
03 Dec 22 : ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ પત્રકાર પરિષદને સંબોધી હતી, જેમાં તેમણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ અને વિપક્ષી પાર્ટીઓના નેતાઓ અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને પીએમ મોદીને ગાળો આપી રહ્યા છે. કર્ણાટકના એક અનુભવીએ તો મોદીજીને ભસ્માસુર પણ કહી દીધા છે. કોંગ્રેસીઓનું નિવેદન તેમની વિચારસરણી દર્શાવે છે. પાત્રાએ પીએમ મોદી પર નિશાન સાધતા વિપક્ષી નેતાઓ પર પણ કટાક્ષ કર્યો હતો.
તેમણે કહ્યું કે ‘જે રીતે વડાપ્રધાન જેવા મહત્ત્વના પદ પર પીએમ મોદી છે, તેમને નીચ, ભસ્માસુર અને ખબર નહીં શું-શું કહેવામાં આવે છે. આનાથી કોંગ્રેસી ઓની વિચારસરણી ખબર પડે છે.’ જે રીતે કોંગ્રેસના નેતાઓ દેશના વડાપ્રધાન માટે અપશબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે તે લોકો દરરોજ ટીવી પર જોઈ શકે છે. તેમણે કહ્યું કે પીએમને ગાળો આપીને કોંગ્રેસે પોતાને ગાળો આપતી પાર્ટી તરીકે સ્થાપિત કરી છે. સંબિત પાત્રાએ કહ્યું કે એક પક્ષના નેતાઓ દ્વારા બીજા પક્ષના નેતાઓ માટે કરવામાં આવતી ટિપ્પણીઓ તે પક્ષના ચરિત્રને દર્શાવે છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન બધાએ સાંભળ્યું છે. હવે કર્ણાટક કોંગ્રેસના નેતા બીએસ ઉગ્રપ્પાએ પીએમ મોદીની તુલના ભસ્માસુર સાથે કરી છે, જે રાક્ષસ છે. સોનિયા ગાંધીએ તો મોદીને મોતના સોદાગર કહ્યા હતા. તેમણે કહ્યું કે તેઓ ગુજરાત અને દેશની જનતાને લોકશાહી ઢબે કોંગ્રેસ પાર્ટીને ખતમ કરવા હાકલ કરે છે.
સંબિત પાત્રાએ કહ્યું, કોંગ્રેસે 100 ગાળો આપી દીધી છે. હવે જનતા જ કૃષ્ણ છે. હવે જનતા કૃષ્ણ બનીને કોંગ્રેસને લોકશાહી ઢબે જવાબ આપશે. પાત્રાએ કહ્યું કે ‘એ વ્યક્તિ ક્યારેય ભસ્માસુર ન હોઈ શકે જેમણે મા નર્મદાનું પાણી સૌરાષ્ટ્રમાં પહોંચાડ્યું.’ પાત્રાએ કહ્યું કે ગાળો આપનાર નહીં કોવિડમાં રસી આપનાર મોટો છે. અહીંથી જ અટક્યા વિના સંબિત પાત્રાએ આમ આદમી પાર્ટીને પણ આડે હાથ લીધી છે. AAP પર નિશાન સાધતા તેમણે કહ્યું કે મનીષ સિસોદિયા અને અરવિંદ કેજરીવાલ જુઠ્ઠાણું ફેલાવવાનું કામ કરે છે. આ જુઠ્ઠાણાનો પર્દાફાશ થવો જોઈએ. આવનારા સમયમાં મનીષ સિસોદિયાને ચોક્કસ ફટકો પડશે. જેમણે એક્સાઇઝ પોલિસીને નજીકથી જોઈ છે તેઓ ચોક્કસપણે સહમત થશે કે મનીષ સિસોદિયાને સખત ફટકો પડશે. તેઓ કાયદા સમક્ષ હાજર થશે.
વધુમાં વાંચો… ‘ભારતને ઈસ્લામિક દેશ બનાવવાનું ષડયંત્ર’, JNU વિવાદ પર બોલ્યા ગિરિરાજ સિંહ
જેએનયુની દીવાલો પર બ્રાહ્મણો અને વાણિયાઓ વિરુદ્ધ ચીતરવામાં આવેલા વિવાદાસ્પદ નારા પર કટાક્ષ કરતા કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે, જેએનયુ ટુકડે-ટુકડે ગેંગ ચલાવનારો રાજકીય પક્ષોનો અડ્ડો બની રહી છે. તેમણે કહ્યું કે દેશમાં ટુકડે-ટુકડે ગેંગ અને ગઝવા-એ-હિંદની સાંઠગાંઠ ચાલી રહી છે અને તેઓ દેશને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે તેઓ ભારતમાં તેમના હેતુમાં સફળ થઈ શકશે નહીં. જેએનયુમાં ચાલી રહેલા વિવાદ પર નારાજગી વ્યક્ત કરતા ગિરિરાજ સિંહે કહ્યું કે સત્તા આવશે અને જશે પરંતુ સનાતન ધર્મની વ્યાખ્યા બદલવાનો પ્રયાસ સદનમાં બેસેલા લોકોએ ન કરવો જોઈએ.
જેએનયુ વિદ્યાનું મંદિર
ગિરિરાજ સિંહે કહ્યું કે કેટલીક કટ્ટરવાદી શક્તિઓ ભારતને ઈસ્લામિક દેશ બનાવવાનું ષડયંત્ર કરી રહી છે. તેમણે કહ્યું કે જેએનયુની દીવાલો પર એ જ લોકો દ્વારા બહુમતીમાં તિરાડ ઊભી કરવા માટે આવા નારા લખવામાં આવ્યા છે. ગિરિરાજ સિંહે વધુમાં કહ્યું કે જેએનયુ શિક્ષણનું મંદિર છે, જેને બદનામ કરવાનું ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે કટ્ટરપંથી લઘુમતીઓ દ્વારા બહુમતીઓને તોડવાનો આ પ્રયાસ ક્યારેય સફળ નહીં થાય.
શું હતો JNUનો મામલો?
વાસ્તવમાં 1 ડિસેમ્બરે સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો વાયરલ થઈ હતી. તસવીરોમાં દિવાલો પર ‘બ્રાહ્મણો કેમ્પસ છોડી દો’, ‘બ્રાહ્મણો-વાણિયાઓ અમે તમારા માટે આવી રહ્યા છીએ, તમને બક્ષવામાં નહીં આવે’ અને ‘શાખા જતા રહો’ જેવા નારા લખેલા જોવા મળ્યા હતા. યુનિવર્સિટી કેમ્પસમાં ચોક્કસ જાતિ વિરુદ્ધ લખવામાં આવેલી આ વાતોને કારણે JNUમાં ફરી એકવાર વિવાદનું વાતાવરણ બની ગયું હતું. યુનિવર્સિટીના કેટલાય વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી સંગઠનોએ JNU કેમ્પસની દિવાલો પર લખેલા બ્રાહ્મણ વિરોધી અને વાણિયા વિરોધી નારાઓ પર નારાજગી વ્યક્ત કરી છે. આ સાથે જ યુનિવર્સિટીમાં બ્રાહ્મણો અને વાણિયાઓ વિરુદ્ધ લખાણો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેના કારણે વિવિધ વિદ્યાર્થી સંગઠનોમાં આક્રોશ છે.