અમદાવાદમાં IPLની ફાઇનલ નિહાળવા લોકોની પડાપડી, ટિકિટ લેવા માટે સ્ટેડિયમ બહાર ક્રિકેટ પ્રેમીઓનો મેળાવડો જામ્યો

ઇન્ડિયન પ્રીમિયર લીગ-2023 (IPL-2023) તેના અંતિમ તબક્કામાં છે. 16મી સીઝનની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. હાલ પ્લેઓફની મેચ રમાઈ રહી છે. મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સ ફાઇનલમાં પહોંચી ગઈ છે. જ્યારે બીજી ક્વાલિફાયર મેચ રોહિત શર્માની મુંબઈ ઇન્ડિયન્સ અને હાર્દીક પાંડ્યાની ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. જો કે આ મેચ પહેલા જ ફાઇનલ મેચની ટિકિટનું વેચાણ શરૂ થઈ ગયું છે. આઇપીએલની ફાઇનલ મેચ 28 મેના રોજ અમદાવાદ ખાતે રમાશે. આ મેચ માટે ટિકિટનું વેચાણ શરૂ થઈ ગયું છે. આઈપીએલ સીઝન 16ની અંતિમ મેચ જોવા માટે ટિકિટ લેવા લોકોની પડાપડી જોવા મળી રહી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમના ગેટ બહાર ફાઇનલ મેચની ટિકિટ લેવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે. ટિકિટ લેવા માટે લોકોની લાંબી લાઇન જોવા મળી રહી છે. ઓનલાઇન ટિકિટની સુવિધા હોવા છતાં મોટી સંખ્યામાં લોકો ટિકિટ લેવા માટે સ્ટેડિયમની ટિકિટ બારીએ પહોંચ્યા છે.
લોકો દૂર-દૂરથી ટિકિટ લેવા માટે સ્ટેડિયમ પહોંચ્યા. કાળઝાળ ગરમી હોવા છતાં લોકો દૂર-દૂરથી ટિકિટ લેવા માટે સ્ટેડિયમ પહોંચ્યા છે. આ દ્રશ્યો જોઈને દેશમાં આઈપીએલ અને ક્રિકેટ નો ક્રેઝ કેટલો વધુ છે તેની કલ્પના કરી શકાય છે. કેટલાક લોકોનું માનવું છે કે IPL ની આ સીઝન ધોનીની અંતિમ સીઝન છે. આથી ધોની ફેન્સ તેની અંતિમ મેચને નીહાળવાનું મિસ કરવા ઇચ્છતા નથી. આથી તેઓ ફાઇનલ મેચની ટિકિટ લેવા માટે સ્ડેડિયમ બહાર લાંબી લાઇનમાં ઊભા રહ્યા છે.

IPLની ફાઈનલ જોવા આ ત્રણ દેશના ક્રિકેટ બોર્ડ પ્રમુખ આવશે અમદાવાદ, એશિયા કપની યજમાની અંગે થશે ચર્ચા!
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સેક્રેટરી જય શાહે ગુરુવારે જણાવ્યું હતું કે, IPL પછી એશિયા કપ 2023ના ભવિષ્ય પર ચર્ચા કરવામાં આવશે. એશિયા કપની યજમાની અંગેનો મામલો હજુ ઉકેલાયો નથી. જ્યારે પાકિસ્તાન ટુર્નામેન્ટની યજમાની કરવા ઈચ્છે છે, ત્યારે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) નવા યજમાનની શોધમાં છે. વાસ્તવમાં, ACCના પ્રમુખ જય શાહ છે અને તેમણે ગયા વર્ષે જ કહ્યું હતું કે, ભારતીય ટીમ પાકિસ્તાન નહીં જાય. તેમણે કહ્યું હતું કે, તે તટસ્થ દેશમાં થઈ શકે છે. હવે આ મામલે જય શાહે એક નવું અપડેટ આપ્યું છે. તેમણે કહ્યું છે કે, એશિયા કપને લઈને અંતિમ નિર્ણય આઈપીએલ 2023ની ફાઈનલ બાદ લેવામાં આવશે.મીડિયા અહેવાલ મુજબ, જય શાહે કહ્યું કે, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને શ્રીલંકા ક્રિકેટ બોર્ડના સંબંધિત પ્રમુખો 28 મેના રોજ અમદાવાદ આવશે. આ બધા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી ટાટા આઈપીએલ 2023ની ફાઈનલને નિહાળશે. અમે તેમની સાથે એશિયા કપ, 2023ને લઈને ભવિષ્યની કાર્યવાહી નક્કી કરવા ચર્ચા કરીશું. રસપ્રદ વાત એ છે કે તેમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ નજમ સેઠીનું નામ નથી. એટલે કે તેમને આમંત્રણ મોકલવામાં આવ્યું નથી. અગાઉ, શ્રીલંકા ક્રિકેટ (SLC) અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ આ વર્ષની એશિયા કપ ટુર્નામેન્ટને પાકિસ્તાનની બહાર ખસેડવામાં BCCIને ટેકો આપ્યો હતો.
નજમ સેઠી પોતાના દેશમાં એશિયા કપ કરાવવા માટે ઉત્સુક છે. પાકિસ્તાન એશિયા કપને તટસ્થ સ્થળે યોજવાનો વિરોધ કરે છે અને તેણે હાઇબ્રિડ મોડલ પણ ઓફર કર્યું હતું. ‘હાઇબ્રિડ મોડલ’ પર ટુર્નામેન્ટનું આયોજન કરવાના PCBના પ્રસ્તાવને સભ્ય દેશોએ ફગાવી દીધો હતો. આ મોડલમાં કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાન પોતાની તમામ મેચ પોતાના દેશમાં રમશે. તે જ સમયે, ટીમ ઈન્ડિયા તેની મેચ UAE, દુબઈ, ઓમાન અથવા શ્રીલંકામાં રમી શકે છે.
પીસીબીએ લગાવ્યો આરોપ.ACCનું કહેવું છે કે સપ્ટેમ્બર મહિનામાં UAEમાં ભારે ગરમીને કારણે ખેલાડીઓને ઈજા થવાની ભીતિ રહેશે. આવી સ્થિતિમાં શ્રીલંકા છ દેશોની ટૂર્નામેન્ટની યજમાનીની રેસમાં સૌથી આગળ છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ઘણી વખત એવી ધમકી પણ આપી છે કે જો ભારત એશિયા કપ માટે પાકિસ્તાન નહીં આવે તો તેમની ટીમ આ વર્ષે ભારતમાં યોજાનાર વર્લ્ડ કપનો પણ બહિષ્કાર કરશે. આ સિવાય પીસીબીએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે બીસીસીઆઈ પાકિસ્તાન વગર એશિયા કપની તર્જ પર અન્ય એશિયન દેશો સાથે ટૂર્નામેન્ટનું આયોજન કરી રહી છે. જોકે, બીસીસીઆઈએ આ વાતને નકારી કાઢી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નજમ સેઠીનું સ્ટેન્ડ હવે સ્પષ્ટ છે કે જો પાકિસ્તાનમાં એશિયા કપની મેચો નહીં થાય તો પાકિસ્તાનની ટીમ એશિયા કપમાં નહીં રમે.

વધુમાં વાંચો… વિપ્રોના એક્ઝિક્યુટિવ ચેરમેન રિશદ પ્રેમજી પણ મંદીથી પ્રભાવિત! પગાર અડધો થયો !
દેશની સૌથી મોટી આઈટી કંપનીઓમાંની એક વિપ્રોના એક્ઝિક્યુટિવ ચેરમેન રિશદ પ્રેમજીને ગયા વર્ષે અડધો પગાર મળ્યો હતો. રિશાદ પ્રેમજી કંપનીના સ્થાપક અઝીમ પ્રેમજીના પુત્ર છે. કંપનીએ યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશનને આપેલી માહિતીમાં આ વાતનો ખુલાસો કર્યો છે. તદનુસાર, પ્રેમજીએ નાણાકીય વર્ષ 2023માં તેમના વળતરમાં સ્વૈચ્છિક કાપ મૂક્યો છે. ગયા વર્ષે તેમને $951,353 (લગભગ 7,87,13,329 રૂપિયા) મળ્યા, જ્યારે નાણાકીય વર્ષ 2022માં તેમને $1,819,022 (આશરે 15,05,02,787 રૂપિયા) નું વળતર મળ્યું. આ રીતે, વર્ષ 2022ની તુલનામાં, તેમને લગભગ 50 ટકા (રૂ, 8,67,669) ઓછું વળતર મળ્યું. પ્રેમજીના પેકેજમાં $8,61,620નો પગાર અને ભથ્થાં, $74,343ના લાંબા ગાળાના વળતર લાભો અને $15,390ની અન્ય આવકનો સમાવેશ થાય છે. કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, પ્રેમજીના વળતરમાં રોકડ બોનસનો સમાવેશ થાય છે, પરંતુ નાણાકીય વર્ષ 2023માં તેમને કોઈ સ્ટોક ઓપ્શન આપવામાં આવ્યા ન હતા. ફાઇલિંગ મુજબ, ગયા વર્ષે તેમને કોઈ કમિશન ચૂકવવામાં આવ્યું ન હતું કારણ કે કંપની નો ઇન્ક્રીમેન્ટલ કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો નકારાત્મક હતો. રિશદ પ્રેમજી 2007માં કંપનીમાં જોડાયા અને 2019માં કંપનીના એક્ઝિક્યુટિવ ચેરમેન બન્યા. તેમનો પાંચ વર્ષનો કાર્યકાળ 20 જુલાઈ 2024 સુધીનો છે. આ પહેલા તેઓ કંપનીમાં ચીફ સ્ટ્રેટેજી ઓફિસર હતા.
કંપની પરિણામ : ચોથા ક્વાર્ટરમાં વિપ્રોનો ચોખ્ખો નફો 0.4 ટકા ઘટીને રૂ. 3,074 કરોડ થયો છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં 3,087 કરોડ. જોકે, આ સમયગાળા દરમિયાન કામગીરીમાંથી કંપનીની આવક 11 ટકા વધીને રૂ. 23,190 કરોડ થઈ હતી. અમેરિકામાં વધી રહેલા બેંકિંગ કટોકટીથી ભારતીય IT કંપનીઓને પણ અસર થવાની શક્યતા છે. સાથે જ યુરોપમાં પણ મંદીની વકી છે. યુરોપની સૌથી મોટી અર્થવ્યવસ્થા જર્મનીમાં સતત બીજા ક્વાર્ટરમાં જીડીપીમાં ઘટાડો થયો છે. સતત બે ત્રિમાસિક ગાળામાં ઘટાડાને મંદી કહેવામાં આવે છે. વિશ્લેષકો કહે છે કે જો બેન્કિંગ કટોકટી વધુ ઘેરી બનશે તો તેની સૌથી વધુ અસર TCS, Infosys, Wipro અને LTIMindtree પર પડી શકે છે. તેનું કારણ એ છે કે આ કંપનીઓનો સૌથી વધુ બિઝનેસ અમેરિકાની ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂશન સાથે છે.

વધુમાં વાંચો… કેન્દ્ર સરકારે પંજાબના સીએમ ભગવંત માનને આપી Z+ સુરક્ષા, સુરક્ષામાં CRPFના 55 જવાનો તૈનાત રહેશે
કેન્દ્ર સરકારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને Z+ શ્રેણીની સુરક્ષા આપી છે. માહિતી અનુસાર, 49 વર્ષીય માનને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની VIP સુરક્ષા ટુકડી દ્વારા સુરક્ષા પૂરી પાડવામાં આવશે. ભારતમાં ટોપ-ગ્રેડ સુરક્ષા ગણાતી Z+ સુરક્ષા હવે ભગવંત માનને આપવામાં આવશે. હાલમાં જ ગૃહ મંત્રાલયે તેની મંજૂરી આપી છે. CRPF ટૂંક સમયમાં માનની સુરક્ષા સંભાળશે અને આ માટે 55 સશસ્ત્ર જવાનોની ટીમ મોકલવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું છે કે આ સુરક્ષા મુખ્યમંત્રીના નિવાસસ્થાન અને તેમના પરિવારના નજીક ના સભ્યોને આપવામાં આવશે. નોંધપાત્ર વાત એ છે કે ખાલિસ્તાની ગતિવિધિઓને જોતા મુખ્યમંત્રીને ખતરાની આશંકા બાદ માનને આ સુરક્ષા આપવામાં આવી છે. માનની દીકરીને મળી ચુકી છે ધમકીઓ. જાન્યુઆરીમાં ગણતંત્ર દિવસ પહેલા ભગવંત માનને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. આ પછી માર્ચમાં અમેરિકામાં રહેતી તેમની પહેલી પત્ની અને પુત્રીને પણ ધમકીભર્યા ફોન આવ્યા હતા. કહેવામાં આવ્યું હતું કે આ ધમકી તેમને ખાલિસ્તાન સમર્થકોએ આપી હતી. આવી ઘટનાઓને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર સરકારે ભગવંત માન અને તેમના નજીકના સંબંધીઓને Z+ સુરક્ષા પ્રદાન કરવાનો નિર્ણય લીધો છે.
શું હોય છે Z+ સુરક્ષા : ભારતમાં સુરક્ષામાં Z+ સુરક્ષાને શ્રેષ્ઠ ગણવામાં આવે છે. જેને સુરક્ષા મળે છે તેની પાસે 10 થી વધુ NSG કમાન્ડો, પોલીસ કર્મચારીઓ સહિત 55 કર્મચારી ઓનું સુરક્ષા ચક્ર હોય છે. સુરક્ષામાં તૈનાત તમામ કમાન્ડો 24 કલાક ચારે બાજુ કડક નજર રાખે છે. દરેક કમાન્ડો માર્શલ આર્ટમાં નિપુણ તેમજ આધુનિક શસ્ત્રોથી સજ્જ હોય છે. તમને જણાવી દઈએ કે PM મોદી, ગૃહમંત્રી અમિત શાહ, UP CM યોગી આદિત્યનાથ અને RSS ચીફ મોહન ભાગવત સહિત ભારતમાં ઘણા મોટા ચહેરાઓ પાસે Z+ સુરક્ષા છે. હવે તેમાં પંજાબના સીએમ ભગવંત માનનું નામ પણ જોડાઈ ગયું છે.

વધુમાં વાંચો… ગાઝિયાબાદના મોલમાં સેક્સ રેકેટનો પર્દાફાશ, 3 કલાક સુધી ચાલેલા દરોડામાં 99 યુવક-યુવતીઓ ઝડપાયા
ગાઝિયાબાદના લિંક રોડ પોલીસ સ્ટેશન વિસ્તારના પેસિફિક મોલમાં સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. 3 કલાક સુધી ચાલેલા દરોડામાં પોલીસે 99 લોકોને પકડયા છે. સ્પાની આડમાં મોટા પાયે સેક્સ રેકેટ ચલાવવામાં આવી રહ્યું હતું. પોલીસને આ અંગે સતત ફરિયાદો મળી રહી હતી, ત્યારબાદ બુધવારે દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન મોટી સંખ્યામાં યુવક-યુવતીઓને પકડવામાં આવ્યા, જેમને પોલીસ સ્ટેશન લઈ જવા માટે પોલીસે કમિશનરેટમાંથી બસ બોલાવવી પડી.દરોડામાં 60 યુવતીઓ અને 39 યુવકોની અટકાયત કરવામાં આવી. સ્પામાંથી કેટલીક વાંધાજનક વસ્તુઓ પણ મળી આવી છે. પેસિફિક મોલમાં 8 સ્પા સેન્ટરની આડમાં દેહવ્યાપારનો ધંધો ચાલતો હોવાની બાતમી પોલીસને મળી હતી. પકડાયેલા 99 લોકોને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા. આ તમામ ગાઝિયાબાદ, નોઈડા સહિત દિલ્હી-એનસીઆર શહેરોના રહેવાસી છે. ગ્રાહકો અહીં સ્પા કરાવવા માટે આવતા હતા અને તેમને આની ઓફર કરવામાં આવતી હતી.
એવી પણ માહિતી છે કે 60માંથી કેટલીક યુવતીઓ પાસેથી જબરદસ્તી આ કામ કરાવવામાં આવી રહ્યું હતું. પોલીસ તપાસમાં લાગેલી છે કે આખરે આ ધંધો ક્યારથી ચાલી રહ્યો હતો અને તેનું માસ્ટર માઈન્ડ કોણ છે. શું અહીં અશ્લીલ વીડિયો તો બનાવાતા ન હતા. હવે પોલીસ કસ્ટડીમાં લેવામાં આવેલા યુવક-યુવતીઓની પૂછપરછ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે ટૂંક સમયમાં સ્પા સેન્ટરોની તપાસ માટે અભિયાન ચલાવવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here