રાહત બચાવની કામગીરી માટે એન.ડી.આર.એફ, તરવૈયા,એરફોર્સ સહિતની ટીમ રવાના

રાજકોટ તા. ૧૩ સપ્ટેમ્બર – રાજકોટ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન પડેલા ભારે વરસાદના કારણે ઉદ્દભવેલી પરિસ્થિતિને પગલે જિલ્લા તેમજ ગ્રામ્ય કક્ષાએ કલેકટરશ્રી અરુણ મહેશ બાબુ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દેવ ચૌધરી તેમજ નગરપાલિકા વિસ્તારમાં પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશનર દેખરેખ રાખી રહ્યા છે.

જિલ્લાના ભાદર, આજી-૩ અને ન્યારી-૨ ડેમ ઓવરફલો થવાની તૈયારી હોવાથી આ વિસ્તારના નાગરિકોને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઘરની બહાર ન નીકળવા સૂચના આપવામાં આવી છે. ભાદર ડેમ ઓવરફ્લો થવાના કારણે વધારાનું પાણી ઉપલેટા શહેરમાં જવાની શક્યતા હોવાથી ઉપલેટા શહેરના નાગરીકોને પણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઘર બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી છે. ભાદર ડેમના ૭ દરવાજા ૭ ફૂટ ખોલવામાં આવ્યા છે. જ્યારે આજી-૩  અને ન્યારી-૨ ડેમના દરવાજાઓ ઓવરફ્લોને કારણે આજે સાંજે ખોલવામાં આવશે.

કાગદડી ગામે એક કાર મોટરમાં ફસાયેલા ૪ વ્યક્તિઓ પૈકી ત્રણ વ્યક્તિઓને બચાવી લેવામાં આવ્યા છે, કોટડાસાંગાણી તાલુકાના હડમતાળા-રાજગઢ  માર્ગ ભારે વરસાદને કારણે ધોવાઇ જવા પામ્યો છે, અને પાડવી ગામનો રસ્તો બંધ થયેલ છે. રાજકોટ-અમદાવાદ હાઇવે પરનું નાળું ધોવાઇ જતાં જીવાપર ગામનો રસ્તો બંધ થયેલ છે. લોધિકા તાલુકાના વાજડી-ચાંદલી રસ્તો બંધ થયેલ છે. લક્ષ્મી ઇંટાળા ગામે એક મકાન પડી ગયેલ છે. ભારે વરસાદને કારણે પડધરી-જામનગર હાઈવે બંધ છે. ગોંડલ તાલુકાના વોરાકોટડા ગામે કોઝવેને કારણે રસ્તો બંધ થયેલ છે.

ગોંડલ શહેરમાં ૨૫૦ નાગરિકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જ્યારે ખીરસરા ગામે ફસાયેલી ગાડીમાં ત્રણ વ્યક્તિઓ હતા જે પૈકી એક વ્યક્તિ બચી ગયેલ છે અને અન્ય બેની શોધખોળ ચાલુ છે. દર કલાકે પ્રાંત અધિકારીઓ અને મામલતદારો કલેકટરશ્રીના સંપર્કમાં રહીને પરિસ્થિતિનો અહેવાલ મોકલી રહ્યા છે.

બપોરે ૩ વાગ્યા સુધીમાં લોધિકામાં ૨, રાજકોટ શહેરમાં ૧ અને ઉપલેટામાં ૧ મળીને કુલ ૪ મૃત્યુ નોંધાયા છે. જ્યારે પડધરી તાલુકાના પ, કોટડા સાંગાણી તાલુકાના ૩ અને ઉપલેટા તાલુકાના ૨ ગામોમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે.

રાહત બચાવની કામગીરી માટે એન.ડી.આર.એફ, તરવૈયા,એરફોર્સ સહિતની ટીમ રવાના

ગોંડલ તાલુકાના કોલીથડ અને વેજલપર ગામે પુરની પરિસ્થિતિને કારણે ફસાયેલા લોકો માટે જામનગરથી એરફોર્સની ટીમ મંગાવવામાં આવી છે. જ્યારે અલંગથી પાંચ બોટ અને ગોંડલથી ૧૫ તરવૈયાઓ ધોરાજી શહેર માટે અને રાજકોટ સીટી માટે રાહત બચાવની કામગીરી માટે મંગાવવામાં આવ્યા છે.  આ ઉપરાંત વડોદરા અને બનાસકાંઠા ખાતેથી એન.ડી.આર.એફ.ની ટીમ રાજકોટ ખાતે ટૂંક સમયમાં પહોંચી રહી છે, તેમજ પંજાબના ભટિંડા ખાતેથી હવાઈ માર્ગે એન.ડી.આર.એફ.ની ટીમ રાજકોટ ટૂંક સમયમાં આવી પહોંચનાર છે.