
12 Oct 22 : બે દિવસની નિરાશા બાદ બુધવારનો દિવસ ભારતીય શેરબજાર માટે સારો રહ્યો. રોકાણકારોની ખરીદીને કારણે ભારતીય શેરબજાર તેજી સાથે બંધ થયું હતું. જોકે દિવસભર બજારમાં ઉથલપાથલ જોવા મળી હતી. એક સમયે બજાર લાલ નિશાનમાં ટ્રેડ થતું હતું. પરંતુ બપોર બાદ બજારમાં ખરીદારો પરત ફર્યા હતા. અને આજના કારોબારના અંતે મુંબઈ સ્ટોક એક્સ ચેન્જનો સેન્સેક્સ 478 પોઈન્ટના ઉછાળા સાથે 57,625 પોઈન્ટ પર પહોંચ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 17,000 પોઈન્ટની સપાટી વટાવીને 140 પોઈન્ટ ના ઉછાળા સાથે 17,123 પોઈન્ટ પર બંધ થયો હતો.
સેક્ટરની સ્થિતિ : આજના ટ્રેડિંગ સેશનમાં મીડિયા સેક્ટર સિવાય અન્ય તમામ સેક્ટરના શેરમાં ખરીદી જોવા મળી હતી. આઇટી, બેન્કિંગ, ઓટો, ફાર્મા, એનર્જી, મેટલ્સ, રિયલ એસ્ટેટ, એનર્જી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ એફએમસીજી જેવા સેક્ટર ઉછાળા સાથે બંધ થયા છે. સ્મોલ કેપ ઈન્ડેક્સ અને મિડ કેપ ઈન્ડેક્સમાં પણ ખરીદી જોવા મળી હતી. નિફ્ટીના 50 શેરોમાંથી માત્ર 43 શેર જ ઉછાળા સાથે બંધ થયા હતા જ્યારે 7 શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર 25 શેર જ ઉછાળા સાથે અને 5 શેર ઘટાડા સાથે બંધ થયા હતા.
બજારમાં કુલ 3571 શેરનું ટ્રેડિંગ થયું હતું, જેમાં 1681 શેરના ભાવ વધારા સાથે બંધ થયા હતા અને 1760 શેરના ભાવ ઘટ્યા હતા. 130 શેરની કિંમતમાં કોઈ ફેરફાર થયો નહતો. 200 શેરમાં અપર સર્કિટ જોવા મળી હતી, તો 162 શેર લોઅર સર્કિટ સાથે બંધ થયા હતા. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ વધીને 271.67 લાખ કરોડ રૂપિયા થયું છે.
આજે જે શેરોમાં તેજી જોવા મળી હતી, તેને જો આપણે જોઈએ તો તે પાવર ગ્રીડ, એક્સિસ બેન્ક, એનટીપીસી, ઈન્ડસઈન્ડ બેન્ક, લાર્સન, અલ્ટ્રાટેક સિમેન્ટ છે અને એશિયન પેઈન્ટ્સ, ડો. રેડ્ડી, ભારતી એરટેલ, ટાઇટનના શેર ઘટાડાની સાથે બંધ થયા.
જ્યારે આખું વિશ્વ મંદીના જોખમમાં છે, ત્યારે ભારતનું પ્રદર્શન તુલનાત્મક રીતે સારું : ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ
12 Oct 22 : ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના એક ટોચના અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું કે જ્યારે સમગ્ર વિશ્વ આર્થિક વૃદ્ધિની દ્રષ્ટિએ પાછળ છે, ત્યારે ભારત તેનાથી પ્રભાવિત નથી થયું, પરંતુ તે વિશ્વના અન્ય દેશોની તુલનામાં વધુ સારું કરી રહ્યું છે. IMFના એશિયા અને પેસિફિક વિભાગના ડાયરેક્ટર કૃષ્ણા શ્રીનિવાસને કહ્યું કે જો આપણે અત્યારે વૈશ્વિક સ્થિતિ પર નજર કરીએ તો ખબર પડે છે કે, વિશ્વના ઘણા દેશોમાં વૃદ્ધિ ધીમી પડી છે, તેની સાથે ફુગાવો પણ વધ્યો છે.
ન્યૂઝ એજન્સી સાથે વાતચીતમાં શ્રીનિવાસને કહ્યું, “અમે આશા રાખીએ છીએ કે જે દેશો વૈશ્વિક અર્થવ્યવસ્થાનો એક તૃતીયાંશ હિસ્સો ધરાવે છે તેઓ આ વર્ષે કે પછી મંદીમાં સપડાઈ જશે. ફુગાવો ઘણો ઊંચો છે અને તે વ્યાપક છે. શ્રીનિવાસને કહ્યું છે કે, જ્યારે લગભગ દરેક દેશનો વિકાસ દર ધીમો પડી રહ્યો છે, ત્યારે ભારત તુલનાત્મક રીતે સારું કરી રહ્યું છે અને આ ક્ષેત્રના અન્ય દેશોની તુલનામાં પ્રમાણમાં તેજસ્વી સ્થાને છે.
જણાવી દઈએ કે, IMFએ મંગળવારે જાહેર કરેલા તેના વર્લ્ડ ઈકોનોમિક આઉટલુકમાં ચાલુ નાણાકીય વર્ષમાં ભારત માટે વૃદ્ધિનું અનુમાન 8.7 %થી ઘટાડીને 6.8 % કર્યું છે. વર્ષ 2023 માટે વૈશ્વિક વિકાસ દર 6.1 % રહેવાનો અંદાજ છે. 2023માં, વૈશ્વિક અર્થવ્યવસ્થાના ત્રીજા કરતા વધુ ભાગમાં મંદી જોવા મળી શકે છે. આની અસર વિશ્વની ત્રણ સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ – યુનાઇટેડ સ્ટેટ્સ, યુરોપિયન યુનિયન અને ચીન પર પણ પડશે.