
08 May 23 : વલસાડના વાપીમાં ભાજપ નેતા પર ફાયરિંગ કરી તેમની હત્યા કરવામાં આવી હોવાની ચકચારી ઘટના બની છે. વાપી તાલુકા ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલ પરિવાર સાથે કારમાં શિવ મંદિરમાં દર્શન કરવા ગયા હતા. દરમિયાન રાતા ગામ નજીક બે બાઇક પર આવેલા અજાણ્યા શખ્સોએ શૈલેષ પટેલ પર અંધાધૂન ફાયરિંગ કર્યું હતું અને ફરાર થઈ ગયા હતા. ફાયરિંગની આ ઘટનામાં શૈલેષ પટેલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. આ મામલે સ્થાનિક પોલીસને જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.
પરિવારે ન્યાયની માગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો : વાપી તાલુકા ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલની હત્યા જૂની અંગત અદાવતમાં કરવામાં આવી હોવાની હાલ આશંકા સેવાઈ રહી છે. જ્યારે બીજી તરફ શૈલેષ પટેલના પરિવારજનોએ જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. મળતી માહિતી મુજબ, ભાજપ નેતા શૈલેષ પટેલ આજે સોમવાર હોવાથી સવારે લગભગ 7 વાગ્યે કારમાં પત્ની સાથે રાતા ગામે આવેલા શિવ મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. દરમિયાન જ્યારે તેમના પત્ની મંદિરમાં દર્શન કરી રહ્યા હતા ત્યારે શૈલેષ પટેલ કારમાં જ બેસીને રાહ જોઈ રહ્યા હતા. બે બાઇક પર 4 શખ્સો આવ્યા અને ફાયરિંગ કર્યું. ત્યારે બે બાઇક પર ચાર અજાણ્યા શખ્સો ત્યાં આવ્યા હતા અને શૈલેષ પટેલ કંઈ સમજે તે પહેલા જ અજાણ્યા શખ્સોએ તેમના પર અંધાધૂન ફાયરિંગ કરવાનું શરૂ કર્યું હતું. ફાયરિંગની આ ઘટનામાં શૈલેષ પટેલને ત્રણ ગોળીઓ વાગી હતી અને તેઓ કારમાં જ ઢળી પડ્યા હતા. જ્યારે ફાયરિંગ કરનારા ચારેય શખ્સ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. અચાનક ફાયરિંગની ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. સ્થાનિકોની મદદથી શૈલેષ પટેલને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
LCB, SOG સહિતની ટીમો કામે લાગી. આ મામલાની જાણ વલસાડ જિલ્લા પોલીસ અને જિલ્લા ભાજપના અગ્રણીઓને થતા ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ મામલે પોલીસે હુમલા ખોરોને પકડવા તજવીજ હાથ ધરી છે. જ્યારે ત્વરિત કાર્યવાહ થાય તે માટે LCB, SOG સહિતની અલગ-અલગ ટીમોને કામે લગાડાઈ છે. હુમલાખોરોને પકડવા માટે ઘટના સ્થળ સહિત નજીકના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવી રહ્યા છે. જ્યારે બીજી તરફ શૈલેષ પટેલના પરિવાર અને સ્થાનિક ભાજપ કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શૈલેષ પટેલના પરિવારે ન્યાયની માગ સાથે જ્યાં સુધી હુમલાખોરો પકડાય નહીં ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાનું જણાવ્યું છે. પ્રાથમિક તપાસમાં શૈલેષ પટેલની હત્યા જૂની અદાવતમાં કરવામાં આવી હોવાની આશંકા છે.
વધુમાં વાંચો… અમદાવાદ – ભૂમાફિયાઓ સામે સરકારની લાલ આંખ, થલતેજમાં 30 વર્ષથી થયેલા ગેરકાયદેસરના દબાણ દૂર કરાયા!
અમદાવાદમાં ગેરકાયદે થયેલા દબાણોની સમસ્યા ગંભીર બની છે. ત્યારે આવા ગેરકાયદેસરના દબાણો દૂર કરી સરકારી જમીન ખુલ્લી કરવા માટે અમાદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશન (AMC) દ્વારા મેગા ડિમૉલેશન ડ્રાઇવ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝૂંબેશ હેઠળ સોમવારે શહેરના સિટી એરિયા સહિત થલતેજ વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા ડિમોલિશનની કામગીરી કરાઈ છે.

મળતી માહિતી મુજબ, સરકારી જમીન પરના ગેરકાયદે દબાણ દૂર કરવા માટે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે સોમવારે અમદાવાદના થલતેજ વિસ્તારમાં ગેરકાયદે દબાણો સામે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી છે. થલતેજ વિસ્તારમાં આવેલી એક સરકારી જમીન પર છેલ્લા 30 વર્ષથી ગેરકાયદે દબાણ કરી બાંધકામ કરાયું હતું, જેને આજે મેગા ડિમૉલેશન ડ્રાઇવ હેઠળ દૂર કરાયું છે. આ બાંધકામ અંદાજે 1500 ચોરસ મીટરનું હતું. ઉપરાંત, થલતેજ પીવીઆર સિનેમા પાસેની સરકારી જમીન પરના ગેરકાયદેસર ના દબાણો પણ દૂર કરાયા છે. ભૂમાફિયાઓ સામે સરકાર દ્વારા કડક કાર્યવાહી. તંત્રની મેગા ડિમૉલેશન ડ્રાઇવ હેઠળ કામગીરી દરમિયાન પ્રાંત અધિકારી, મામલતદાર, કોર્પોરેશનના અધિકારી અને પોલીસ જવાનો હાજર રહ્યા હતા. શહેરના થલતેજ સહિતના વિવિધ વિસ્તારોમાં તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભૂમાફિયાઓ સામે સરકાર દ્વારા કડક પગલા લેવામાં આવી રહ્યા છે. અગાઉ પણ શહેરના કેટલાક વિસ્તારમાં ગેરકાયદેસરના દબાણો દૂર કરી મોટા પ્રમાણમાં સરકારી જમીન ખાલી કરવામાં આવી હતી. ત્યારે હવે ફરી એકવાર તંત્ર દ્વારા ભૂમાફિયાઓ સામે લાલ આંખ કરવામાં આવી છે.
વધુમાં વાંચો… પડધરીનો સિતારો ચમક્યો – જી એમ ગોહિલ ક્રિકેટ એકેડમીમાં કોચિંગ લેનાર રાજેન્દ્રસિંહ ડોડીયાની ડિસ્ટ્રિક્ટ અન્ડર ૧૪ ટિમમાં પસંદગી

પડધરીનો સિતારો ચમક્યો : જી એમ ગોહિલ ક્રિકેટ એકેડમીમાં કોચિંગ લેનાર રાજેન્દ્રસિંહ ડોડીયાની ડિસ્ટ્રિક્ટ અન્ડર ૧૪ ટિમમાં પસંદગી હાલ ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે ત્યારે મતા પિતા અનેક પ્રવૃત્તિ અને સ્પોર્ટ્સમાં બાળક આગળ વધે તે માટે બાળકને કોચિંગ સેન્ટરમાં લઈ જતા હોય છે ત્યારે પડધરીના જી એમ ગોહિલ ક્રિકેટ એકેડમીમાં કોચિંગ મેળવનાર રાજેન્દ્ર સિંહ ડોડીયાની ડિસ્ટ્રિક્ટ અન્ડર ૧૪ ટિમમાં પસંદગી થઈ છે. પડધરીના રાજેન્દ્રસિંહ ડોડીયાની ડિસ્ટ્રિક્ટ અન્ડર ૧૪ ટિમમાં પસંદગી થઈ છે. જી એમ ગોહિલ ક્રિકેટ એકેડમીના કોચ પ્રદીપસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ આ સિદ્ધિ હાંસલ થઈ છે. પડધરીમાં રેલવે ફાટક નજીક કાર્યરત જી એમ ગોહિલ ક્રિકેટ એકેડમીમાં નિષ્ણાંત કોચ પ્રદીપસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ બાળકોને ક્રિકેટની એ ટુ ઝેડ તાલીમ આપવામાં આવી રહી છે. ત્યાંના હાલના સ્ટુડન્ટ રાજેન્દ્રસિંહ અજયસિંહ ડોડીયાની સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સંલગ્ન ડિસ્ટ્રિક્ટ અન્ડર ૧૪ ટુર્નામેન્ટની રાજકોટ રૂરલ ટીમમાં પસંદગી થઈ છે. આ કક્ષાએ આખા પડધરી તાલુકામાંથી એકમાત્ર રાજેન્દ્રસિંહની જ પસંદગી થઈ છે. આમ તેને સમગ્ર પડધરી તાલુકાનું તથા કારડીયા રાજપૂત સમાજનું ગૌરવ વધાર્યું છે.
વધુમાં વાંચો… ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ આવવામાં વિલંબ થતાં નિવૃત્ત મામલતદારની પુત્રીએ બળીને આત્મહત્યા કરી
રાજકોટમાં આત્મહત્યા અને આપઘાતના પ્રયાસોની ઘટના વધી રહી હોય તેમ નિવૃત્ત મામલતદારની પુત્રીએ મધરાત્રીએ અગ્નિ સ્નાન કરી આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. યુવતીએ બી.એ.એમ.એસ.નુ ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ આવવામાં વિલંબ થતાં આત્મઘાતી પગલું ભર્યું હોવાની શંકા સેવાઈ રહી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં ૧૫૦ ફૂટ રીંગ રોડ પર રામાપીર ચોકડી પાસે આવેલી ઋષિવાટીકા સોસાયટીમાં રહેતી હેતલબેન ભુપેન્દ્રભાઈ ભોજાણી નામની ૨૪ વર્ષની યુવતી પોતાના ઘરે હતી. ત્યારે રાત્રિના ત્રણેક વાગ્યાના અરસામાં ઘરની બહાર શેરીમાં ખાટલા ઉપર ઉભા રહી પોતાની જાતે કેરોસીન છાંટી દિવાસળી ચાંપી લીધી હતી. આ અંગે જાણ થતાં પાડોશમાં રહેતા લોકો દોડી આવ્યા હતા અને આગ બુઝાવવા પ્રયાસ કર્યા હતા. પરંતુ ગંભીર રીતે દાઝી ગયેલી યુવતીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ વામાં આવી હતી જ્યાં તેણીની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી નિષ્પ્રાણ જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. આ અંગે યુનિવર્સિટી પોલીસને જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ ખેર સહિતનો સ્ટાફ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતક હેતલબેન ભોજાણીના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ મેડિકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મૃતક હેતલબેન ભોજાણીના પિતા ભુપેન્દ્રભાઈ ભોજાણી નિવૃત્ત મામલતદાર છે. હેતલબેન ભોજાણી એક ભાઈ બે બહેનમાં નાની અને હેતલબેન ભોજાણીએ બી.એ.એમ.એસ.નુ ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ આવવામાં વિલંબ થતાં આત્મઘાતી પગલું ભર્યું હોવાની શંકા સેવાઈ રહી છે. આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે નોંધ કરી યુવતીના આપઘાત પાછળનું કારણ જાણવા તપાસનો દોર લંબાવ્યો છે.
વધુમાં વાંચો… વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં અકસ્માતની વિચિત્ર ઘટના બની હતી.આ અકસ્માતના હૈયું કંપાવે એવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા
વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં અકસ્માતની વિચિત્ર ઘટના બની હતી. આ અકસ્માત એવો હતો કે, સ્થળ પર હાજર ત્રણ મહિલા સહિત અન્ય લોકોને નજર સામે સાક્ષાત યમરાજ દેખાઈ ગયા હતા. આ અકસ્માતના હૈયું કંપાવે એવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આમ તો વડોદરા શહેરમાં રોજબરોજ અકસ્માતની અનેક ઘટના સામે આવતી હોય છે. તેવા માં શહેરના ભાયલી વિસ્તારમાં ગઈકાલે એટલે કે રવિવારના રોજ સર્જાયેલા ભયંકર અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ભાયલી વિસ્તારમાં લલિતા પાર્ટી પ્લોટ પાસે આવેલા સિદ્ધિવિનાયક સોપાન કોમ્પ્લેક્સના ચાર રસ્તા પાસે એક કાર તેમ જ છોટા હાથી ટેમ્પો ધડાકાભેર અથડાયા હતા, જેમાં કારમાં સવાર મહિલાને માથા તેમ જ મોઢાના ભાગે નાની-મોટી ઈજાઓ પહોંચી છે.

સમગ્ર મામલે વાત કરવામાં આવે તો શહેરના ભાયલી વિસ્તારમાં આવેલા લલિતા પાર્ટી પ્લોટ પાસે સિદ્ધિ વિનાયક સોપાન ફ્લેટ આવેલા છે. ઉનાળાનું વેકેશન હોવાથી મોટી સંખ્યામાં બાળકો આ ફ્લેટ નજીક આવેલા ચાર રસ્તા પાસેની ખુલ્લા જગ્યામાં ક્રિકેટ સહિતની રમત રમતા હોય છે. ગઈકાલે પણ અહીંયા મોટી સંખ્યામાં બાળકો રમી રહ્યા હતા તેમ જ ફ્લેટ બહાર દુકાનો પાસે કેટલીક મહિલાઓ ઊભી હતી. દરમિયાન લલિતા પાર્ટી પ્લોટ તરફથી એક છોટા હાથી ટેમ્પો અહીંથી પસાર થઈ રહ્યો હતો. છોટા હાથી ટેમ્પો ફ્લોરેન્સ તેમ જ સિદ્ધિ વિનાયક સોપાન ફ્લેટ નજીકના ચાર રસ્તા પાસે પહોંચતા જ પ્રગતિ વિદ્યાલય તરફથી એક કાર પૂરપાટ ઝડપે આવી હતી અને છોટા હાથી ટેમ્પો સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત બાદ ટેમ્પોચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ટેમ્પો સિદ્ધિ વિનાયક સોપાન ફ્લેટના પાર્કિંગ સુધી ધસી ગયો હતો. ત્યારે ત્યાં ઊભેલી કેટલીક મહિલાઓએ ટેમ્પો પોતાની તરફ આવતો જોઈ સાક્ષાત યમરાજ દેખાયાનો અનુભવ થયો હતો. પરંતુ, ટેમ્પોચાલકે પોતાની સતર્કતાથી તરત જ સ્ટેરિંગ પરનો કાબૂ મેળવી લેતા મહિલાઓનો આબાદ બચાવ થયો હતો. જો કે, ટેમ્પો નજીકમાં આવેલા ઝાડ સાથે ટકરાયો હતો. ભાયલી વિસ્તારમાં સર્જાયેલા આ અકસ્માતમાં ઓવર સ્પીડ જતા કારચાલકના કારણે મોટી દુર્ઘટના સર્જાવાની પૂરી શક્ય તાઓ હતી. પરંતુ છોટા હાથી ટેમ્પોચાલકની સતર્કતાના કારણે મોટી દુર્ઘટના થતાં ટળી હતી. ઉલ્લેખનીય છે કે, અહીં સર્જાયેલા આ અકસ્માતમાં કારમાં સવાર મહિલાને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. તો વળી કારને પણ નુકસાન થયું હતું. ત્યારે અન્યની ચિંતા કર્યા વિના પૂરપાટ ઝડપે વાહન ચલાવતા વાહનચાલકો એ આ ઘટના પરથી સબક લેવાની જરૂર છે.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, લલિતા પાર્ટી પ્લોટથી ભાયલી ગેટ તરફ જવાના માર્ગ તરફના આ ચાર રસ્તા પર અવારનવાર અકસ્માત સર્જાતા રહે છે. પાલિકા દ્વારા અહી સ્પીડ બ્રેકરની પણ વ્યવસ્થા નથી કરવામાં આવી. જો અહીંયાના રસ્તા પર સ્પીડ બ્રેકર બનાવવામાં આવે તો આવનાર સમયમાં અકસ્માતોનું જોખમ ટાળી શકાય. ત્યારે વડોદરા મહાનગર પાલિકા દ્વારા અહીં વહેલી તકે સ્પીડ બ્રેકર બનાવવામાં આવે તેવી સ્થાનિક રહીશોમાં માગ ઊઠી છે.