અંકલેશ્વર યુનિયન બેંક લૂંટ, 5 લૂંટારુંઓના 7 દિવસના રિમાન્ડ મંજુર

07 Aug 22 : અંકલેશ્વરની યુનિયન બેંકમાં ધોળે દહાડે ₹44 લાખની લૂંટમાં ભરૂચ પોલીસે હથિયાર ધારી લૂંટારુઓનો સામનો કરી લૂંટને નિષફળ બનાવી હતી. ઝડપાયેલા 5 લૂંટારુઓને શનિવારે કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડની માંગણી કરતા કોર્ટે આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.
– 6.45 લાખની રિકવરી, અન્ય આરોપીઓ, હથિયારો ક્યાંથી લાવ્યા સહિતની તપાસનો ધમધમાટ
– લૂંટમાં ઝડપાયેલા લૂંટારુઓના 10 દિવસના રિમાન્ડની કરાઈ હતી માંગણી
– પોલીસ ટીમો દ્વારા ચાલતી તપાસ અને રિમાન્ડ દરમિયાન લૂંટ અંગેની વધુ સ્ફોટક વિગતો બહાર આવી શકે
ભરૂચ જિલ્લા પોલીસે અંકલેશ્વરના પીરામણ નાકા નજીક આવેલી યુનિયન બેંકમાં લૂંટમાં ગણતરીના 8 કલાકમાં 5 લૂંટારું, 4 તમંચા, રોકડા 37 લાખ ઉપરાંતની રકમ રિકવર કરી લીધી હતી. શનિવારે લૂંટારુઓને કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ માટે તેમના 10 દિવસના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
અંકલેશ્વર શહેર પી.આઈ. કે.એમ. વાળાએ આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે લૂંટારુઓના 7 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. રિમાન્ડ દરમિયાન પોલીસ લૂંટમાં અન્ય હથિયારો વપરાયા હતા કે નહિ, અન્ય આરોપીઓની સંડોવણી છે કે નહીં. લૂંટારુઓને કોણે શુ મદદગારી અને આશ્રય આપ્યો હતો. હથિયારો કોની પાસેથી મેળવાયા હતા. લૂંટ પાછળ મકસદ અને ત્યારબદની યોજના શુ હતી. તેની તપાસમાં લાગી ગઈ છે.
ઘટનામાં આગામી એક બે દિવસમાં ભરૂચ પોલીસ વધુ સ્ફોટક અને મોટા ખુલાસા કરી શકે તેમ છે. જોકે હાલ તપાસ ચાલી રહી હોય જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલે અત્યારના તબક્કે વધુ વિગતો ટૂંક સમયમાં જ જાહેર કરવાની માહિતી આપી છે.
અક્લેશ્વર ટ્રાવેલર્સ ઉપર ફાયરિંગમાં જિલ્લા પોલીસ વડાએ સ્થળ નિરીક્ષણ કર્યું
– યુવાનની પત્નીએ 3 જેટલા શકમંદો ઉપર આશંકા વ્યક્ત કરતી ફરિયાદ નોંધાવી છે
– શહેર પોલીસ ડોગ સ્કવોર્ડ, FSL અને બેલેસ્ટિક વિભાગની મદદથી હુમલાખોરોની તપાસ ચલાવી રહી છે
– માથામાં ગોળી વાગતા યુવાન સરદાર પટેલ હોસ્પિટલમાં હાલ પણ નાજુક સ્થિતિમાં સારવાર હેઠળ
અંકલેશ્વર શહેરમાં રેલવે ગોદી રોડ નજીક બુધવારે મધરાતે જયુપીટર ઉપર ઘરે જતા ટ્રાવેલર્સ ઉપર અજાણ્યા શખ્સોએ કરેલા ફાયરિંગમાં શનિવારે જિલ્લા પોલીસે સ્થળ વિઝીટ કરી જરૂરી સૂચનાઓ આપી હતી.
અંકલેશ્વરની ભાગ્યોદય સોસાયટીમાં રહેતા અને ટ્રાવેલ્સના વ્યવસાય સાથે જોડાયેલા સદાક્ત અહમદ ઉર્ફે મુસા સઇદ વાડીવાલા ઉપર ગત બુધવારે રાતે ઘર નજીક જ ફાયરિંગ થયું હતું.
ઘટના બાદ આસપાસના લોકો ફાયરિંગના અવાજથી દોડી આવતા હુમલાખોરો ભાગી ગયા હતા. માથામાં કાનના ભાગે ગોળી વાગતા ટ્રાવેલર્સને સરદાર પટેલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમની હાલત હજી નાજુક છે.
ઘટના અંગે અંકલેશ્વર પોલીસે FSL, ડોગ સ્કવોર્ડ અને બેલેસ્ટિક વિભાગની મદદથી હુમલાખોરો સુધી પોહચવા તપાસ હાથ ધરી હતી.
દરમિયાન શનિવારે જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલે સ્થળ મુલાકાત લઈ જરૂરી નિરીક્ષણ કરી જરૂરી સલાહ સુચન તપાસમાં જોતરાયેલી પોલીસ ને આપ્યા હતા. તલ સ્પર્શી તપાસ ચાલી રહી હોય જલ્દી જ હુમલાખોરો પોલીસની પકડમાં હશે તેમ એસ.પી. એ જણાવ્યું હતું.