હાડકાના ટ્યૂમર સામેની લડાઈમાં અમદાવાદ સિવિલ મેડિસિટીની GCRI અગ્રેસર

07 Aug 22 : સારકોમાનું વહેલું નિદાન કરીને હાડકા અને ટિશ્યૂની ટ્યૂમર શોધી કાઢવામાં આવે તો મોટાભાગના કિસ્સાઓમાં ઓછી અને અસરકારક સારવાર દ્વારા દર્દીને રાહત આપીને તેમના અંગો બચાવી શકાય છે. રોટેશન પ્લાસ્ટી, ટર્નપ્લાસ્ટી જેવી જટિલ સર્જરીઓમાં વૈશ્વિક સ્તરની સુવિધાઓ , સારવાર અને તબીબી ટીમની નિપૂણતાના પરિણામે સકારાત્મક પરિણામો મળ્યાં.

તબીબી ક્ષેત્રે જુલાઈ મહિનો;સારકોમા જાગૃતિ મહિના  તરીકે ઊજવવામાં આવે છે.તાજેતરમાં અમદાવાદ સિવિલ મેડિસિટીની GCRI (ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ) ખાતે હાડકાં અને સોફ્ટ ટીશ્યુ ટ્યુમર (સારકોમા)ના દર્દીઓના સન્માન માટેનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં 35થી વધુ દર્દીઓએ ભાગ લીધો હતો અને તેમાંથી ઘણાએ સારકોમા સામે લડવાનો તેમનો અનુભવ અને સંઘર્ષ વર્ણવ્યા હતા.

આ પ્રસંગે GCRIના ઓન્કો-ઓર્થોપેડિક સર્જન ડૉ. અભિજીત સાલુંકેએ જણાવ્યું હતું કે, સારકોમાની સારવારમાં વહેલું નિદાન જરૂરી છે. અજ્ઞાનતા, ડર અને સામાજિક સમસ્યાઓના કારણે ઘણા દર્દીઓ કે જેઓ સ્ટેજ III અથવા IV કેન્સર ધરાવતા હોય છે અને તેમને શસ્ત્રક્રિયા અને વ્યાપક સારવારની જરૂર હોય છે તેમને મોડું નિદાન થતાં યોગ્ય સારવાર મળી શકતી નથી અને તેમના અંગોને પણ બચાવી શકાતા નથી.

જો વહેલું નિદાન કરીને હાડકા અને ટિશ્યુની ટ્યૂમર શોધી કાઢવામાં આવે તો મોટાભાગના કિસ્સાઓમાં ઓછી અને અસરકારક સારવાર દ્વારા દર્દીને રાહત અપાવી શકાય છે તેમજ તેમનાં અંગો બચાવી શકાય છે. અમે હાડકા અને સોફ્ટ ટીશ્યુ ટ્યુમરની જટિલ સર્જરીઓ માટે લિક્વિડ નાઈટ્રોજન/ ક્રાયોસર્જરી, કોમ્પ્યૂટર નેવિગેશન ટેક્નોલોજી તેમજ 3D પ્રિન્ટેડ મોડલ અને ઈમ્પ્લાન્ટનો ઉપયોગ કરી રહ્યા છીએ. આ નવીન પદ્ધતિઓ દ્વારા અમને દર્દીના મૂળ હાડકાને સાચવવામાં મદદ મળે છે. આવી સર્જરીમાં અમે હાડકાના ચોક્કસ ભાગને કાપીએ છીએ, ગાંઠ દૂર કરીએ છીએ, તેને જંતુમુક્ત કરી એ છીએ અને કસ્ટમાઇઝ્ડ 3D પ્રિન્ટેડ મેટલ પ્લેટ સાથે ફરીથી જોડીએ છીએ.

પરંપરાગત સર્જરીની પદ્ધતિઓ વડે આટલા સચોટ પરિણામો મેળવી શકાતા નથી. આ નવીન સર્જરી પદ્ધતિઓ ખભાના સાંધા, ઘૂંટણના સાંધા અને પેલ્વિક વિસ્તાર સાથે સંકળાયેલા જટિલ હાડકાની ગાંઠની સારવાર માટે તબીબી વરદાન છે. એકલા GCRI ખાતે, 3D મોડલ્સની મદદથી અને પોર્ટેબલ નેવિગેશન સિસ્ટમની મદદથી લગભગ 50 જેટલી સર્જરીઓ સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે. GCRI ઓન્કોલોજી વિભાગના ઓર્થોપેડિક ઓન્કો સર્જરી, મેડિકલ ઓન્કોલોજી અને રેડિયેશન ઓન્કોલોજી વિભાગો દ્વારા આધુનિક ટેક્નોલોજી અને ગેજેટ્સનો ઉપયોગ કરીને વિવિધ કેન્સરની સારવાર અને સર્જરીમાં ઉત્તમ પરિણામો મેળવ્યાં છે.

ઓર્થોપેડિક ઓન્કોસર્જન ડૉ. અભિજીત સાલુંકે અને તેમની ટીમે રોટેશનપ્લાસ્ટી સર્જરી દ્વારા એક નાના બાળકના અંગોને બચાવી લેવામાં સફળતા મેળવી હતી. જેના લીધે બાળક ટૂંક સમયમાં તેમના ઘરે અને શાળાએ પાછો જઈ શકશે. રોટેશનપ્લાસ્ટી એ એક એવી સર્જિકલ પ્રક્રિયા છે જેનો ઉપયોગ નીચલા અંગોના હાડકાની ગાંઠોમાટે થાય છે અને તે એક પ્રકારની સંશોધિત અંગવિચ્છેદન શસ્ત્રક્રિયા છે. એ એક સર્જરી છે, જેમાં પગને નિયંત્રિત કરતી ચેતાઓને સાચવી શકાતી નથી.