વાવડી ઔદ્યોગિક વિસ્તારમાં રૂ. ૯.૪૦ કરોડના ખર્ચે રોડ પેવર કાર્પેટના કામોનું ખાતમૂહૂર્ત

14 Nov 2021 : રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના નવનિયુક્ત રાજ્યમંત્રીશ્રી વિનોદભાઈ મોરડીયાએ રાજકોટ ખાતે તેઓના મંત્રી બન્યા બાદ પ્રથમ લોકોપયોગી કાર્યક્રમ અન્વયે વાવડી ઇન્ડસ્ટ્રીયલ ઝોન ખાતે રૂ. ૯.૪૦ કરોડના ખર્ચે પેવર કાર્પેટ રોડ રસ્તાનું ખાતમુહૂર્ત કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર છેવાડાના વિસ્તારો સુધી માળખાકીય સુવિધાઓનો લાભ મળી રહે તે માટે કટિબદ્ધ છે.

 

મંત્રીશ્રી વિનોદભાઈએ ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં શહેરી તેમજ ઔદ્યોગિક વિસ્તારોમાં રસ્તા,  પાણી , ગટર વગેરે સહિતની પાયાની સુવિધાઓ સમયબધ્ધ રીતે પ્રાપ્ત થાય, તે નેમ સાથે  રાજ્ય સરકાર કામગીરી કરી રહી છે.

છેવાડાના માનવીને વિકાસનો લાભ મળી રહે તેમજ લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે તેમના સુધી પહોંચી જરૂરી તમામ  મદદ કરવા આ તકે મંત્રીશ્રી મોરડિયાએ ખાત્રી ઉચ્ચારી હતી.

રાજકોટના વાવડી ઔદ્યોગિક ઝોનમાં રૂ. ૯.૪૦ કરોડના ખર્ચે વોર્ડ નં. ૧૨ માં પાંચ પ્રોજેક્ટ હેઠળ રોડને પેવર કાર્પેટ કરવાના કામના ખાતમુહૂર્ત પ્રસંગે મેયર ડો. પ્રદીપ ડવે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના હબ સમાન રાજકોટ શહેરના સમતોલીત વિકાસ સાથે ઔદ્યોગિક ઝોનમાં પણ જરૂરી સુવિધાઓ પુરી પાડવામાં  મહાનગરપાલિકા દ્વારા સક્રિય કામગીરી કરવામાં આવી રહી છે.

મંત્રીશ્રી વિનોદભાઈ ચાવડા અને અન્ય મહાનુભાવોના હસ્તે વાવડી ખાતે રસ્તાના કામનું શાસ્ત્રોક્ત વિધિથી ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રતિનિધિઓએ મંત્રીશ્રી તેમજ મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, ધારાસભ્યોશ્રી ગોવિંદભાઈ પટેલ અને લાખાભાઇ સાગઠીયા, મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ડો. ધનસુખભાઇ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખશ્રી કમલેશભાઈ મીરાણી, સ્ટે. કમિટીના ચેરમેનશ્રી પુષ્કરભાઈ પટેલ, બાંધકામ સમિતિના ચેરમેનશ્રી  કેતનભાઈ પટેલ, ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, મ્યુનિસિપલ કમિશનરશ્રી અમિત અરોરા, વોર્ડના કોર્પોરેટરશ્રી, પદાધિકારીઓ,  અધિકારીઓ તેમજ વિવિધ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતાં.