C R પાટીલ જુલાઈ મહિનામાં પ્રદેશ અધ્યક્ષ તરીકેના 3 વર્ષ પૂર્ણ કરશે, આ જવાબદારી સોંપી શકે છે હાઈકમાન્ડ

C R પાટીલ આવાત મહિને જુલાઈ માસમાં પ્રદેશ અધ્યક્ષ તરીકેના ત્રણ વર્ષ પૂર્ણ કરશે. ભાજપને ગુજરાતમાં જીતાડનાર સીઆર પાટીલ રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના પ્રભારી બનાવ વામાં આવે તેવી પણ ચર્ચા છે. અગાઉ નડ્ડાની જવાબદારી સોંપવામાં આવે તેવી શક્યતા હતી પરંતુ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જેપી નડ્ડાનું પદ બરકરાર રહ્યું છે. ત્યારે આગામી સમયમાં લોકસભાની તૈયારીમાં સીઆર પાટીલ અત્યારે વ્યસ્ત છે ત્યારે આગામી સમયમાં આ પ્રદેશ પ્રમુખથી અલગ તેમના કામને જોતા પડોશી રાજ્ય રાજસ્થાનના પ્રભારી બની શકે છે. C R પાટીલનું કદ અત્યારે પહેલા કરતા વધી ગયું છે. ગુજરાત ચૂંટણીમાં જંગી જીત બાદ સીઆર પાટીલને જીતનો શ્રેય ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યો હતો. પાટીલે ગુજરાતમાં પેજ સમિતિનું ગઠન કરીને સંગઠનને એક નવી તાકાત આપી છે. પાટીલ આ દિવસોમાં લોકસભાની ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. વિધાનસભાની ચૂંટણી બાદ તેમણે 1 ડઝન જિલ્લા પ્રમુખો બદલ્યા છે અને તાજેતરમાં તેમણે પ્રદેશ કારોબારીની બેઠક પણ યોજી હતી. પાટીલ પોતાની રણનિતીથી આગળ વધવામાં માહીર છે.
ગુજરાતનું પડોશી રાજ્ય રાજસ્થાન છે જ્યાં ગેહલોત સરકાર એટલે કે કોંગ્રેસનું શાસન છે પડોશી રાજ્ય રાજસ્થાનમાં ભગવો લહેરાવા માટે ભાજપા તૈયારી કરી રહ્યું છે ત્યાં કર્ણાટકની જીત બાદ વધુ એક રાજ્યમાં પોતાની સરકાર બરકરાર રાખવા માટે કોંગ્રેસ મથામણ કરી રહી છે ત્યારે ગુજરાતમાં પડોશી રાજ્ય મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર છે જ્યારે એક પડોશી રાજ્ય રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે જેથી ભાજપા પણ કર્ણાટકની હાર બાદ અહીં જીતવાની આશા રાખી રહી છે જેથી ત્યાં સીઆર પાટીલને આ જવાબદારી સોંપવામાં આવી શકે છે. પાટીલ જુલાઈ મહિનામાં પ્રદેશ અધ્યક્ષ તરીકેના ત્રણ વર્ષ પૂર્ણ કરશે. આવી સ્થિતિમાં જ્યારે પાટીલના કાર્યકાળના અંતિમ મહિનામાં તેઓ ફરીથી રાજસ્થાનના પ્રભારી બનવાની ચર્ચા જોરમાં છે. તેમને બીજી ટર્મ નહીં મળે તેવી પણ ચર્ચા છે. જો આમ થશે તો ચોક્કસ પાટીલને નવી જવાબદારી મળશે. ઉલ્લેખનીય છે કે, પાટીલની કામ કરવાની પોતાની શૈલી છે. તેઓ આમાં બાંધછોડ કરતા નથી. તેમની આ શૈલીથી ભાજપને ઐતિહાસિક જીત વિધાનસભામાં મળી છે. જેથી આગામી સમયમાં રાજસ્થાનમાં પણ ભાજપ આ જ તર્જ પર જીત માટે પાટીલને મોટી જવાબદારી સોંપે તેવી શક્યતા છે.

વધુમાં વાંચો… જસદણ તાલુકાના એક ગામમાં કોથળામાંથી મળી આવી લાશ – ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ માટે મૃતદેહને રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યો
જસદણ તાલુકાના કાળાસર ગામની સીમમાં કોથળામાં કોહવાયેલી હાલતમાં લાશ મળી આવતા પી.આઇ. ટી.પી. જાની સહિતનો સ્ટાફ દોડી જઇ મોતનું કારણ જાણવા માટે રાજકોટ ની સિવિલ હોસ્પિટલ ખાતે ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ માટે ખસેડી મૃતકની ઓળખ મેળવવા તપાશનો ધમધમાટ આદર્યો છે. મૃતદેહનો રાજકોટ ફોરેન્સીક નિષ્ણાંત દ્વારા કરાયું પોસ્ટ મોર્ટમ મૃતકની ઓળખ મળ્યા બાદ હત્યા કોને અને શા માટે કર્યાનું કારણ બહાર આવશે વધુ વિગત મુજબ જસદણ નજીક કાળાસર ગામની સીમમાં કોથળામાં લાશ પડી હોવાની ખાંડા હડમ તીયા ગામના કેશુભાઇ બાવળીયા નામના રાહદારીએ જસદણ પોલીસ મથકને જાણ કરી હતી. આ બનાવની જાણ થતા પી.આઇ. પી.બી.જાની સહિતના સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસ સ્ટાફે મોતનું કારણ જાણવા પ્રથમ જસદણ હોસ્પિટલ અને ફોરેન્સીક પી.એમ. અને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. હત્યા કરી લાશને કોથળામાં નાખી અવવારૂં સ્થળે ફેંકી ગયાની શંકા સેવાય રહી છે. પોલીસે ગુમની યાદી તેમજ જસદણ પંથકમાં મારામારીના બનાવોની માહિતી એકત્રિત કરી સીસીટીવી અને મોબાઇલ લોકેશન તેમજ બાતમીના આધારે મૃતકની ઓળખ મેળવવા તપાશનો ધમધમાટ આદર્યો છે. યુવકની હત્યા શા માટે અને કોને કરી તે માટે એલ.સી.બી., એસ.ઓ.જી. અને જસદણ પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાશ હાથધરી છે.

વધુમાં વાંચો… રાજકોટમાં નરાધમે ગાય સાથે કર્યું સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય – માલધારીઓએ તેના ઘરને કોર્ડન કરી પોલીસને બોલાવી
રાજકોટમાં કેસરી પુલ નીચે ગાય સાથે સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય આચરી રહેલા શખ્સને માલધારીઓએ ઝડપી લીધો હતો. પાપનો ભાંડો ફૂટતાં એ નરાધમ દોડીને ઘરમાં પૂરાઇ ગયો હતો. જોકે માલધારીઓએ તેના ઘરને કોર્ડન કરી પોલીસને બોલાવી પોલીસ હવાલે કર્યો હતો.
પોલીસે નરાધમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. વિગતો મુજબ શહેરમાં જૂની કલેક્ટર કચેરી પાછળ નરસંગપરામાં રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતાં કાળુ ભાઇ દામજીભાઇ મજેઠિયા (ઉ.વ.25) બપોરે એકાદ વાગ્યે ગાય સહિતના તેના પશુઓને કેસરી પુલ નીચે લઇને ગયા હતા અને પશુઓને ઘાસચારો અને પાણી આપી પોતે થોડે દૂર બેઠા હતા. એ દરમિયાન બપોરે દોઢેક વાગ્યાના અરસામાં નરસંગપરાનો લાલો રમણીક વાળા (ઉ.વ.24) ગાય જ્યાં બેઠી હતી ત્યાં પહોંચ્યો હતો અને થોડા આંટા ફેરા કર્યા બાદ ગાય સાથે સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય આચરવા લાગ્યો હતો. નરાધમ લાલો વાળા ગાય સાથે દુષ્કૃત્ય આચરી રહ્યો હતો ત્યારે ત્યાંથી હમીરભાઇ ચારોલિયા પસાર થતાં તેમની નજર લાલા પર પડી હતી અને હમીરભાઇએ પશુપાલક કાળુભાઇને જાણ કરી હતી – અન્ય પશુપાલકો પણ એકઠા થઇ ગયા હતા. ગાય સાથે દુવ્ર્યવહાર કરી રહેલા નરાધમ લાલાના કૃત્યનું મોબાઇલથી વીડિયો શૂટિંગ કરી તેની વિરુદ્ધ પુરાવા એકઠા કર્યા બાદ ટોળું લાલાને પકડવા દોડ્યું હતું. અને પકડી આ અંગેની જાણ કરાતા બી.ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમને થતા તે દોડી ગઇ હતી અને પોલીસે લાલા વાળાને તેના ઘરમાંથી ઝડપી લઈ સૃષ્ટિવિરુદ્ધના કૃત્યની કલમ હેઠળ ગુનો નોધી ધરપકડ કરી છે.

વધુમાં વાંચો… પત્રકારત્વમાં કારકિર્દી બનાવવા ઈચ્છુક યુવાઓ માટે સારા સમાચાર
ગુજરાતના પ્રથમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એ.ડી.શેઠ પત્રકારત્વ ભવનને તાજેતરમાં જ 50 વર્ષ પૂર્ણ કર્યા છે . આ ભવનમાંથી અભ્યાસ કરીને સૌરાષ્ટ્ર સહિત ગુજરાત અને દેશભરના ઇલેકટ્રોનિક, પ્રિન્ટ અને સોશ્યલ મીડિયામાં સારા એવા હોદ્દા પર વિધાર્થીઓ બિરાજમાન છે અને સમાજ ઉપયોગી કાર્ય કરી રહયા છે. ત્યારે ન્યુઝ એડિટર્સ , રિપોર્ટર્સ , ફોટોગ્રાફર્સ , કટારલેખક , એન્કર , પ્રોગ્રામ પ્રોડયુસર , વીડિયો એડિટર , કોપી એડિટર આર.જે. , ક્ધટેન્ટ રાઇટર બનવા માંગતા વિધાર્થીઓ હવે પત્રકારત્વમાં સીધો માસ્ટર ડિગ્રીમાં પ્રવેશ મેળવી શકશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પત્રકારત્વ ભવનમાં વર્ષ 1973 થી પત્રકારત્વનો અભ્યાસક્રમ ચાલી રહયો છે . જેમાં હવે એનઇપી (નેશનલ એજયુકેશન પોલીસી) પ્રમાણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પત્રકારત્વ ભવનમાં પણ M.J.M.C. ( માસ્ટર ઓફ જર્નાલીઝમ ઇન માસ કોમ્યુનિકેશન ) નો અભ્યાસક્રમ બે વર્ષનો એટલે કે ચાર સેમેસ્ટરનો કરવામાં આવ્યો છે. જેમાં હવે કોઇપણ વિષયમાં 48 ટકા સાથે સ્નાતક થનાર વિધાર્થી સીધો જ માસ્ટર ડિગ્રીમાં પ્રવેશ મેળવી શકશે. પત્રકારત્વના આ કોર્ષમાં પત્રકારત્વના પાયાના સિધ્ધાંતોથી લઈને નામ સઘળા પાસાઓ ની થિયોરેટીકલ તથા પ્રેકટીકલ અને એડીટીંગ રુમ, મિની થીયેટર, સમૃધ્ધ લાયબ્રેરી અને ટીવી સાથેની ન્યુઝ રુમ, કોમ્પ્યુટર લેબ જેવી સુવિધાઓ છે. તેમજ દર અઠવાડિયે વિવિધ માધ્યમો નિષ્ણાતોના વિશેષ વ્યાખ્યાન યોજાય છે. પ્રતિવર્ષ વિધાર્થીઓ દ્વારા ભવનના સામયિક લક્ષ્યવેધનું પ્રકાશન અને પ્રતિવર્ષ વિધાર્થીઓ દ્વારા શોર્ટ ફિલ્મ, ડોક્યુમેન્ટરી ફિલ્મ અને એડ ફિલ્મોનું નિર્માણ કરવામાં આવે છે. તેમજ વિવિધ માધ્યમોમાં પ્રાયોગિક તાલીમ માટે વિધાર્થીઓને મોકલવામાં આવે છે. પત્રકારત્વમાં પ્રવેશ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઓન લાઇન પ્રક્રિયા હાથ ધરવામાં આવી પ્રવેશ મેળવવા માટે વિધાર્થીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઇટ https://admission. saurashtra university.edu/ ફોર્મ ભરવાનું રહેશે. વિધાર્થીઓ વધુ માહિતી માટે ફોન નં . 0281 2586418 પર સંપર્ક કરી શકે છે. અખબાર અને સામયિકોમાં રિપોર્ટર, કટારલેખક, વાર્તાલેખક રેડિયોમાં પત્રકાર, ન્યુઝરીડર, કાર્યક્રમ નિર્માતા તરીકે ટીવીમાં પત્રકાર ન્યુઝરીડર, કાર્યક્રમ નિર્માતા કે સંચાલક તરીકે વેબ પત્રકાર તરીકે સિનેમામાં દિગ્દર્શક કલાકાર કે અન્ય વિવિધ વિભાગોમાં માહિતીખાતું કે અન્ય સંસ્થામાં PRO તરીકે વિજ્ઞાનપન ક્ષેત્રે.

વધુમાં વાંચો… અમદાવાદ ચાણક્યપુરી વિસ્તારમાં બાબા બાગેશ્વરના દરબારની તૈયારીઓ તેજ, જર્મન ટેકનલોજીનો મંડપ લગાવાશે
અમદાવાદમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર ભરાવા જઈ રહ્યો છે. ત્યારે અત્યારથી જ તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે ઘાટલોડીયા વિસ્તારના ચાણક્યપુરીમાં લોકદરબાર યોજાશે. જેમાં અત્યારે મંડપ બાંધવામાં આવી રહ્યો છે. વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને જર્મન ટેક્નોલોજીથી મંડપ બનાવવામાં આવશે. અમદાવાદમાં ચાણક્યપુરીના એક મેદાનમાં મંડપ સહિતની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મોટી સંખ્યામાં લોકો બેસી શકે તે માટે વિશાળ મંડપ બાંધવામાં આવી રહ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર જર્મન ટેકનોલોજીનો મંડપ બાંધવામાં આવી રહ્યો છે. બાબા બાગેશ્વરના દરબારમાં 1 લાખ લોકોની કેપેસિટી ધરાવતો મંડપ બાંધવામાં આવી રહ્યો છે. અત્યારથી જ સ્વયંસેવકો દ્વારા આ તૈયારીઓ તેજ કરાઈ છે. અંદાજે 2 હજાર જેટલા સ્વયંસેવકો સેવા આપશે. ચાર ફૂટ ઊંચું અને ત્રણ ફૂટ પહોળું ભવ્ય સિંહાસન તૈયાર કરાશે. બાબા બાગેશ્વરના કાર્યક્રમમાં વીવીઆઈપી અને નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવશે. બાબા બાગેશ્વરનું ચાર ફૂટ ઊંચું અને ત્રણ ફૂટ પહોળું ભવ્ય સિંહાસન તૈયાર થઈ રહ્યું છે. આ ઉપરાંત શ્રદ્ધાળુઓની સુરક્ષા – ટ્રાફિક વ્યવસ્થા માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે. પોલીસની હાજરીની સાથે 500 બાઉન્સર પણ એલર્ટ પર રહેશે. એટલું જ નહીં, કાર્યક્રમ દરમિયાન કોઈ ખલેલ ન પડે તે માટે VIP મહેમાનોને અલગ થી પ્રવેશ આપવામાં આવશે. અમદાવાદ સિવાય ગુજરાતમાં અન્ય શહેરોમાં થઈ રહેલા કાર્યક્રમમાં પણ તૈયારીઓ મંડપ સહીતના આ રીતે જ કરવામાં આવશે.

વધુમાં વાંચો.. લગ્નમાં ધીંગાણું થતા લગ્નગીતો ને બદલે રોકોકકળ
અરવલ્લી જીલ્લામાં ઉનાળો અસલ મિજાજ બતાવી રહ્યો છે કાળઝાળ ગરમીમાં હિટ સ્ટ્રોકની ઘટનાઓમાં વધારો થવાની સાથે જાણે લોકોને મગજ પર ગરમી ચઢી ગઈ હોય તેમ મારા મારી અને ઘર્ષણ થવાના કેસ પણ બહાર આવી રહ્યા છે બાયડ તાલુકાના પુંજાપુર ગામમાં લગ્ન પ્રસંગમાં અગમ્ય કારણોસર જૂથ અથડામણ જેવી ઘટનામાં પથ્થરમારો થતા મહિલાઓ અને પુરુષો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે દવાખાને ખસેડાયા છે લગ્નપ્રસંગમાં પથ્થરમારો થતા તાબડતોડ બાયડ પોલીસ ઘટનાસ્થળે પહોંચી સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો લગ્ન પ્રસંગના રંગમાં ભંગ પડતા ભરેલા અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર,બાયડ તાલુકાના પુંજાપુર ગામમાં સોમવારે ગામમાં બે લગ્ન પ્રસંગ હોવાથી એક પરિવાર જાન લઇ નીકળ્યો હતો અને એક પરિવારમાં દીકરીના લગ્ન હોવાથી જાન આવતા બંને વચ્ચે ડી.જે વગાડવાના મુદ્દે બખડો સર્જાયો હતો અને સામસામે પથ્થરમારો અને લાકડીઓ અને લાકડાના ડેગા લઇ બે જૂથ સામસામે આવી જતા જૂથ અથડામણ સર્જાતા ગામમાં ભારે તંગદિલી સર્જાઈ હતી. પથ્થરમારામાં કેટલાક મહિલા અને પુરુષો ઈજાગ્રસ્ત થતા 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા. બાયડ પોલીસને જાણ થતા તાબડતોડ ઘટના સ્થળે પહોંચી તંગદિલી ભર્યાં વાતાવરણ પર ઝડપથી કાબુ મેળવ્યો હતો અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થળ પર પોલીસ ખડકી દીધી હતી. લગ્ન પ્રસંગમાં જૂથ અથડામણમાં અંદર-અંદર સમાધાન થયું હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી આ અંગે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી બાયડ પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ દાખલ થઇ નથી હાલ ગામમાં સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહેતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.

વધુમાં વાંચો… ગોંડલ – બે બાળકો નદીએ નહાવા જતા ડૂબી જવાથી મોત. કૌટુંબીક ભાઈઓના મૃતદેહો મળી આવતા ચકચાર મચી.
રાજકોટ નજીક ગોંડલ ખાતે આવેલા વાસાવડ ગામે ચેક ડેમમાંથી બે સગીર કૌટુંબીક ભાઈઓના મૃતદેહો મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આ બનાવની જાણ થતા જ પોલીસ સ્ટાફ અને ફાયર બ્રિગેડ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી જઇ બંને ભાઈઓના મૃતદેહોને બહાર કાઢવાની જેહમત હાથ ધરી હતી. આ બનાવની જાણ મૃતકના પરિવારજનોને થતા તેમના પર આભ ફાટ્યું હતું. આ મામલે બનાવવાની મળતી વિગતો અનુસાર ગોંડલ ખાતે આવેલા ચેકડેમમાંથી બે સગીર યુવાનના મૃતદેહ મળ્યા ની જાણ ફાયર બ્રિગેડ અને પોલીસ સ્ટાફને થતા તેઓ ઘટના સ્થળે તાત્કાલિક દોડી ગયા હતા અને બંનેના મૃતદેહોને ડેમમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. જ્યારે બંનેના મૃત દેહને બહાર કાઢ્યા બાદ તેમની ઓળખ મેળવતા જાણવા મળ્યું હતું કે,તેમનું નામ યાસીન મજીદ ભાઈ બાવનકા(ઉ.વ.14) અને મોહીન રજાકભાઈ કાલવા(ઉ.વ.10) હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવની જાણ મૃતકના પરિવારજનોને થતા તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.અને તેમને જણાવ્યું હતું કે બંને સગીર મામા ફઈ ના ભાઈઓ છે અને તે ગઈકાલ રાતના જ પોતાના ઘરેથી ગુમ થઈ ગયા હતા. જ્યારે આજે સવારે તેમના બંનેના મૃતદેહો ચેકડેમમાંથી મળી આવતા પરિવારમાં માતમ છવાયો છે.હાલ પોલીસે બંને સગીર ભાઈઓના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.

વધુમાં વાંચો.. અમદાવાદ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જારી કર્યું સમન્સ
અમદાવાદ કોર્ટે સમન્સની પ્રથમ સુનાવણી હાથ ધરી હતી. માનહાનિ કેસમાં કેજરીવાલની મુશ્કેલીઓ વધી શકે છે. અમદાવાદની કોર્ટે ગુજરાત યુનિવર્સિટીના માનહાનિ કેસમાં અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહ સામે ફરી સમન્સ જારી કર્યા છે. કોર્ટે હવે આ મામલે સુનાવણી માટે 7 જૂનની તારીખ નક્કી કરી છે. ગુજરાત યુનિવર્સિટીએ અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહ સામે કેસ દાખલ કર્યો છે. પીએમની ડિગ્રી કેસમાં યુનિવર્સિટીની છબી ખરાબ કરવાનો આરોપ છે. ત્યારે આ કેસ મામલે અમદાવાદની કોર્ટે બંને નેતાઓ સામે સમન્સ જારી કર્યા હતા. અગાઉ માનહાનિના કેસમાં કોર્ટે 23 મેના રોજ હાજર થવાનું કહ્યું હતું. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને રાજ્યસભા સાંસદ સંજય સિંહ વિરુદ્ધ બે વખત સમન્સ જારી કરવામાં આવ્યા હતા. કોર્ટે ફરી જારી કરેલા સમન્સમાં માનહાનિના કેસની ફરિયાદની નકલ જોડી છે.
કોર્ટે અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહને 7 જૂને કોર્ટમાં હાજર થવા માટે સમન્સ પાઠવ્યું છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા દાખલ કરાયેલા આ કેસમાં અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહ પર યુનિવર્સિટીની છબી ખરાબ કરવાનો આરોપ છે.અગાઉ ગુજરાત હાઈકોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એમએ ડિગ્રી અંગે આરટીઆઈ દ્વારા માહિતી માંગવાના મામલે કેન્દ્રીય માહિતી આયોગના 2016ના આદેશને રદ કર્યો હતો. આ સાથે હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલ પર 25000નો દંડ પણ ફટકાર્યો હતો. યુનિવર્સિટીનો આરોપ છે કે આ બંને નેતાઓએ હાઈકોર્ટના નિર્ણય બાદ પણ યુનિવર્સિટી વિરુદ્ધ ખોટી ટિપ્પણીઓ કરી હતી. જેના કારણે લોકોમાં યુનિવર્સિટી વિશે ખોટી ઇમેજ ઉભી થઇ હતી અને લોકોમાં એવી ધારણા હતી કે ગુજરાત યુનિવ ર્સિટી બોગસ અને નકલી ડિગ્રીઓ બહાર પાડે છે. PM મોદીની ડિગ્રી વિશે માહિતી આપવાના CICના આદેશ સામે ગુજરાત યુનિવર્સિટીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. લાંબી રાહ જોયા બાદ ગુજરાત હાઈકોર્ટે CICના આદેશને રદ કર્યો હતો. આ પછી અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. AAP નેતા સંજય સિંહે બીજા દિવસે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here