15 Sep 22 : ગુજરાતમાં આવેલા સરદાર સરોવર ડેમ ૧૩૮.૬૮ મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચતા આજે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા કેવડિયા ખાતે આજે નર્મદા નીરના વધામણાં કરવામાં આવ્યા હતા. આ નર્મદા જળ વધામણાં અવસરે રાજ્યમંત્રી જીતુભાઈ ચૌધરી, સંસદ સભ્ય મનસુખભાઈ વસાવા, અગ્ર સચિવ કે.કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજ કુમાર તેમજ સરદાર સરોવર નિગમના એમ.ડી જે.પી.ગુપ્તા અને પદાધિકારીઓ,અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ વર્ષે ગુજરાતમાં ચોમાસુ સારું રહ્યું હોય તેમ ગુજરાતની જિવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધની જળ સપાટી ત્રીજીવાર પૂર્ણ કક્ષાએ પહોંચી હતી. આ વર્ષે થયેલા વ્યાપક વરસાદને પરિણામે નર્મદા બેસિન અને ડેમમાં પાણીની સારી આવક થઈ છે. પાણીનો આ વધુ આવરો થવાથી રાજ્યના ગામો ,નગરો અને શહેરોમાં આગામી ઉનાળાની સીઝન સુધી પુરતું પાણી આપી શકાશે અને પાણીની તંગીનો સામનો કરવો નહીં પડે. નર્મદા કમાન્ડ વિસ્તારના બધા જ ગામોના ખેડૂતોને રવી પાકની સિંચાઈના હેતુ માટે નર્મદાનું પર્યાપ્ત પાણી મળશે. નર્મદા ડેમમાં પાણીની વધુ ઉપલબ્ધિને કારણે સૌરાષ્ટ્રમાં સૌની યોજના તેમજ ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ અને અન્ય ઉદવહન યોજનાઓ માટે હાલ નર્મદા જળ આપવામાં આવી રહ્યા છે.

ગુજરાતની જિવાદોરી નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમની જળસપાટી પૂર્ણ કક્ષાએ એટલે કે ૧૩૮.૬૮ મીટરે પહોંચી છે. આના પરિણામે જળાશયમાં ૪.૭૩ મિલીયન એકર ફૂટ એટલે કે પ.૭૬ લાખ કરોડ લીટર પાણીનો સંગ્રહ થયો છે. અંદાજે ૧ લાખ ક્યુસેક્સ પાણીનો જથ્થો નર્મદા બંધમાંથી હાલ છોડવામાં આવે છે. સરદાર સરોવર યોજના થકી 9104 ગામો-169 શહેરો-7 મહાનગરપાલિકાઓની કુલ આશરે 4 કરોડની જનસંખ્યાને નર્મદા જળ મળે છે. 63 હજાર કિ.મીટર લંબાઇના નહેર માળખાથી કચ્છના રણપ્રદેશ સુધી નર્મદા જળ સિંચાઇ અને પીવાના ઉપયોગ માટે મળી રહ્યા છે. આ ઉપરાંત નર્મદા ડેમમાં પાણીની વધુ ઉપલબ્ધિને કારણે સૌરાષ્ટ્રમાં સૌની યોજના તેમજ ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ અને અન્ય ઉદવહન યોજનાઓ માટે હાલ નર્મદા જળ આપવામાં આવી રહ્યા છે.