14 Aug 22 : ભરૂચ જિલ્લાની વાગરા બેઠકનું સંપૂર્ણ એનાલિસિસ, પહેલી ચૂંટણી ક્યારે થઈ ?કોંગ્રેસ-ભાજપના કોણ કોણ જીત્યા 2022માં કોણ ફાવશે ?

ભરૂચ જિલ્લાની વાગરા વિધાનસભા બેઠક ઉપર હાલ કોંગ્રેસ-ભાજપ બાદ હવે આમ આદમી પાર્ટીની અંદર ખાને એન્ટ્રી થઈ ચૂકી છે આમ આદમી પાર્ટી અહીં યુવા અને પ્રામાણિક છાપ ધરાવતા ઉમેદવારને ઉભો રાખે તેવી વાતોએ રાજકીય વાતાવરણમાં ગરમાટો લાવી દીધો છે ત્યારે વાગરા બેઠક અંગે અગાઉનો અત્યારસુધીનો ઘટનાક્રમ શુ રહ્યો છે તે પણ જાણવું જરૂરી છે.

વાગરા બેઠક ઉપર અત્યાર સુધી 13 ચૂંટણીઓ યોજાઈ ચુકી છે જેમાં કોંગ્રેસને 10 વખત અને ભાજપની 3 વાર જીત થઈ છે. વાગરા વિધાનસભા બેઠકની સૌ પ્રથમ ચૂંટણી 1962માં થઈ હતી.

જેમાં કોંગ્રેસના ઉમેદવાર માનસિંહજીની જીત થઈ હતી.આમ, શરૂઆતથી કોંગ્રેસનું વાગરા બેઠક ઉપર વર્ચસ્વ રહ્યું હતું.

વર્ષ 1967માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર એન. એમ કણસારા જીત્યા હતા. જ્યારે વર્ષ 1972માં પણ કોંગ્રેસના ઉમેદવાર ફતેસિંહજી પ્રતાપ સિંહજીએ વાગરા બેઠક ઉપર જીત હાંસલ કરી હતી. વર્ષ 1975માં કોંગ્રેસના રાણા વિજય સિંહજી એ વિજય મેળવ્યો.

1980માં કોંગ્રેસ (આઇ)ના પ્રભાતસિંહ મકવાણા વિજેતા થયા. 1985માં પણ કોંગ્રેસના ઉમેદવાર મહિડા હરીસિંહે આ બેઠક પર જીત મેળવી કોંગ્રેસ માટે આ બેઠકને જાળવી રાખી હતી.

જોકે, 1990માં ભાજપે આ બેઠક જીતી લીધી અને ભાજપના ઉમેદવાર વિક્રમસિંહ ચૌહાણે જીત મેળવી હતી. ત્યાર બાદ 1995માં ભાજપના ઉમેદવાર વાંસિયા ખુમાણસિંહે ફરી ભાજપને જીત અપાવી હતી. જોકે વર્ષ 1998માં ફરી આ બેઠક પર કોંગ્રેસના ઇકબાલ ઇબ્રાહિમ પટેલે ભાજપને પછડાટ આપી હતી.
ત્યારબાદ વર્ષ 2002 માં પણ કોંગ્રેસના રાશિદા ઇકબાલ પટેલે જીતી મેળવી હતી. જ્યારે 2007માં ફરી કોંગ્રેસના ઇકબાલ પટેલે આ બેઠક પર જીત મેળવી હતી અને સતત 3 ટર્મની સત્તા ભોગવ્યા બાદ કોંગ્રેસની આ સત્તા વધુ ટકી શકી નહીં અને 2012 , 2017માં ભાજપે ફરી આ બેઠક કબ્જે કરી છે.

આ બધા વચ્ચે વર્ષ 2017માં વાગરાવિધાનસભાની બેઠક પર એકંદરે લીડ પર રહેલાં કોંગ્રસના ઉમેદવાર સુલેમાન પટેલનો અંતિમ ત્રણેક રાઉન્ડમાં ખુબ જ ઓછી સરસાઈ થી પરાજય થયો હતો. જે બાદ સાંજના સમયે કોંગી આગેવાનોએ મતદાન સમયે જાહેર કરાયેલાં આંકડા અને મત ગણતરીના આંકડા માં તફાવત હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમના જણાવ્યાનુસાર મતદાન કરતાં મતગણતરીના આંકડા વધી રહ્યાં હતા, જેને લઈ જેતે વખતે ખુબજ વિવાદ થયો હતો.

ઉલ્લેખનીય છે કે સુલેમાન પટેલ આ વિસ્તારના લોકપ્રિય નેતા રહયા છે અને દરેક સેવાકાર્યોમાં સતત હાજર રહેતા હોય સુલેમાન પટેલ લોકોમાં ખુબજ લોકપ્રિયતા ધરાવે છે જો તેવો આ વખતે ચૂંટણી લડશે તો ખરાખરીનો જંગ ખેલાશે.

હવે આ વર્ષે ગુજરાતમાં રાજકારણ બદલાયું છે કોંગ્રેસના મોટાભાગના નેતાઓ ભાજપમાં ભળી ગયા છે અને આમ આદમી પાર્ટી ચૂંટણી અગાઉ ભાજપ ને ટક્કર આપી રહી છે, કેજરીવાલ સતત ગુજરાતની મુલાકાતે આવી રહયા છે તેવે સમયે 2022ની વિધાનસભા ચૂંટણીમાં વાગરા બેઠક માટે મતદારો કોને સાથ આપે છે?તે જોવું રસપ્રદ થઈ પડશે.