કર્ણાટકમાં તેની 5 ‘ગેરંટી’ પૂરી કરવા નવી કોંગ્રેસ સરકાર પર ભાજપ અને જેડીસનું દબાણ !

કર્ણાટકમાં તેની 5 ‘ગેરંટી’ પૂરી કરવા માટે નવી કોંગ્રેસ સરકાર પર દબાણ કરવા ભાજપ અને જેડીએસએ નાગરિકોને વીજળીના બિલ ન ચૂકવવા અને મહિલાઓને બસ ટિકિટ ન ખરીદવા વિનંતી કરી છે. સાથે જ આ માટે અલગ-અલગ અભિયાન પણ ચલાવશે.
શનિવારથી, ભાજપ તેની ઝુંબેશ શરૂ કરશે, જ્યારે જેડી(એસ) એ દરેક તાલુકામાં કાર્યાલયો ખોલવાનું નક્કી કર્યું છે, જેથી વીજળીના બિલ ભરવાનો ઇનકાર કરતા નાગરિકોનું “રક્ષણ” થઈ શકે. કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલી 5 ‘ગેરંટી’માં તમામ ઘરોમાં 200 યુનિટ મફત વીજળી અને તમામ મહિલાઓને મફત બસ મુસાફરીનો સમાવેશ થાય છે. કોંગ્રેસે તમામ મહિલા વડાઓને દર મહિને રૂ. 2 હજાર, BPL સભ્યને દર મહિને 10 કિલો મફત ચોખા અને સ્નાતક અને ડિપ્લોમા ધારકોને માસિક બેરોજગારી ભથ્થું આપવાનું પણ વચન આપ્યું છે.
પાંચેય ‘ગેરંટી’ માટે વાર્ષિક ઓછામાં ઓછા રૂ. 50 હજાર કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે અને પક્ષને સત્તામાં આવવામાં મદદ કરનાર વચનો પૂરા કરવા માટે સિદ્ધારમૈયા સરકાર પર દબાણ વધી રહ્યું છે. ભાજપના નેતા આર. અશોકે કહ્યું, “કેટલીક વિડિયો ક્લિપ છે, જેમાં સિદ્ધારમૈયાને એમ કહેતા સાંભળી શકાય છે કે તેઓ વીજળીનું બિલ નહીં ચૂકવે અને મતદારો ને પણ ન ચૂકવવા માટે પ્રોત્સાહિત કરે છે. પરંતુ હવે, મુખ્ય પ્રધાન બન્યા પછી, સિદ્ધારમૈયા એક અલગ જ સૂર ગાય છે.” અશોકે નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર મહિલા ઓને ખાતરી આપી રહ્યા છે કે તેમને બસની ટિકિટ ખરીદવાની જરૂર નથી. શિવકુમારને એમ કહેતા સાંભળી શકાય છે કે જો કોઈ પુત્રી તેની માતાના ઘરે જવા માંગે છે, અથવા સાસુ તેની વહુને લઈ આવવા માંગે છે, તો તેઓ ટિકિટ ખરીદ્યા વિના મુસાફરી કરી શકે છે. ભાજપના પ્રચારના ભાગ રૂપે, અશોકે કહ્યું કે, તેઓ વીજળીના બિલ ભરવાનું બંધ કરશે. અમે ખાસ કરીને મહિલાઓ માટે એક ઝુંબેશ પણ શરૂ કરીશું, જેથી તેમને બસની ટિકિટ ખરીદવી ન પડે.
દરમિયાન કુમારસ્વામીએ કહ્યું કે, કોંગ્રેસ લોકોને મૂર્ખ બનાવી શકે નહીં. તેઓએ પહેલા બધા માટે મફત સેવાઓનું વચન આપ્યું હતું અને હવે તેઓ માર્ગદર્શિકા ઘડવાની વાત કરી રહ્યા છે. હું આ રાજ્યના લોકોને પક્ષને જવાબદાર રાખવા વિનંતી કરું છું. હું લોકોને 200 યુનિટ વીજળી માટે વીજળીનું બિલની ચૂકવણી ન કરવા વિનંતી કરું છું. હું મહિલાઓને વિનંતી કરું છું કે બસોમાં ટિકિટ માટે ચૂકવણી ન કરો, પછી તે લક્ઝરી બસો હોય કે સામાન્ય બસ. તેમણે કહ્યું કે, JD(S) કોંગ્રેસને જવાબદાર ઠેરવવાનું તેનું મિશન બનાવશે.
વરિષ્ઠ મંત્રી રામલિંગા રેડ્ડીએ વળતો પ્રહાર કરતા કહ્યું કે, ભાજપ ચૂંટણીમાં કોંગ્રેસની જીતથી માત્ર “ઈર્ષ્યા” કરે છે. જો તેને ગરીબોના કલ્યાણની આટલી જ ચિંતા હતી તો તેણે રાશન હેઠળ મફત ચોખાનું પ્રમાણ કેમ ઘટાડ્યું? રેડ્ડીએ જણાવ્યું હતું કે, કાર્યક્રમોના અમલીકરણ માટે મોડલ તૈયાર કરવાની જરૂર છે. લાભાર્થીઓના ખાતા નંબરો સાથે રાખવાની જરૂર છે. ઉદાહરણ તરીકે, બસ પાસ જેવી કોઈ વસ્તુ માટે ID કાર્ડની જરૂર હોય છે.

વધુમાં વાંચો… નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનમાં હાજરી આપવા સંત ધર્મપુરમ અધિનમ દિલ્હી પહોંચ્યા, પીએમને આપશે આ ખાસ ભેટ!
નવા સંસદભવનના ઉદ્ઘાટન સમારોહને લઈને સતત હોબાળો થઈ રહ્યો છે. જ્યાં કેટલાક વિરોધ પક્ષોએ સમારોહનો બહિષ્કાર કર્યો છે તો કેટલાક આ સમારોહમાં જોડાવા માટે સંમત થયા છે. દરમિયાન, થિરુવદુથુરાઈ આદિનમ 28 મેના રોજ નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવા માટે ચેન્નાઈ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થયા હતા. તેઓ શનિવારે બપોરે દિલ્હી પહોંચી ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ઉદ્ઘાટન સમારોહમાં ધર્મપુરમ આદિનમના સંતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખાસ ભેટ આપશે. આ ઉદ્ઘાટનના સાક્ષી બનવા માટે અદિનમ દિલ્હી પહોંચી ગયા છે. વાસ્તવમાં, ધર્મપુરમ આદિનમના સંતો ઉદ્ઘાટન સમારોહ દરમિયાન પીએમ મોદીને પવિત્ર રાજદંડ સેંગોલ સોંપશે.
તમને જણાવી દઈએ કે, સેંગોલનો અર્થ ‘શ્રીમંત અને ઐતિહાસિક’ છે. તે તમિલનાડુના એક અગ્રણી ધાર્મિક મઠના મુખ્ય આદિનમ અથવા પાદરીઓ દ્વારા આશીર્વાદિત હોય છે. ભારતના લોકશાહી ઈતિહાસમાં સેંગોલનું ઘણું મહત્ત્વ છે. સેંગોલ એ બ્રિટિશ સરકાર પાસેથી ભારતીયોના હાથમાં લીધેલી સત્તાની શક્તિ દર્શાવે છે. ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ જ્યારે વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો ત્યારે તેમને તેને સોંપવામાં આવ્યો હતો.

વધુમાં વાંચો.. અમદાવાદ – 50 લાખની આંગડિયાની ચોરીના ગુનેગારો પકડાયા, પોલીસથી બચવા 3વાર કપડા બદલ્યા હતા
અમદાવાદમાં મે મહિનામાં 50 લાખની આંગડીયાની ચોરી થઈ હતી. આ ચોરીનો ભેદ 2 આરોપીઓની ધરપકડ સાથે ઉકેલાયો છે. 13 મેના રોજ ચોરી કરીને આરોપીઓ ફરાર થયા હતા. ત્યારે ક્રાઈમ બ્રાન્ચે આ નાસી છૂટેલા આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ચોરોએ ચોરીથી બચવા માટે 3 વાર પોલીસથી નજર હટાવવા કપડા બદલ્યા હતા તે છતાં ક્રાઈમબ્રાન્ચે ચોરોને ઝડપી પાડ્યા હતા. અમદાવાદમાં નવરંગપુરામાં આ ઘટનાને અંજામ આપીને નાસી છૂટેલા વિશાલ અને પ્રતીક નામના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
નરોડા વિસ્તારમાં પોતાનો રુપિયાનો ભાગ અલગ કરીને નાસી છૂટ્યા હતા. આરોપીઓએ લગભગ 150 કિલો મીટર ફર્યા હતા અને અવનવા પેંતરા બચવા માટે અજમાવ્યા હતા છતાં આરોપીઓ બચી શક્યા નહોતા. છેવટે ક્રાઈમ બ્રાન્ચે મોડસ ઓપરેન્ડેન્ટી અને સર્વેલન્સના આધારે 35 લાખની રોકડ સાથે બન્નેને ઝડપી પાડ્યા હતા. અન્ય આ ચોરીમાં સંડોવાયેલા આરોપીઓની લઈને પણ પૂછપરછ કરવામાં આવશે. આમ થોડા દિવસ પહેલા એટલે કે, 13 માર્ચના રોજ વિશાલે તેના અન્ય સાગરીતો સાથે મળીને આ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ચોરીની ઘટના બની હતી ત્યારે આ ઘટનાને અંજામ અપાયા બાદ આરોપીઓ ક્યાંય છટકી શક્યા નહોતા અને ક્રાઈમ બ્રાન્ચે વોચ રાખીને તેમને ઝડપી પાડ્યા હતા.

વધુમાં વાંચો… જંતર-મંતર પર વિરોધ કરી રહેલા કુસ્તીબાજોના સમર્થનમાં બાબા રામદેવ
બાબા રામદેવે દિલ્હીના જંતર-મંતર પર કુસ્તીબાજો દ્વારા ચાલી રહેલી હડતાળને સમર્થન આપ્યું છે. યોગગુરુ બાબા રામદેવે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માગ કરી છે. રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ પદેથી બ્રિજભૂષણ શરણ સિંહને હટાવવાની અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી ની માગ સાથે કુસ્તી ખેલાડીઓ દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ મામલે ફેડરેશનના અધ્યક્ષ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહે આરોપ લગાવ્યો હતો કે, તેમની સામેનો વિરોધ યોગ ગુરુ બાબા રામદેવ દ્વારા રચવામાં આવી રહેલા ષડયંત્રનો ભાગ છે. તેમના નિવેદનના ઘણા દિવસો બાદ યોગ ગુરુ બાબા રામદેવના આ નિવેદને ફરી એકવાર મુદ્દો ઉઠાવ્યો છે.
બીજી તરફ યોગ ગુરુ બાબા રામદેવે કહ્યું કે, સંસદના નવા ભવનનાં ઉદ્ઘાટન પ્રસંગે કોઈપણ પ્રકારનું પ્રદર્શન, ઘેરાવ કે કાર્યક્રમનો બહિષ્કાર એ દેશની લોકશાહીની ગરિમાની વિરુદ્ધ છે અને આ પ્રકારનું વર્તન કોઈપણ ભારતીય માટે યોગ્ય નથી. બાબા રામદેવે જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહેલા કુસ્તીબાજોને અપીલ કરી કે તેઓ આવું કૃત્ય બિલકુલ ન કરે, કારણ કે સમગ્ર વિશ્વની નજર દેશના નવા સંસદ ભવનના ઉદ્ઘાટન પર ટકેલી છે. તેમના આવા વર્તનથી ખોટો સંદેશ જશે. તેમણે કહ્યું કે,ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે અને આપણી સંસદ લોકશાહીનું પ્રતીક છે, તે લોકશાહીનું ગૌરવ પણ છે. નવા સંસદભવનના ઉદ્ઘાટન પ્રસંગે આપણે ઘેરાવ જેવું કૃત્ય ન કરવું જોઈએ. તેનાથી દેશના ગૌરવ, દેશની ગરિમાને ઠેસ પહોંચશે અને દુનિયાને ખોટો સંદેશ જશે. યોગ ગુરુ બાબા રામદેવે ખેલાડીઓને તેમના નિર્ણય પર પુનર્વિચાર કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, દેશનું બંધારણ આપણને આપણી માગણીઓ માટે આંદોલન કરવાની છૂટ આપે છે, પરંતુ આપણે એ પણ જોવું જોઈએ કે આપણે એવું વર્તન ન કરીએ કે વિશ્વની સામે દેશની ગરિમાને ઠેસ પહોંચે.

વધુમાં વાંચો… કર્ણાટક કેબિનેટનું આજે થશે વિસ્તરણ! 24 ધારાસભ્યો લેશે મંત્રી પદના શપથ, જાણો સંપૂર્ણ વિગતો
કર્ણાટક રાજ્યમાં સત્તા સંભાળ્યાના એક અઠવાડિયા પછી, મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની આગેવાની હેઠળની કોંગ્રેસ સરકાર 24 ધારાસભ્યોને સામેલ કરીને કેબિનેટનું વિસ્તરણ કરશે, જેઓ શનિવારે મંત્રી તરીકે શપથ લેશે. કર્ણાટક સરકારમાં 34 મંત્રીઓ હોઈ શકે છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર સહિત તેમાંથી દસે 20 મેના રોજ શપથ લીધા હતા.
મુખ્યમંત્રી કાર્યાલયના જણાવ્યા અનુસાર, શપથ ગ્રહણ સમારંભના સાક્ષી બનવા માટે ઉમટી પડેલી વિશાળ ભીડને ધ્યાનમાં રાખીને રાજભવન અને તેની આસપાસ સુરક્ષા વધારી દેવા માં આવી છે. વિધાનસભ્યો એચકે પાટીલ, કૃષ્ણા બાયરેગૌડા, એન ચેલુવરાયસ્વામી, કે વેંકટેશ, એચસી મહાદેવપ્પા, કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઈશ્વર ખંડ્રે અને પૂર્વ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ દિનેશ ગુંડુ રાવ શનિવારે બપોરે શપથ લેશે.
આ યાદીમાં ક્યાથાસન્દ્રા એન રાજન્ના, શરણબસપ્પા દર્શનાપુર, શિવાનંદ પાટીલ, રામપ્પા બલપ્પા તિમ્માપુર, એસએસ મલ્લિકાર્જુન, શિવરાજ સંગપ્પા તંગદગી, શરણપ્રકાશ રુદ્રપ્પા પાટીલ, મંકુલ વૈદ્ય, લક્ષ્મી હેબ્બલકર, રહીમ ખાન, ડી સુધાકર, સંતોષ લાડ, એન.એસ. બોસેરાજૂ, સરેશા બી. એસ., મધુ બંગરપ્પા, એમસી સુધાકર અને બી નાગેન્દ્ર સામેલ છે. કોંગ્રેસ ના સૂત્રોના જણાવ્યા અનુસાર, લક્ષ્મી હેબ્બલકર, મધુ બંગરપ્પા, ડી સુધાકર, ચેલુવરાય સ્વામી, મંકુલ વૈદ્ય અને એમસી સુધાકર શિવકુમારની નજીક છે. કોંગ્રેસની યાદીમાં છ લિંગાયતો અને ચાર વોક્કાલિગા છે.
ત્રણ ધારાસભ્યો અનુસૂચિત જાતિમાંથી, બે અનુસૂચિત જનજાતિમાંથી અને પાંચ અન્ય પછાત સમુદાયના છે. દિનેશ ગુંડુ રાવના રૂપમાં કેબિનેટમાં બ્રાહ્મણોને પણ પ્રતિનિધિત્વ મળ્યું છે. જૂના મૈસુર અને કલ્યાણા કર્ણાટક પ્રદેશમાંથી સાત-સાત, કિત્તુર કર્ણાટક પ્રદેશમાંથી છ અને મધ્ય કર્ણાટકમાંથી બે મંત્રીઓ છે. શુક્રવારે રાત્રે એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ વરિષ્ઠ અને જુનિયર ધારાસભ્યોને યોગ્ય સન્માન આપતા જાતિ અને પ્રદેશ મુજબનું પ્રતિનિધિત્વ આપીને સંતુલન જાળવ્યું છે.
કેબિનેટમાં આઠ લિંગાયતો હશે તેવું પણ જણાવ્યું હતું. આમાં, સમુદાયના વિવિધ પેટા સંપ્રદાયોને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. શિવકુમાર સહિત પાંચ વોક્કાલિગા હશે, એમ નિવેદનમાં જણાવાયું છે. કેબિનેટમાં અનુસૂચિત જાતિના નવ મંત્રીઓ હશે. વિભાગોની ફાળવણી હજુ સુધી કરવામાં આવી નથી. રાજ્યમંત્રી કે.એચ. મુનિયપ્પાએ કહ્યું કે સાંજ સુધીમાં વિભાગોની જાહેરાત કરવામાં આવશે. સિદ્ધારમૈયા અને શિવકુમાર બંને છેલ્લા ત્રણ દિવસથી દિલ્હીમાં હતા અને પાર્ટી નેતૃત્વ સાથે ઘણી ચર્ચાઓ કરી હતી. સિદ્ધારમૈયા, શિવકુમાર અને AICC મહાસચિવ KC વેણુગોપાલ અને રણદીપ સુરજેવાલા સહિતના ટોચના કેન્દ્રીય નેતાઓ વચ્ચે કલાકોની તીવ્ર ચર્ચા બાદ 24 ધારાસભ્યોના નામ નક્કી કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ યાદીને અંતિમ સ્વરૂપ આપ્યું છે. આ પહેલા કર્ણાટકના બંને નેતાઓ રાજ્યમાં સરકાર બન્યા બાદ પ્રથમ વખત સોનિયા ગાંધીને પણ મળ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે સંભવિત મંત્રીઓના નામ પર સિદ્ધારમૈયા અને શિવકુમાર વચ્ચે મતભેદો સર્જાયા હતા, પરંતુ તેઓ ચર્ચા દરમિયાન ઉકેલાઈ ગયા હતા. દરમિયાન, નવા મંત્રીઓના શપથ ગ્રહણ સમારોહ માટે તમામ નેતાઓ દિલ્હીથી બેંગલુરુ જવા રવાના થયા હતા. હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન સુખવિંદર સિંહ સુખુ અને તેમના ઝારખંડના સમકક્ષ હેમંત સોરેન પણ શનિવારના કાર્યક્રમમાં શિવકુમાર અને સુરજેવાલાની સાથે હતા.

વધુમાં વાંચો… વિશ્વાસુ કારીગર હોવા છતાં માલિકનું ૨૭ કિલો ચાંદી લઈ નાસી ગયો
રાજકોટમાં સોની વેપારીઓનું સોનું અને ચાંદી તેના જ કારીગરો લઈને પલાયન થઈ જતાં હોવાના બનાવી હવે તો રોજિંદા બનવા પામ્યા છે ત્યારે વધુ એક ફરિયાદ સામે આવેલી છે. જેમાં કુવાડવા રોડ પર રહેતા અને અને ઘર પાસે જ ચાંદીના ઘરેણા વેચવાનું કામ કરતા વેપારીને ત્યાં નોકરી કરતો કારીગર તેનું ૨૭ કિલો ચાંદી જેની કીમત રૂ.૧૯ લાખનું લઈને પલાયન થઈ જતાં તેને બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
બનાવની વિગતો મુજબ શહેરમા કુવાડવા રોડ પરના અલ્કા પાર્ક શેરી નં-૧ માં રહેતા અને ઘર પાસેજ અક્ષર નામની પેઢીમાં ચાંદીના ઘરેણા વેચવાનું કામ કરતા મુરલીધર હરકિશનભાઈ સોનીએ બી-ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપમાં ભાવેશ લાધાભાઈ ગઢીયા (રહે.શાનદાર રેસીડેન્સી,કોઠારીયાર રોડ)નું નામ આપ્યું હતું જેમાં ફરિયાદમાં મુરલીધર ભાઈએ જણાવ્યું છે કે છેલ્લા સાતેક માસથી આરોપીને ઘરેણા બનાવવા માટે ચાંદી આપતા હતા. છેલ્લા સાત માસ દરમ્યાન ૩૦ થી ૪૦ વખત આરોપી ચાંદી લઈ ગયો હતો અને તેના ઘરેણા બનાવી આપી વિશ્વાસ સંપાદન કરી લીધો હતો. કટકે કટકે આરોપીને ચાંદી આપી હતી. જેમાંથી આરોપીએ અંદાજે ૨૭ લાખની ચાંદીના દાગીના આપ્યા ન હતા. ગઈ તા.૧૪ એપ્રિલના રોજ ઉઘરાણી કરતા સાંજે માલ આપી દેવાનું કહ્યું હતું. સાંજે પણ માલ પરત આપ્યો ન હતો. ત્યારબાદ આરોપીએ અચાનક પોતાનો મોબાઈલ સ્વીચ ઓફ કરી નાખતા શંકા ગઈ હતી. બીજા દિવસે ઘરે તપાસ કરતા આરોપી મળ્યો ન હતો. તેની પત્ની ભાનુબેને કહ્યું કે તેનો પતિ ગઈકાલથી કયા જતો રહ્યો છે આ રીતે છેતરાઈ ગયાનો અહેસાસ થતા આરોપી વિરૂધ્ધ અરજી કરી હતી. જેના આધારે આજે પોલીસે વિશ્વાસઘાત અને છેતરપીંડીની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

વધુમાં વાંચો… ‘અચ્છે દિન’, ‘ઘર ઘર મોદી’, ‘અબ કી બાર મોદી સરકાર’…જ્યારે નારાઓએ ચૂંટણીનું પરિણામ બદલી નાખ્યું!
ભારતીય જનતા પાર્ટી (BJP)એ 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત નોંધાવી હતી. ભાજપની આ જીતમાં ચૂંટણી નારાઓએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. વર્ષ 2014માં, ભાજપ લગભગ 10 વર્ષના લાંબા અંતરાલ પછી સત્તામાં પાછો ફર્યો અને તે પછી તેણે 2019 લોકસભા ચૂંટણીમાં ફરીથી સત્તા મેળવી. આજે અમે તમને એવા સૂત્રો વિશે જણાવી રહ્યા છીએ, જેના આધારે ભાજપે એકલા હાથે ચૂંટણીનો માહોલ બદલી નાખ્યો.
હકીકતમાં, 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપના નેતૃત્વમાં NDAએ 336 બેઠકો મેળવીને કેન્દ્રમાં સત્તા કબજે કરી હતી. ભાજપે એકલા હાથે 282 બેઠકો જીતી હતી. આ પહેલીવાર હતું જ્યારે બિન-કોંગ્રેસી પક્ષને બહુમતી મળી હોય. બીજી તરફ કોંગ્રેસને માત્ર 44 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. ભાજપની આ ઐતિહાસિક જીતમાં નરેન્દ્ર મોદીએ જે ભૂમિકા ભજવી હતી તે ચૂંટણીના નારા કરતા પણ વધુ મહત્ત્વની હતી.
‘અબ કી બાર મોદી સરકાર’ના નારાએ ચૂંટણીને બદલી નાખી
2014ની લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન, ભાજપે કોંગ્રેસને સત્તા પરથી હટાવવા માટે ચૂંટણી સૂત્રોનો આશરો લીધો હતો. લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપે આવા અનેક સૂત્રો આપ્યા, જે આવતાની સાથે જ લોકોની જીભ પર ચઢી ગયા. ભાજપે ‘અબ કી બાર મોદી સરકાર’નો નારો આપ્યો હતો. કોંગ્રેસની નિષ્ફળતા ગણવા માટે ભાજપે ‘અબ કી બાર મોદી સરકાર’ના નારાનો ઉગ્ર ઉપયોગ કર્યો હતો. આ સૂત્ર બાળકોથી લઈને વડીલોની જીભ પર હતો. તેવી જ રીતે, અન્ય ઘણા સૂત્રો પણ આપવામાં આવ્યા હતા, જેણે ભાજપને ચૂંટણી જીત વામાં મદદ કરી હતી.
આ સૂત્રોએ ભાજપની નાવને પાર કરી
‘બહોત હુઆ કિસાનો પર અત્યાચાર, અબ કી બાર મોદી સરકાર’
‘કોંગ્રેસ મુક્ત ભારત’
‘અચ્છે દિન આને વાલે હૈ’
‘હર-હર મોદી, ઘર-ઘર મોદી’
‘સબકા સાથ સબકા વિકાસ’
જોકે, ભાજપના સૂત્રોના જવાબમાં કોંગ્રેસે પણ કેટલાક સૂત્રો આપ્યા હતા, જેમાં ‘હર હાથ શક્તિ, હર હાથ તરક્કી’, ‘કટ્ટર સોચ નહીં, યુવા જોશ’ જેવા સૂત્રો કોંગ્રેસને જીતાડી શક્યા નથી. વર્ષ 2014ની જેમ 2019ની લોકસભા ચૂંટણીમાં પણ ભાજપે રેકોર્ડ જીત નોંધાવી હતી. આ જીતમાં સૌથી મોટી ભૂમિકા ‘અબ કી બાર ફિર મોદી સરકાર’ના નારાએ ભજવી હતી. મિશન 2019 માટે બીજેપીએ ‘ફિર એક બાર મોદી સરકાર’નો નારો આપ્યો હતો. ભાજપે સૂત્રોચ્ચારમાં કહ્યું હતું કે, આજે સૌ સાથે મળીને સંકલ્પ લઈએ, આ વખતે તો મોદી સરકાર. આ ઉપરાંત ‘મોદી હૈ તો મુમકીન હૈ’ના નારા આપવામાં આવ્યા હતા.તમને જણાવી દઈએ કે, 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 303 સીટો જીતી હતી અને નરેન્દ્ર મોદી બીજી વખત દેશના વડાપ્રધાન બન્યા હતા. જો કે આ ચૂંટણી દરમિયાન વિપક્ષે ભાજપને રોકવા માટે પોતાના સ્તરેથી શ્રેષ્ઠ પ્રયાસો કર્યા હતા, પરંતુ મોદી લહેરમાં વિપક્ષનો સફાયો થઈ ગયો હતો. વિપક્ષના ‘મોદી હટાઓ, દેશ બચાવો’ ઔર ‘અબ હોગા ન્યાય’ના નારા પણ ખાસ ચમત્કાર બતાવી શક્યા નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here