સેવા-સદાચાર અને સંસ્કાર સિંચન સ્વામિનારાયણ સંપ્રદાયની ઓળખાણ બન્યા છે – મુખ્યમંત્રીશ્રી

10 Dec 2021 : મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે  ભગવાન સ્વામિનારાયણની ચરણરજથી પાવન બનેલા સરધાર ધામની પવિત્ર ભૂમિ પર નિર્માણ પામેલા ભવ્ય મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થઇ સંતોના આશીર્વાદ મેળવ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું રાજકોટ રાજ્યની એક વેળાની રાજધાની એવા સરધારનગર સાથે ભગવાન સ્વામિનારાયણનો વિશિષ્ટ સબંધ છે.

મુખ્યમંત્રીશ્રીએ વધુંમાં જણાવ્યું હતું કે સેવા-સદાચાર અને સંસ્કાર સિંચન સદીઓથી સ્વામિનારાયણ સંપ્રદાયની ઓળખાણ બન્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાય એટલે ‘‘સ્વ’’ને ભૂલીને સમષ્ટિના હિતની પરંપરા અને લોકોના કલ્યાણની ભાવના સ્વામિનારાયણ સંપ્રદાય ના અનુયાયીઓ આજે સૌથી વધુ નિર્વ્યસની, સંસ્કારી અને સમૃદ્ધ છે, તેના મૂળમાં સ્વામિનારાયણ સંપ્રદાયની વ્યક્તિત્વ નિર્માણની સમાજ સંસ્કારની પરંપરા છે.ભગવાન સ્વામિનારાયણે સરધારની આ ભૂમિ પર પગલાં કર્યા અને દરબારગઢમાં ચાર્તુમાસ ગાળ્યો હતો. રાજવીઓ-ગામ લોકોએ તેમનું સામૈયુ કર્યુ ત્યારે ભગવાન સ્વામિનારાયણે અહિં એક ભવ્ય મંદિરના નિર્માણની ભવિષ્યવાણી કરેલી તે આજે સાકાર થઇ છે.

યોગાનુયોગ વર્ષ આઝાદીનું પણ અમૃત પર્વ-અમૃત મહોત્સવ વર્ષ છે ત્યારે ભગવાન સ્વામિનારાયણે ચીંધેલા સંસ્કાર-શિક્ષણ-સદાચાર ના સિંચનનું કાર્ય મંદિર રાષ્ટ્ર નિર્માણ માટે યુવા પેઢીમાં ‘‘નેશન ફર્સ્ટ’’ના પાયા પર પાર પાડવામાં આવી રહ્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ અબુધાબીમાં નિર્માણ થઇ રહેલા સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લેવાની પણ તક મળી હતી તેમ જણાવતા ઉમેર્યું કે હિન્દુ સંસ્કૃતિના સર્વગ્રાહી પ્રસારના કેન્દ્રો સમું આ મંદિર પણ રાષ્ટ્રચેતના ઊજાગર કરે છે સ્વામિનારાયણ સંપ્રદાયે ગુરુકુલ,છાત્રાલય શાળા-કોલેજ,હોસ્પિટલ અને સાંસ્કૃતિક કેન્દ્રો સમા મંદિરોનું નિર્માણ કરી વ્યક્તિના સ્વાસ્થ્ય,શિક્ષણ સંસ્કાર સિંચનના અદભૂત કાર્યો કર્યા છે. શ્રી સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં ‘‘સદવિદ્યા પ્રવર્તન’’ – ‘‘સર્વ જીવ હિતાય’’ એવી સેવાપ્રવૃત્તિનો સંદેશો આપ્યો છે. સંપ્રદાયની સેવાને બિરદાવતા મુખ્યમંત્રીશ્રીએ કહયું કે કોરોના મહામારી, ભૂકંપ, ટાઢ, પૂર-અતિવૃષ્ટિ જેવી તમામ આફતો જ્યારે જ્યારે પણ ગુજરાત પર ત્રાટકી ત્યારે ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયનો સરકારને આભ જેવડો ટેકો મળ્યો છે.

ભગવાન સ્વામિનારાયણના આશિષથી ગુજરાતના ખૂણે ખૂણે વિકાસની લહેર આપણે લઇ જવી છે અને ગુજરાતના વિકાસ થકી ભારતને જગદગુરુ બનાવવું છે તેમ જણાવી સંતો અને હરિભક્તોના સહયોગથી “આત્મનિર્ભર ભારત”ના નિર્માણનો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈનો સંકલ્પ આપણે ‘‘આત્મનિર્ભર ગુજરાત’’થી પૂર્ણ કરવો છે તેમ પણ કહયું હતુ. વકતવ્યના પ્રારંભે મુખ્યમંત્રીશ્રીએ હેલીકોપ્ટર અકસ્માતમાં શહીદ થયેલા સી.ડી.એસ. જનરલ શ્રી બીપીન રાવત અને તેમના ધર્મપત્ની તેમજ અન્ય દિવંગતોને શ્રધ્ધાસુમન પાઠવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિતોએ બે મીનીટનું મૌન પાળ્યું  હતુ.

આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને નવસારીના સાંસદ શ્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે,  ધર્મ અને રાજકારણ બંને એક બીજાથી અળગા ક્યારેય ન હોઇ શકે, કારણકે ધર્મ વગરનું રાજકારણ અનીતિ નોતરે છે. સામાજિક જીવનમાં જ્યારે પણ સમસ્યા ઓ ઉદભવે છે ત્યારે નીતિવિષયક નિર્ણયો લેવાના થાય છે.  આવા સમયે દેશ, રાજ્યોના લોકો માટે નિર્ણય લેતી વખતે ધર્મએ હંમેશા સત્ય ની દિશા દોરી છે. સ્વામિનારાયણ સંપ્રદાયે  યુવાનો માટે અભ્યાસની વ્યવસ્થા પણ કરી છે. આ વિદ્યાર્થીઓને જ્ઞાનની સાથે ધર્મ નું જ્ઞાન પણ આપવામાં આવે છે. વ્યક્તિત્વ નિર્માણના પરિણામો પણ અહીંથી જ મળી રહ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાય દેશહિત અને લોકહિતની જવાબદારી ઉઠાવીને દેશ અને સમાજ નિર્માણમાં મહત્વનું યોગદાન આપી રહ્યું છે. કોરોનો મહામારી વખતે મદદ કરવા માટે સ્વામિનારાયણ સંપ્રદાય સદા અગ્રેસર હતું.

ગુજરાતની સાંસ્કૃતિક વિરાસત સમા પ્રથમ જયોતિર્લીંગ સોમનાથ મંદિરના પૂન:નિર્માણના સરદાર સાહેબના સંકલ્પને સાકાર કરવામાં તથા તેના વિકાસમાં શ્રી નરેન્દ્રભાઈ મોદી , અમિતભાઈ શાહ, શ્રી કેશુભાઈ પટેલનું વિશેષ યોગદાન રહ્યું છે. વારાણસી ખાતે આવેલા જગપ્રસિધ્ધ કાશી વિશ્વનાથના મંદિરનો જિર્ણોધ્ધાર પૂર્ણ થવાના આરે છે. રાજકોટના સરધાર ખાતે આયોજિત આજના મૂર્તિ પ્રતિષ્ડા મહોત્સવમાં મંદિરના સિંહાસન માટે ૪૦ કિલો સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેમ સી.આર.પાટીલે વધુમાં જણાવ્યું હતું.

આ પ્રસંગે  મંદિરના નિર્માતા-કથાના વકતા શ્રી નિત્ય સ્વરૂપસ્વામી અને શ્રી નૌતમ પ્રકાશ સ્વામીએ આશીર્વચન પાઠવ્યા હતા.

આ મહોત્સવમાં સંપ્રદાયના સંતો શ્રી માધવપ્રિયદાસજી સ્વામી, શ્રીદેવકૃષ્ણસ્વામી, શ્રી દેવપ્રકાશસ્વામી તેમજ વાહન-વ્યવહાર રાજય મંત્રીશ્રી અરવિંદભાઇ રૈયાણી, ધારાસભ્ય શ્રી ગોવિંદભાઇ પટેલ અને શ્રી લાખાભાઇ સાગઠીયા, જિલ્લા ભા.જ.પ. પ્રમુખ શ્રી મનસુખ ભાઇ ખાચરીયા, પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી ભરતભાઇ બોઘરા,મંદિરના ટ્રસ્ટીશ્રી નીતીનભાઇ,લીંબાભાઇ ઢાકેચા,અગ્રણીશ્રી માંધાતાસિંહજી  જાડેજા તેમજ સંગઠનના પદાધિકારીશ્રી નાગદાનભાઇ ચાવડા,મનીષ ચાંગેલા,ચેતન રામાણી,ડો. વલ્લભભાઇ કથીરીયા,શ્રી રાજુ ભાઈ ધૃવ, કલેકટર શ્રી અરૂણ મહેશ બાબુ તેમજ અન્ય મહાનુભાવો અને મોટી સંખ્યામાં હરીભકતો ઉપસ્થિત રહયા હતા.