સુકેશ ચંદ્રશેખરના પત્ર બાદ ભાજપે કર્યો કટાક્ષ,’એવા કોઈ સગા નથી, કેજરીવાલે જેને ઠગ્યા નથી’

05 Nov 22 : ઠગ સુકેશ ચંદ્રશેખરના લેટર બૉમ્બ બાદ રાજકીય ગરમી વધી ગઈ છે. સુકેશ ચંદ્રશેખરના મામલે ભાજપ અને આમ આદમી પાર્ટી એકબીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવી રહી છે. ત્યારે હવે ભારતીય જનતા પાર્ટી (BJP)એ ફરી એકવાર આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર આ અંગે નિશાન સાધ્યું છે. BJPના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયાએ દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું, ‘એવા કોઈ સગા નથી કે જેને મહાઠગ અરવિંદ કેજરીવાલે ઠગ્યા નથી. દર વખતે અરવિંદ કેજરીવાલ લવ લેટર લખે છે.’ બીજેપી પ્રવક્તાએ કહ્યું, ‘અરવિંદ કેજરીવાલે ઠગ સુકેશ ચંદ્રશેખર પાસેથી 50 કરોડ રૂપિયા લીધા છે, તે વાત હવે સાબિત થઈ ચુકી છે. પૈસાની આ લેવડદેવડ દિલ્હીના કેબિનેટ મંત્રી કૈલાશ ગેહલોતના ફાર્મ હાઉસ પર થઈ હતી.’ બીજેપી નેતાએ કહ્યું કે અરવિંદ કેજરીવાલના ઠગો સાથે ખૂબ જ મજબૂત સંબંધ રહ્યા છે.

સુકેશ ચંદ્રશેખરે કેજરીવાલ પર આરોપ લગાવ્યો : વાસ્તવમાં આ તમામ વિવાદ મહાઠગ સુકેશ ચંદ્રશેખર દ્વારા એક પછી એક પત્રો જારી કરવામાં આવ્યા બાદ શરૂ થયો છે. સુકેશ ચંદ્રશેખરનો વધુ એક પત્ર સામે આવ્યો છે. પોતાના નવા પત્રમાં સુકેશે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર રાજ્યસભાની એક સીટ માટે 50 કરોડ રૂપિયા લેવાનો આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં, સુકેશે કેજરીવાલ પર બિઝનેસમેનોને પોતાની પાર્ટી સાથે જોડીને 500 કરોડ રૂપિયા એકઠા કરવાનો આરોપ પણ લગાવ્યો છે. તેણે આરોપ લગાવ્યો કે તેના બદલામાં આમ આદમી પાર્ટી દ્વારા તેમને કર્ણાટકમાં મોટા પદની ઓફર કરવામાં આવી હતી.

2016ની એક ડિનર પાર્ટીનો ઉલ્લેખ કરતા સુકેશ ચંદ્રશેખરે કહ્યું કે આ પાર્ટીમાં અરવિંદ કેજરીવાલ પણ સામેલ થયા હતા અને સત્યેન્દ્ર જૈન પણ તેમની સાથે હતા. સુકેશે કહ્યું કે આ પૈસા તેણે આસોલામાં કૈલાશ ગેહલોતના ફાર્મ પર કેજરીવાલને આપ્યા હતા. આ સિવાય સુકેશે એમ પણ કહ્યું કે અરવિંદ કેજરીવાલે 2017માં સત્યેન્દ્ર જૈનના કાળા રંગના આઈફોનથી સાથે તિહાર જેલમાં કારાવાસ દરમિયાન તેમની સાથે વાત કરી હતી.

ભાજપ પર AAPનો પલટવાર : અરવિંદ કેજરીવાલ અને સત્યેન્દ્ર જૈન પર ઠગ સુકેશ ચંદ્રશેખર દ્વારા લગાવવામાં આવેલા આરોપોને લઈને આમ આદમી પાર્ટીએ ભાજપ પર વળતો પ્રહાર કર્યો છે. AAP નેતા સૌરભ ભારદ્વાજે પ્રહાર કરતા તેમણે કહ્યું કે ભાજપ હવે સુકેશ ચંદ્રશેખરના સમર્થનથી ચૂંટણી લડી રહી છે. તેમણે ભાજપ પર સુકેશનું બ્રાન્ડિંગ કરવાનો આરોપ લગાવ્યો. આટલું જ નહીં, AAP નેતાએ કહ્યું કે સુકેશ ચંદ્રશેખરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નામે 215 કરોડ રૂપિયાની ઠગાઈ કરી છે, ભાજપ પહેલા જણાવે કે તે રૂપિયા ક્યાં છે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here