15 Sep 22 : ગુજરાતમાં આગામી મહિનામાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે જ ગુજરાત રાજ્યના કર્મચારી ઓ રાજ્ય સરકારથી નારાજ દેખાઈ રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી તેઓની માંગ ન સંતોષવાને કારણે આજે ફરી એક વખત ગાંધીનગર ભૂમિ જાણે આંદોલનની ભૂમિ બની ગઈ હોય તેવા દ્રશ્ય સર્જાયા હતા. ગુજરાત સરકાર સામે અનેકો પડકાર છે ત્યારે સરકારી કર્મચારીઓ પોતાની માંગને લઈને આજે ગાંધીનગર ખાતે ઉગ્ર આંદોલન કર્યું હતું.

ગુજરાતના પાટનગરમાં આજે ભારતીય કિસાન સંઘ અને આરોગ્યકર્મી અને પૂર્વ જવાન ભેગા થયા હતા અને સરકાર સામે બાયો ચડાવી હતી. ગાંધીનગરમાં ભારતીય કિસાન સંઘ દ્વારા ટ્રેકટર રેલી કાઢવામાં આવી હતી તો બીજી તરફ જુના સચિવાલય ખાતે આરોગ્ય કર્મીઓએ હડતાળ પડી હતી અને હલ્લાબોલ મચાવ્યો હતો. આ અગાઉ શિક્ષકોએ ઉગ્ર આંદોલન કર્યું હતું ત્યારે હવે આરોગ્ય કર્મી તેમજ ખેડૂત અને પૂર્વ જવાન દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું. આ આંદોલન દરમિયાન પૂર્વ જવાન અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું.

આ અંગે આરોગ્ય કર્મીઓના પ્રમુખ રણજિતસિંહ મોરીએ કહ્યું હતું કે ગુજરાત સરકાર આરોગ્ય કર્મચારીઓને માત્ર લોલીપોપ જ આપે છે અને હવે સરકાર કોઈ સત્તાવાર પરિપત્ર કે નિર્ણય નહીં કરે તો રાજ્ય સરકારના તમામ આરોગ્ય કર્મચારીઓ આક્રમક બનીને સરકાર સામે મોરચો માંડશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 38 દિવસ કરતા પણ વધારે સમયથી આરોગ્ય કર્મચારીઓને સરકાર જવાબ પણ આપતી નથી.

આ અગાઉ પણ શિક્ષકોએ પણ પોતાની માંગોને લઈને સરકાર સામે આંદોલનની ચીમકી આપી છે અને આ ઉપરાંત ગુજરાત સરકારના એસ.ટી કર્મચારીઓએ પણ સરકાર સામે બાયો ચડાવી છે. ગુજરાતની ચૂંટણી પહેલા સરકારી કર્મચારીઓની જૂની પેંશન યોજનાની માંગ પણ હજુ સુધી પુરી કરવામાં આવી નથી.

શું છે આરોગ્ય કર્મચારીઓની માંગ ?

– ગ્રેડ-પેમાં 2 હજાર 400થી વધારો કરી 4 હજાર 200 કરવો

– કોરોના વોરિયર્સ તરીકેનું માસિક ભથ્થુ આપવું

– 130 દિવસની રજાનો પગાર અને ઝીરો PTA આપવી

– 2001ની આરોગ્ય સમિતી અંતર્ગત ટેક્નિકલ સંવર્ગમાં સમાવેશ કરવો

– આરોગ્ય કર્મચારીઓને 8 કિ.મી નીચેની ફેરણીનું ક્ષેત્રીય ભથ્થું આપવું

– પંચાયત સેવાના આરોગ્ય કર્મચારીઓને ટેક્નિકલ સંવર્ગ ગણવા

– તમામ માંગ સ્વીકાર્યાના GR ઠરાવ અને પરિપત્ર કરો