30 Aug 22 : મુખ્યમંત્રી એ આજે ગાંધીનગરમાં એક ઉચ્ચસ્તરિય બેઠક યોજીને રાજ્યમાં હાલના ચોમાસાની સ્થિતિને કારણે માર્ગોની મરામત માટેની  જે જરૂરીયાત ઉભી થઇ છે, તેની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની મહાનગરપાલીકાઓ અને નગરપાલીકાઓના વિસ્તારોમાં પ્રવર્તમાન ચોમાસાને કારણે માર્ગો-રસ્તાઓને જે અસર પહોંચી છે તે રિસર્ફેસિંગ, રિપેરિંગ અને માર્ગોના નવા કામો દ્વારા સત્વરે દૂર કરી સ્થિતિ પૂર્વવત કરવા સ્પષ્ટ તાકીદ કરી છે.

માર્ગ અને મકાન રાજ્યમંત્રી જગદીશભાઇ વિશ્વકર્મા, શહેરી વિકાસ રાજ્યમંત્રી વિનોદભાઇ મોરડીયા, મુખ્યમંત્રી અગ્ર મુખ્ય સચિવ કે. કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજ કુમાર, અધિક મુખ્ય સચિવ પંકજ જોષી તેમજ શહેરી વિકાસ અને માર્ગ મકાન વિભાગના સચિવ ઓ અને ઉચ્ચ અધિકારીઓઆ બેઠકમાં જોડાયા હતા.
રાજ્યની 8 મહાનગરપાલિકાના કમિશનરઓ તેમજ રિજિયોનલ મ્યુનિસિપલ કમિશનર એ પોતાના કાર્યક્ષેત્રમાં આવેલા વિસ્તારોમાં રસ્તાઓને થયેલા નુકશાન અને મરામત માટે કરવામાં આવેલી કામગીરી તથા આયોજનનો વિસ્તૃત ચિતાર વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સહભાગી થઇ આપ્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુણવત્તાયુક્ત માર્ગો બને તથા ત્રણ વર્ષની ડિફેક્ટ લાયેબલિટીની મર્યાદામાં આવતા માર્ગોનું રિસર્ફેસિંગ, રિપેરિંગ સંબંધિત ઇજારદાર (કોન્ટ્રાક્ટર) દ્વારા સત્વરે હાથ ધરાય તે માટે અધિકારીઓ કામગીરી પર સતત જાત નિરિક્ષણ કરે અને ગુણવત્તાયુક્ત કામ થાય તે સુનિશ્ચિત કરે.  મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું કે, નાણાના અભાવે જનતા જનાર્દનના આવા પાયાની સુવિધાના કામો અટકે નહીં તે માટે રાજ્ય સરકાર સ્થાનિક સત્તા તંત્રોની પડખે છે.
તેમણે સ્ટેટ હાઇ વે, નેશનલ હાઇ-વે, મુખ્ય જિલ્લા માર્ગો તથા પ્લાન વિલેજ માર્ગોની સ્થિતિની પણ માર્ગ મકાન વિભાગના સચિવ અને ઉચ્ચ અધિકારી ઓ સાથે સમિક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ એવું પણ સુચન કર્યું કે, માર્ગોની સંપૂર્ણ વિગતો ઓનલાઇન કરવામાં આવે જેથી નાગરીકોને પારદર્શી રીતે સમગ્ર કામગીરીનો ખ્યાલ આવી શકે.
મુખ્યમંત્રીએ રાજ્યમાં વરસાદ રહી જાય કે ઓછો થાય કે તુરત જ સપ્ટેમ્બર મહિનાના પ્રથમ પખવાડીયામાં જ માર્ગ મરામતના કામો હાથ ધરાય અને નવરાત્રી સુધીમાં નગરો-મહાનગરોમાં માર્ગોની સ્થિતિ પૂર્વવત થઇ જાય તેવી સ્પષ્ટ સુચના આપી હતી.
  • અટલ બ્રિજ જોવા માટે અમદાવાદીઓને ચૂકવવી પડશે એન્ટ્રી ફી – આગામી સમયમાં આટલી ફી ચૂકવવા રહેજો તૈયાર
30 Aug22 : અટલ બ્રિજનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે આ બ્રિજને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડી રહ્યા છે. રવિવારે એટલી મોટી સંખ્યામાં બ્રિજ જોવા માટે લોકો આવ્યા હતા કે, બે વાર એન્ટ્રીમાં અવરોધ પણ થયો હતો. સંખ્યા વધી જતા લોકોને રોકવા પડ્યા હતા. ત્યારે અટલ બ્રિજ જોવા માટે હવે અમદાવાદીઓને એન્ટ્રી ફી ચૂકવવી પડશે. સૂત્રો પાસેથી મળી રહેલી વિગતો અનુસાર 1 સપ્ટે.થી આ ફી અમલમાં મુકાશે.

– આ પ્રકારે જુદી જુદી ફી ચૂકવવા રહેજો તૈયાર  
અટલ બ્રિજનો નજારો માણવા માટે 12 વર્ષ સુધીના બાળકો માટે 15 રૂ., 12 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે 30 રૂ. તેમજ સિનિયર સિટીઝન માટે 15 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત અટલ બ્રિજમાં જો ગાર્ડનની મુલાકાત લેવી હશે તો ટિકિટના 40 રુ. આપવાના રહેશે. દિવ્યાંગો માટે ફી રાખવામાં આવી નથી. સિનિયર સિટીઝન માટે ફૂટ ઓવરબ્રિજ અને ફ્લાવર પાર્ક માટે 20 રૂપિયાનો ટિકિટ દર નક્કી કરાયો છે.
 
– અટલ બ્રિજની આ છે વિશેષતાઓ 

1) બ્રીજની કુલ લંબાઈ ૩૦૦ મીટર છે જ્યારે વચ્ચેનો સ્પાન ૧૦૦ મીટર છે.
2) બ્રીજના છેડેના ભાગે પહોળાઈ ૧૦ મીટર તેમજ બ્રીજના વચ્ચેના ભાગે પહોળાઈ ૧૪ મીટર છે.
3) સાબરમતી નદીના લોઅર તથા અપર પ્રોમીનાડ (ફુટપાથ) ઉપરથી બંને બાજુએથી (પશ્ચિમ કાંઠે તથા પૂર્વ બાજુએથી) બ્રીજમાં પ્રવેશ કરી શકાશે.
4) ૨૬૦૦ મે. ટન વજનનું લોખંડ પાઈપનું સ્ટ્રક્ચર તથા રંગબેરંગી ફેબ્રિકની ટેન્સાઈલ સ્ટ્રક્ચરની છત આઈકોનિક બ્રીજની આઇકોનિક ડિઝાઈનની સાબિતી આપે છે.
5) બ્રીજના વચ્ચેના ભાગે વુડન ફ્લોરિંગ કરવામાં આવ્યું છે, જ્યારે બાકીના ભાગે ગ્રેનાઈટ ફ્લોરિંગ, પ્લાન્ટર તથા સ્ટેઈનલેસ સ્ટીલ અને ગ્લાસની રેલિંગ બનાવવામાં આવી છે.
6) વચ્ચેના ભાગે ફૂડ કિઓસ્ક, બેસવાની તથા પ્લાન્ટેશનની વ્યવસ્થા કરવામાં આવી છે.
7) ડાયનેમિક કલર ચેન્જ થઈ શકે તેવું એલ.ઈ.ડી. લાઈટિંગ બ્રીજને આગવો લૂક પ્રદાન કરે છે.