12 Aug 22 : ગુજરાતમાં આમ આદમી પાર્ટી બાદ કોંગ્રેસની મોટી જાહેરાત.

Gujarat Election : આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ રાજકીય પક્ષો દ્વારા મતદારોને રીઝવવાના પ્રયત્નો જોરશોરથી શરૂ કરી દેવામાં આવ્યા છે. હાલમાં જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા ગુજરાતમાં મોટી મોટી સભાઓ દરમ્યાન ‘કેજરીવાલ ની ગેરંટી’ અંતર્ગત મોટી મોટી જાહેરાતો કરવામાં આવી છે. ગુજરાતની પ્રજાને વચનો આપવામાં આવ્યા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ મોટી જાહેરાત કરી દેવામાં આવી છે.

જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે તો, તેઓ ખેડૂતોના દેવા માફ કરશે, તથા ખેડૂતોને દિવસ દરમ્યાન મફત વીજળી આપવામાં આવશે. આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર અને દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ પત્રકાર પરિષદ સંબોધિત કરી હતી. આ પત્રકાર પરિષદમાં કોંગ્રેસ દ્વારા જાહેરાત કરવામાં આવી છે, કે જો 2022 માં કોંગ્રેસની સરકાર બનશે તો તેઓ ખેડૂતોના રૂપિયા 3 લાખ સુધીના દેવા માફ કરશે અને ખેડૂતોને દિવસે 10 કલાક સુધી મફત વીજળી આપવાનું પણ આશ્વાસન આપવામાં આવ્યું છે.

હવે જોવું એ રહ્યું, કે એક તરફ આમ આદમી પાર્ટી દ્વારા વચનો પર વચનો અપાઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસે પણ મેદાનમાં ઉતરીને ગુજરાતની જનતા માટે મોટી જાહેરાત કરી દીધી છે, ત્યારે આ બાબતે ભાજપ શું ખેલો પાડશે તેના પર સૌ કોઈની નજર રહેશે અને ગુજરાતની જનતા કોના તરફેણ માં જશે, તે પણ આવનારો સમય જ બતાવશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ જે રીતે ગેરન્ટી આપી છે તેના પગલે આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણી લક્ષી વાયદાઓ આપ્યા છે. જેમાં ખાસ કરીને ખેડૂત મતદારોને રીઝવવા માટે કોંગ્રેસે મોટી જાહેરાત તેમના દેવા માફીને લઈને કરી છે. ખેડૂતોને મે મહિનામાં ઉનાળુ પાક માટે વીજળી ના મળતા સરકાર સામે ખેડૂતોએ નારાજગી પણ વ્યક્ત કરી હતી ત્યારે કોંગ્રેસ દ્વારા આ મુદ્દાને લઈને ભારે વિરોધ પણ કરાયો હતો ત્યારે આજે નવી જાહેરાત ખેડૂતોને 10 કલાક સુધી વીજળી આપવાને લઈને કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.

આ અંગે વધુમાં વાત કરતા વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ કહ્યું હતું કે, જો કોંગ્રેસ પાર્ટીની સરકાર બનશે તો ખેડૂતોના 3 લાખ સુધીના જે દેવાઓ છે તે માફ કરવામાં આવશે. દિવસ દરમિયાન ખેતરોમાં વીજળી 10 કલાક આપીશું. આ ઉપરાંત એક સમાન વેજ મીટર લાગું કરવામાં આવશે. એટલું જ નહીં, ટેકાના ભાવ કરતા ઓછા ભાવે ખેડૂતોનો પાક ઓછા ભાવે નહીં ખરીદવાનો કાયદો બનાવવાની પણ વાત કોંગ્રેસ દ્વારા ચૂંટણીલક્ષી વાયદાઓમાં કરવા  માં આવી છે. ઉલ્લેખનીય છે કે, ખેડૂતો સિવાય તેમને સહકારી માળખાને પ્રોત્સાહન આપતી જાહેરાત કરી હતી. જેમાં મહિલા મતદારોને રીઝવવા માટે 33 ટકા અનામતનો વાયદો પણ આપવામાં આવ્યો છે.