‘ગ્રેડ પે’ આંદોલનમાં જોડાનાર ASI ને 9 મહિના પછી સસ્પેન્ડ, મોડી રાત્રે કાર્યવાહી થતાં પોલિસ બેડામાં ખડભડાટ

04 Sep 22 : સમગ્ર રાજ્યમાં પોલિસ ‘ગ્રેડ પે’ નો મુદ્દો ખૂબ જ ચર્ચાઓમાં આવ્યો હતો, ગાંધનગર સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન પણ થયા હતા, જોકે કોઇ વાત ઉપર સુધી નથી પહોંચી પણ ઉપરથી નાત નીચે એવી પહોંચી કે,એક ASI ને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઈસરી પોલિસ સ્ટેશનમાં ફરજ બતાવતા જયદીપસિંહ વાઘેલાને જિલ્લા પોલિસવડાએ તેમને ગુજરાત રાજ્ય સેવા વર્તણુક નિયમો 1971 નો હવાલો આપીને ફરજ પ્રત્યે બેદરકારી દાખવીને સસ્પેન્ડ કરી દેતા પોલિસ બેડામાં ખડભડાટ મચી જવા પામ્યો છે.

અરવલ્લી જિલ્લા ઈન્ચાર્જ પોલિસ વડા વિશાલ વાઘેલાએ ફરજ મોકુફી હુકમમાં જણાવ્યું છે કે, જયદીપસિંહ ફરજ દરમિયાન 07-02-2022 ના રોજ પોલિસ પરિવારની મહિલાઓ ગ્રેડ પે બાબતે ધરણા પ્રદર્શન કર્યા હતા, જેમાં એ.એસ.આઈ. જયદીપસિંહ વાઘેલા પણ  હાજર રહ્યા હતા. એટલું જ નહીં મહિલાઓએન એકત્રિત કરવા સારૂ ઢોલ વગાડીને ભેગ કરી તેમને ઉશ્કેરતા હતા. એ.એસ.આઈ.ને મોડી રાત્રે સસ્પેન્ડ હુકમ આપી દેવામાં આવ્યો છે અને સસ્પેન્ડ કરી દેવામાં આવતા પોલિસ બેડમાં ફરીથી ગ્રેડ પે ને લઇને ચર્ચાઓએ જોર પકડ્યું છે. પોલિસ કર્મચારીને સસ્પેન્ડ કરી દેવામાં આવતા હવે આ મામલે રાજકારણમાં પણ મુદ્દો બની શકે તો નવાઈ નહીં.

સરકારે વચગાળાના પેકેજની જાહેરાત કરી
ગુજરાતમાં પોલીસ ગ્રેડ પેને લઈને આમ આદમી પાર્ટીના સુપ્રિમો કેજરીવાલે પગાર વધારાની ગેરંટી આપતાં જ ગુજરાત સરકારે વચગાળાના પોલીસના ઈન્ટરિમ પેકેજ માટે રૂપિયા 550 કરોડના પેકેજની જાહેરાત કરી હતી. સરકારે પેકેજ જાહેર કરતાં એ.એસ.આઇને વાર્ષિક 5,84,094 રૂપિયા પગાર મળશે. પોલીસ કોન્સ્ટેબલને વાર્ષિક 4,16,000 રૂપિયા પગાર મળશે.પોલીસ હેડ કોન્સ્ટેબલને વાર્ષિક 4,95,000 રૂપિયા પગાર મળશે. LRD જવાનો નો વાર્ષિક પગાર 3,47,250 રૂપિયા રહેશે.

આંદોલન કરી રહેલા પોલીસકર્મીઓની મુખ્ય માંગ

  • રાજ્યના કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ તેમજ એએસઆઇનો ગ્રેડ-પે અન્ય રાજ્યોના પ્રમાણમાં ખૂબ જ ઓછા છે, જેના બદલે 2800, 3600 અને 4200 કરવામાં આવે. .
  • વર્ગ 3માં ગણતરી થતાં પોલીસ કર્મચારીઓને વર્ગ 3 મુજબ ગ્રેડ પે અને પે બેન્ડ આપવામાં આવે.
  • પોલીસ કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ, અને જે રજા પગારનું ચુકવણું કરવામાં આવે છે તે છઠ્ઠા પગારપંચ મુજબ આપવામાં આવે છે.
  • પોલીસકર્મચારીઓ માટે ખરીદવામાં આવતાં આર્ટિકલ્સની ગુણવત્તા સુધારવા ઉપરાંત હથિયારી અને બિનહથિયારી એક જ કેડર કરી દેવામાં આવે તેમજ ઓર્ડરલી પ્રથા બંધ કરીને અથવા એની અલગથી વર્ગ 4ની ભરતી કરવામાં આવે

આમ પોલિસ કર્મચારીઓની અલગ અલગ 23 જેટલી માંગ છે, જેને લઇને આંદોલન કરવામાં આવ્યું હતું.