એશિયા કપ – બાંગ્લાદેશને 7 વિકેટે હરાવીને સુપર 4માં પહોચ્યુ અફઘાનિસ્તાન

31 Aug 22 : એશિયા કપ 2022ની ત્રીજી મેચમાં અફઘાનિસ્તાને બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યુ હતુ. શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલા આ મુકાબલા માં અફઘાનિસ્તાને બાંગ્લાદેશને 7 વિકેટે હરાવીને સુપર 4 માટે ક્વોલિફાય કરી લીધુ છે. બાંગ્લાદેશ તરફથી મોસદ્દેક હુસૈને સૌથી વધુ અણનમ 48 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાન તરફથી મુજીબ ઉર રહમાન અને રાશિદ ખાને 3-3 વિકેટ ઝડપી હતી.

અફઘાનિસ્તાન માટે ઇબ્રાહિમ જદરાને અણનમ 42 અને નજીબુલ્લાહ જાદરાને અણનમ 43 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાને પોતાની પ્રથમ મેચમાં શ્રીલંકાને આઠ વિકેટે હરાવ્યુ હતુ.

અફઘાનિસ્તાને 62 રનના સ્કોર પર પોતાના કેપ્ટન મોહમ્મદ નબીની વિકેટ ગુમાવી દીધી હતી. નબીએ 8 રન બનાવ્યા હતા.

બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 127 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશની ખરાબ શરૂઆત થઇ હતી અને 7 રનમાં પોતાની પ્રથમ વિકેટ નઇમના રૂપમાં ગુમાવી હતી. નઇમને મુજીબે ક્લિન બોલ્ડ કર્યો હતો. તે પછી મુજીબે બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસનને 11 રને એલબી ડબલ્યૂ આઉટ કર્યો હતો. અને તે પછી મુશ્ફિકુર રહીમ 1 રને રાશીદ ખાનની ઓવરમાં એલબી આઉટ થયો હતો. બાંગ્લાદેશ તરફથી મોસદ્દેક હુસૈને સૌથી વધુ અણનમ 48 રન બનાવ્યા હતા જ્યારે મહમદુલ્લાહે 25 રનની ઇનિંગ રમી હતી. અફઘાનિસ્તાન તરફથી મુજીબ ઉર રહમાન અને રાશિદ ખાને 3-3 વિકેટ ઝડપી હતી.

બાંગ્લાદેશના પડકારનો પીછો કરવા ઉતરેલી અફઘાનિસ્તાને 18.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 131 રન બનાવીને પડકારને મેળવી લીધો હતો. અફઘાનિસ્તાન તરફથી નજીબુલ્લાહ જાદરાને આક્રમક રમત રમી હતી. નજીબુલ્લાહે માત્ર 17 બોલમાં 6 સિક્સર અને 1 ફોરની મદદથી અણનમ 43 રન બનાવ્યા હતા જ્યારે ઇબ્રાહિમ જદરાને 41 બોલમાં 4 ફોરની મદદથી 42 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાનની જીતમાં મહત્વની ભૂમિકા ભજવનારા સ્પિનર મુજીબ ઉર રહમાનને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.