
10 May 23 : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અને મહારાષ્ટ્ર સરકારના મંત્રી જિતેન્દ્ર આવ્હાડ સામે વિવાદાસ્પદ નિવેદનોના મામલે ફરિયાદ નોંધવામાં આવી છે. અહેવાલો અનુસાર, સંતોષ જયસ્વાલ નામના વ્યક્તિની ફરિયાદ પર થાણેના વર્તકનગર પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધવામાં આવી છે. જણાવી દઈએ કે આવ્હાડે એક નિવેદનમાં કહ્યું હતું કે ફિલ્મ ‘ધ કેરલ સ્ટોરી’ના નિર્માતાને જાહેરમાં ફાંસી પર લટકાવી દેવા જોઈએ. તેમણે કહ્યું હતું કે આ ફિલ્મ દ્વારા કેરળ અને રાજ્યની મહિલાઓનું અપમાન કરવામાં આવ્યું છે.
‘માત્ર 3 મહિલાઓ ISમાં જોડાઈ’ : જિતેન્દ્ર આવ્હાડે કહ્યું હતું કે, ‘આ ફિલ્મના નિર્માતાએ માત્ર કેરળની છબી જ ખરાબ નથી કરી પરંતુ રાજ્યની મહિલાઓનું પણ અપમાન કર્યું છે. તેમણે કહ્યું કે કેરળમાંથી 32,000 મહિલાઓ ગુમ થઈ ગઈ અને ઈસ્લામિક સ્ટેટ આતંકી સંગઠનમાં જોડાઈ ગઈ. પરંતુ વાસ્તવમાં આ આંકડો માત્ર 3 છે. જણાવી દઈએ કે આવ્હાડ આ પહેલા પણ વિવાદાસ્પદ નિવેદન આપીને વિવાદોમાં રહી ચૂક્યા છે. તાજેતરમાં તેમણે કહ્યું હતું કે એવું લાગે છે કે રામ નવમી અને હનુમાન જયંતિ રાજ્યમાં રમખાણો કરાવવા માટે ઉજવવામાં આવે છે. તમને જણાવી દઈએ કે ધર્મ પરિવર્તન અને આતંકવાદ અને ધ્રુવીકરણ રાજકીય પ્રવચનના મુદ્દાઓ પર આધારિત ફિલ્મ ‘ધ કેરલ સ્ટોરી’ને ભાજપ શાસિત રાજ્યો ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશમાં ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે. તે જ સમયે, કેટલાક વિરોધ પક્ષોના નેતાઓએ કથિત રીતે નફરતને પ્રોત્સાહન આપવા માટે ફિલ્મની ટીકા કરી છે. ઉપરાંત, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ જેવા રાજ્યોમાં આ ફિલ્મના સ્ક્રીનિંગ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. એક તરફ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે તો બીજી તરફ તેને લઈને રાજકારણ પણ તેજ થઈ રહ્યું છે.
વધુમાં વાંચો… ધ કેરલ સ્ટોરીના સમર્થનમાં સામે આવી સ્મૃતિ ઈરાની, કહ્યું- જે ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે તેઓ આતંકવાદીઓ સાથે છે
ફિલ્મ ‘ધ કેરલ સ્ટોરી’ 5મી મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચુકી છે. આ ફિલ્મને લઈને ઘણો વિવાદ ચાલી રહ્યો છે. આ ફિલ્મ રિલીઝ થતાની સાથે જ વિવાદોમાં ફસાઈ ગઈ હતી. આ ફિલ્મ વિવાદોમાં ઘેરાયેલી છે. તે બોક્સ ઓફિસ પર સારી કમાણી પણ કરી રહી છે. આ ફિલ્મ અંગે લોકોનું કહેવું છે કે આ ફિલ્મ દ્વારા કેરળ રાજ્યની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ‘ધ કેરલ સ્ટોરી’ ફિલ્મ પર તમિલનાડુ, પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ત્યારે હવે સ્મૃતિ ઈરાનીએ ફિલ્મને સમર્થન આપ્યું છે.
હાલમાં જ મીડિયા સાથે વાત કરતાં સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે જે રાજકીય પક્ષો આ ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે તેઓ આતંકવાદીઓની સાથે ઉભા છે. હું પોતે એક માતા હોવાના કારણે આ વાત પૂરા આત્મવિશ્વાસ સાથે કહી શકું છું. જે રાજકીય પક્ષો પોતાના દેશના નાગરિકો પર થયેલા અત્યાચારને ભૂલી જાય છે તેઓ આતંકવાદી ષડયંત્રો સાથે ઉભા છે. ફિલ્મ ‘ધ કેરલ સ્ટોરી’ પર પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ત્યારે આ જ ફિલ્મને મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા ઘણા રાજ્યોમાં ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે. ધ કેરલ સ્ટોરીનું નિર્દેશન સુદીપ્તો સેન દ્વારા કરવામાં આવ્યું છે અને વિપુલ અમૃતલાલ શાહ દ્વારા નિર્મિત છે. ‘ધ કેરાલ સ્ટોરી’માં અદા શર્મા, યોગિતા બિહાની, સિદ્ધિ ઈદનાની અને સોનિયા બાલાની મહત્ત્વની ભૂમિકામાં છે. 40 કરોડના ખર્ચે બનેલી સુદીપ્તો સેનની ‘ધ કેરલ સ્ટોરી’ 4 છોકરીઓની વાર્તા પર આધારિત છે, જેમાં 3નું બ્રેઈનવોશ કરીને બીજા ધર્મમાં પરિવર્તન કરાવીને તેમનું શોષણ કરવામાં આવે છે. ‘ધ કેરલ સ્ટોરી’ની વાર્તા કેરળમાં આતંકવાદી સંગઠનમાં જોડાવા માટે ધર્મ પરિવર્તન પર આધારિત છે. ફિલ્મમાં દાવો કરવામાં આવ્યો છે કે કેરળમાંથી 32,000 છોકરીઓ ગુમ થઈ ગઈ હતી અને બાદમાં આતંકવાદી જૂથ ISISમાં જોડાઈ હતી. એક પક્ષ આ ફિલ્મને સાચી વાર્તા કહીને પ્રમોટ કરી રહ્યો છે તો બીજો પક્ષ તેને કાલ્પનિક ગણાવી રહ્યો છે.
વધુમાં વાંચો… ગીતા મંદિર બસ સ્ટેન્ડ પર પોલીસની હાજરીમાં અસામાજિક તત્વોએ મુસાફર સાથે કરી મારામારી, ઘટના CCTVમાં કેદ

અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક સતત વધી રહ્યો છે. અમદાવાદના સૌથી વધુ વ્યસ્ત વિસ્તાર પૈકી એક ગીતા મંદિર બસ સ્ટેન્ડ પર મારામારીની ઘટના બની હોવાની માહિતી મળી છે. રાત્રીના સમયે બે અસામાજિક તત્વોએ મુસાફરો, દુકાન માલિકો અને તેમના સ્ટાફ સાથે મારામારી કરી હતી. મારામારીની આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં પોલીસની સામે જ બે અસામાજિક તત્વો એક યુવકને માર મારતા નજરે પડી રહ્યા છે. જ્યારે પોલીસ મૂક પ્રેક્ષક બની તમાશો જોતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડ પરથી રોજ લાખોની સંખ્યામાં મુસાફરો અવરજવર કરતા હોય છે. ત્યાં મોટી સંખ્યામાં વેપારીઓ દુકાન ધરાવીને વેપાર કરે છે. ત્યારે આવા વ્યસ્ત વિસ્તારમાં અસામાજિક તત્વોના આતંકના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં રાતીના સમયે બે અસામાજિક તત્વો એક મુસાફર યુવકને માર મારતા નજરે પડી રહ્યા છે. આ સમગ્ર ઘટના દરમિયાન પોલીસની હાજરી પણ ત્યાં દેખાઈ રહી છે. પોલીસના કોઈ પણ ખોફ વિના બેફામ બની અસામાજિક તત્વો યુવક અને વેપારીને અપશબ્દો બોલી ખુરશી અને માર મારતે નજરે પડી રહ્યા છે.
‘અસામાજિક તત્વો રોજ આવીને પૈસા ઉઘરાવે છે’ ! આ મામલે પોલીસે હુમલો કરનારા બંને યુવકની ધરપકડ કરી છે અને આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ, મારા મારીનો આ વીડિયો સામે આવતા ગીતા મંદિર બસ સ્ટેન્ડ પર આવતા મુસાફરો અને વેપારીઓમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. વેપારીઓનો આરોપ છે કે આ અસામાજિક તત્વો રોજ આવીને પૈસા ઉઘરાવે છે અને દાદાગીરી કરે છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. ત્યારે હવે પોલીસની હાજરીમાં પણ લોકો પોતાને સુરક્ષિત માનતા નથી એવું કેટલાક વેપારીઓનું કહેવું છે. ગીતા મંદિર બસ સ્ટેન્ડની આ ઘટના સામે આવતા પોલીસની કામગીરી સામે પણ કેટલાક સવાલ ઊઠી રહ્યા છે.