસાથે દિવ્યાંગજનોની સ્થળ ઉપર તપાસ કરી તથા તેઓને ડીસએબીલીટી સર્ટીફીકેટ પાપ્ત થાય તે માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઓર્થોપેડીક સર્જન, ઈ.એન.ટી. સર્જન, સાઈકીયાટ્રીસ્ટ, બાળરોગ નિષ્ણાંત, ફીઝિશિયન, સાયકોલોજીસ્ટ સહિતના તજજ્ઞોએ દિવ્યાંગનું ચેકઅપ કરી દિવ્યાંગોને દિવ્યાંગતા પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં દિવ્યાંગો અને સેવાકીય સંસ્થાઓ દ્વારા દિવ્યાંગોના કમિશ્નર વી. જે. રાજપૂત તથા જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુનું અભિવાદન કરવામાં આવ્યું હતું. કલેકટરશ્રી અરુણ મહેશ બાબુએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દિવ્યાંગજનો માટે કરવામાં આવતા વિવિધ કાર્યોની રૂપરેખા આપી હતી. તેમજ કમિશ્નર વી.જે. રાજપૂતે જણાવ્યું હતું કે દિવ્યાંગોને ગાંધીનગર સુધી ધક્કા ન ખાવા પડે તે માટે કોર્ટ તેમના આંગણે આવી છે.
આ મોબાઇલ કોર્ટમાં જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, નિવાસી અધિક કલેકટર કે. બી. ઠક્કર, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મિત્સુબેન વ્યાસ, ત્રણેય જિલ્લાના સમાજ સુરક્ષા અધિકારીશ્રીઓ મેહુલગીરી ગોસ્વામી, એ. કે. ભટ્ટ, મિલનભાઇ પંડ્યા તેમજ ગાંધીનગરથી ઉપસ્થિત રહેલા ડેપ્યુટી કમિશ્નર ઓફ કોર્ટએચ. એચ. ઠેબા, લીગલ એડવાઇઝર પ્રકાશ રાવલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
- પુરવઠા ખાતાના અને રેશનિંગની દુકાનો ના પ્રશ્નો મોકલવા અપીલ.બિનજરૂરી સોગંદનામાં, બેફામ ભ્રષ્ટાચાર, મન પડે તે પ્રકારનો વહીવટ સામે લોક સંસદ વિચાર મંચ અવાજ ઉઠાવશે
16 Sep 22 : જાગો ગ્રાહક જાગોના પ્રવીણભાઈ લાખાણી, લોક સંસદ વિચાર મંચના સરલાબેન પાટડીયા, રુકસાના બેન સુમરા ની સંયુક્ત યાદી જણાવે છે કે રાજકોટ શહેરમાં પંડિત દિન દયાળ ઉપાધ્યાયના નામથી જે રેશનીંગની દુકાનો ચાલી રહી છે તેમાં મોટાભાગની દુકાનો બંધ હોય છે અને દુકાન પર સમય લખવામાં આવતો નથી અપૂરતો જથ્થો મળે છે અને રાજકોટની પુરવઠા કચેરી ની ઝોનલ ઓફિસમાં બેફામ ભ્રષ્ટાચાર ચાલે છે મન પડે તે પ્રકારે મનઘડત વહીવટ ચાલી રહ્યો છે. સરકારના જે નિયમો છે તેનો ઉલાળીયો કરીને ફરજીયાત સોગંદનામાનો ભાડા કરાર નો હઠ્ઠાગ્રહ રાખે છે. જે પગલે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ૬૦૦ થી ૭૦૦ રૂપિયાનો ડામ આવે છે.
શાસક પક્ષના આદેશથી સતાધીશોની સુધી દોરવણી હેઠળ કામ કરતી ઝોનલ કચેરીઓ રાજકીય મળતીયાઓ પોતાના કામો કઢાવી લેતા હોય છે. જ્યારે આમ નાગરિકને કલાકો સુધી લાઈનમાં ઊભું રહેવું પડે છે. યોગ્ય માર્ગદર્શન મળતું ન હોવાને પગલે ઝોનલ કચેરીઓમાં આમથી તેમ ભટકવું પડે છે અને કચેરીઓમાં આટા ફેરા કરવા પડે છે. અને સમય બરબાદ થાય છે. અધિકારીઓ કોઈ જવાબ દેતા નથી જે પગલે રાજકોટ શહેરમાં ચાલતી રેશનિંગની દુકાનો અને ઝોનલ કચેરીઓના ભ્રષ્ટાચાર ને લગતી અને લોકોને, અને દુકાનદારોને પણ પડતી મુશ્કેલી બાબતે લોક સંસદ વિચાર મંચ, કોઠારીયા કોલોની – ૪૨૭, ૮૦ ફુટ રોડ, રાજકોટ – ૩૬૦૦૦૨. પર તારીખ ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૨ સુધીમાં લેખિતમાં બે નકલમાં પ્રશ્નો, ફરિયાદો – સૂચનો લખી મોકલી આપવા લાખાણી, પાટડીયા અને સુમરાની યાદીમાં અંતમાં જણાવ્યું છે.