
29 Dec 22 : મૃતકની યાદમાં પુસ્તક અર્પણ કરતા અને પરબ બાંધતા લોકોના અનેક કિસ્સા સામે આવ્યા છે. પરંતું સ્વર્ગસ્થ પતિની યાદમાં જરૂરતમંદ નાગરિકો માટે રાહત દર ની એમ્બ્યુલન્સ સેવા શરૂઆત કરનારા સંગીતાબેન બહુ મોટા ગજાના માનવી છે. તેમની આ સેવા થકી અનેક લોકો રાહતદરે પોતાના ઘરે પહોંચી શકયા છે. રાજકોટના રહેવાસી અને મુંબઈના આલ્ફા ફાઉન્ડેશનના સભ્યશ્રી સંગીતાબેન શાહ દ્વારા શરૂ કરાયેલી આ સેવાનો અત્યાર સુધીમાં હજારો દર્દીઓએ લાભ મેળવ્યો છે.
નેપાળથી રાજકોટ વ્યવસાય માટે આવેલા પરિવારની દીકરી ઝરણા શર્માને શ્વાસ લેવામાં તકલીફ થતા તેને રાજકોટ સિવીલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. સમય જતા તબિયત માં સુધારો ન થતા અંતે ઝરણાએ ફરી નેપાળ જવાની વાત કરી. પરંતુ ઝરણાની હાલત ગંભીર હોવાથી ઝરણાના વાલીઓએ ઝરણા સાથે નેપાળ જવું જરૂરી હતું. પરિવારની નબળી આર્થિક સ્થિતિને લીધે તેઓ નેપાળ જઇ શકે તેમ નહોતા. આ પરિસ્થિતિમાં ઝરણા શર્મા તથા પરિવારને નેપાળ જવા માટે સંગીતાબેને રાહત દરની એમ્બ્યુલન્સ સેવા પુરી પાડીને તમામને નેપાળ પહોંચાડયા હતા.
એમ્બ્યુલન્સ વિશે વધુ માહિતી આપતા સંગીતાબેન જણાવે છે કે, મારા સ્વગર્સ્થ પતિ હરેશભાઈ મનસુખલાલ શાહની યાદમાં જરૂરતમંદ નાગરિકો માટે રાહત દરની એમ્બ્યુલન્સ સેવાની શરૂઆત મેં આશરે દોઢ વર્ષ પહેલા કરી હતી. જેનાથી હજારો દર્દીઓને બહારગામ જવા સહાય મળી રહે છે. રાહતદરે ચાલતી આ એમ્બ્યુલન્સ સેવા મારફત અત્યાર સુધી રાજકોટ, મોરબી, અમદાવાદ વગેરે સહિત છેક નેપાળ સુધી દર્દીઓને સહી સલામત પહોંચાડવામાં આવ્યા છે. માત્ર પૂજા પાઠ અને વિધિથી નહી, પરંતું અનેક વ્યકિતઓને સુરક્ષિત પહોંચાડવાની જવાબદારી નિભાવવી, એ જ મારા માટે સાચી શ્રધ્ધાજલિ છે. રાહતદરે ચાલતી એમ્બ્યુલન્સની સેવા ઉપરાંત, સંગીતાબેન શાહ રાજકોટના જરૂરીયાતમંદ વર્ગને ઉપયોગી થવા બાળકોને ગ્લુકોઝના બાટલા પહોંચાડે છે. અને મુંબઈની ઝુપડપટ્ટીમાં જઈ ભોજન આપવા સહીતનાં લોકકલ્યાણના કાર્યો પણ કરે છે.
વધુમાં વાંચો… રાજકોટ – ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટ અંતર્ગત વધુ બે આવાસ યોજનાઓને IGBC દ્વારા ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ અને મોમેન્ટો એનાયત
તાજેતરમાં જ યોજાયેલ ગ્રીન બિલ્ડીંગ કોંગ્રેસ દ્વારા ૨૦ થી ૨૨ ઓક્ટોબર-૨૦૨૨ દરમિયાન હૈદરાબાદ ખાતે ઇન્ડિયન ગ્રીન બિલ્ડીંગ પ્રોજેક્ટ એવોર્ડ્સનું આયોજન કરવામાં આવેલ. જેમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ ૫ આવાસ યોજનાઓને ઇન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ (IGBC) દ્વારા IGBC મેમેન્ટો આપવામાં આવેલ છે. ઉપરાંત વધુ આવાસ યોજનાને ઇન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ (IGBC) દ્વારા IGBC મેમેન્ટો આપવામાં આવેલ તેમ મેયરશ્રી ડૉ.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનરશ્રી અમિત અરોરા, હાઉસિંગ કમિટી ચેરમેનશ્રી વર્ષાબેન રાણપરા, બાંધકામ સમિતિ ચેરમેનશ્રી કેતનભાઈ પટેલએ જણાવ્યું હતું.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં ૩૨,૩૪૫ આવાસોની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. આવાસ યોજનાઓ ઇન્ટીગ્રેટેડ ઇન્ક્લુંઝીવ પ્રકારની બનાવવામાં આવેલ છે. જેમાં આવાસોની સાથે ૭ આંગણવાડીઓ તેમજ ૫૬૦ દુકાનોનું નિર્માણ પણ કરવામાં આવેલ છે. જેથી નાગરિકોને રોજ-બરોજની જીવન જરૂરિયાતની વસ્તુઓ નજીકના વિસ્તારમાં મળી રહે. છેલ્લા ૫ વર્ષ દરમિયાન દુકાનોના વેચાણથી મહાનગરપાલિકાને આશરે રૂ. ૪૦ કરોડની આવક થયેલ છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવતી આવાસ યોજનાઓમાં ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટને આધારિત આયોજન કરવામાં આવે છે. જેમાં ઉર્જાના સામાન્ય ઉપયોગ માટે સોલાર PV સીસ્ટમ, વરસાદી પાણીના બચાવ માટે રેઇન વોટર હાર્વેસ્ટિંગ, ઘરમાં આરામદાયક વાતાવરણ જળવાય રહે તે માટે બહારની બાજુએ કેવીટી વોલ (પોલાણવાળી દિવાલ) ની સુવિધા, કોમન લાઈટીંગ માટે LED બલ્બનો ઉપયોગ, કન્સ્ટ્રકશન વેસ્ટને બાંધકામના જુદા જુદા પ્રકારમાં પુનઃઉપયોગ વિગેરેની વ્યવસ્થા કરવામાં આવે છે. રેઇન વોટર હાર્વેસ્ટિંગ સીસ્ટમના કારણે મહત્તમ સમય દરમ્યાન વરસાદી પાણીના થયેલ જળ સંચયનો ઉપયોગ થઇ શકે. તેમજ ચણતર માટે AAC બ્લોકસનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત બિલ્ડીંગનું ઓરીએન્ટેશન ઉત્તર-દક્ષિણ દિશા તરફનું રાખવામાં આવેલ છે અને તમામ આવાસોમાં ક્રોસ વેન્ટીલેશન રાખવામાં આવેલ છે. જેથી આવાસમાં હવા ઉજાસ બની રહે.
ઉપરોક્ત વિગતે વધુમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ નીચે મુજબની આવાસ યોજનાઓને ઇન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ (IGBC) દ્વારા IGBC મેમેન્ટો આપવામાં આવેલ છે.
ક્રમ | ટાઉનશીપનું નામ | વિસ્તાર | આવાસોની સંખ્યા | આવાસોનો પ્રકાર |
૧ | શિવ ટાઉનશીપ | સેલેનીયમ હાઈટ્સની સામે, મવડી થી પાળ ગામ રોડ, રાજકોટ, ટી.પી. ૨૭, એફ.પી. ૪૧A | ૮૬૪ | LIG (૨ BHK) |
૨ | મીરાબાઈ ટાઉનશીપ | સેલેનીયમ હાઈટ્સની સામે, મવડી થી પાળ ગામ રોડ, રાજકોટ, ટી.પી. ૨૭, એફ.પી. ૪૮A | ૨૭૨ | MIG (૩ BHK) |
વધુમાં વાંચો… ગોંડલમાં મનોદિવ્યાંગ પરિવારના ઘરે જઈને ત્રણ વ્યક્તિના આધારકાર્ડ કાઢી અપાયાંઃ વૃદ્ધ દંપતીની નિરાધાર વૃદ્ધ પેન્શન સહાય મંજૂર
ગોંડલના નવ મનોદિવ્યાંગ બાળકોના પરિવારની વહારે જિલ્લા કલેક્ટરશ્રી અરૂણ મહેશ બાબુના નેતૃત્વમાં જિલ્લાનું વહીવટી તંત્ર ખડેપગે ઊભું છે અને તેમને તમામ સરકારી સહાય તત્કાલ ઉપલબ્ધ કરાવાઈ છે. તથા અન્ય બાકી દસ્તાવેજો પણ તત્કાલ તૈયાર કરવાની કામગીરી થઈ રહી છે.
મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગોંડલના નવ મનોદિવ્યાંગ બાળકોના પરિવારને તમામ સરકારી સહાય તત્કાલ ઉપલબ્ધ કરાવવા સૂચના આપી હતી. જિલ્લા કલેક્ટરશ્રી અરૂણ મહેશ બાબુએ સ્થિતિની સંવેદનશીલતા પારખીને વહીવટી તંત્રને પ્રો-એક્ટિવ અભિગમ સાથે કામે લગાડ્યું હતું. જેમાં ગોંડલના પ્રાંત અધિકારીશ્રી કે. વી. બાટી, મામલતદારશ્રી એચ.વી.ચાવડા તેમજ સર્કલ અધિકારીશ્રી યશપાલસિંહ ગોહિલ તાત્કાલિક ગોંડલ તાલુકા ખાતે રેલવે લાઇનની બાજુમાં ઝુંપડપટ્ટીમાં રહેતા રત્નાભાઈ ભૂરાભાઈ પરમારના ઘરે પહોંચ્યા હતા. આ પરિવારને મળતી સરકારી સહાયની વિગતો જાણી હતી. જેમાં ત્રણ બાળકોની ફિંગર પ્રિન્ટ આવતી ન હોવાથી તેમના આધારકાર્ડ નીકળી શક્યા નહોતા. આથી ૨૭મી ડિસેમ્બરે તંત્રની ટીમ તેમના ઘરે ગઈ હતી અને દોઢેક કલાકની જહેમત ઉઠાવીને ત્રણ બાળકોના આંગળાની પ્રિન્ટ મેળવીને આધારકાર્ડ કાઢવાની કામગીરી કરી હતી. આ ઉપરાંત રત્નાભાઈ તથા તેમના પત્નીને મળવાપાત્ર નિરાધાર વૃદ્ધ પેન્શન સહાય યોજનાના ફોર્મ પણ સ્થળ પર જ ભરી દેવામાં આવ્યા હતા. જેમાં રત્નાભાઈના પેન્શનનો હુકમ કરી દેવામાં આવ્યો છે, જ્યારે તેમના પત્નીના પેન્શનનો હુકમ પણ મંજૂરી હેઠળ છે. આ ઉપરાંત, આ પરિવારના આઠ વ્યક્તિના ચૂંટણીકાર્ડ કાઢવાની પ્રક્રિયા પણ કરવામાં આવી હતી તેમજ આધારકાર્ઢના અભાવે રેશનકાર્ડમાં બાકી રહી ગયેલા બે બાળકોના નામ ઉમેરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. વહીવટી તંત્રની ત્વરિત અને માનવીય કામગીરી બદલ આ પરિવારે ગુજરાત સરકાર અને જિલ્લા પ્રશાસન પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.