
સુરત સાયબર ક્રાઈમ પોલીસે ગુજરાતમાં પ્રથમ બોલતા સાયબર ગણેશજીની સ્થાપના કરી છે. સુરતમાં તેની સ્થાપનાની સાથે જ શહેરના લોકોને સાયબર ક્રાઈમ અંગે જાગૃતિ સ્વરૂપે વિવિધ ટિપ્સ આપવામાં આવશે. સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
પોલીસે કહ્યું કે, આ પહેલીવાર છે જ્યારે ભગવાન શ્રી ગણેશ લોકોને સાયબર ક્રાઈમ સંબંધિત જાગૃત રહેવા માહિતી આપશે, જેમાં લોકોને જણાવવામાં આવશે કે તેઓએ સાયબર ક્રાઇમથી બચવા શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. દર્શન કર્યા બાદ તેમને પ્રસાદના રૂપમાં સંદેશ પણ મળશે, જેમાં લખવામાં આવશે કે સાયબર ક્રાઈમથી બચવા માટે કઈ વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. આ વખતે લોકો સુરત શહેર સાયબર સેલમાં શ્રી ગણેશજીનો અવાજ સાંભળી શકશે. સુરત સાયબર ક્રાઈમના એસીપી વાય.એ.ગોહિલે જણાવ્યું હતું કે, ભગવાનના દર્શન કર્યા બાદ લોકોને પ્રસાદમાં એક કાર્ડના રૂપમાં ટિપ્સ આપવામાં આવશે. એક તરફ સોશિયલ મીડિયા સંબંધિત ટિપ્સ લખેલી હશે અને બીજી બાજુ ટેક્સ કોડ હશે, જેને લોકો સ્કેન કરીને તે વીડિયો જોઈ શકશે, જેમાં સાયબર ફ્રોડથી બચવા માટે વિવિધ મહત્ત્વની માહિતી આપવામાં આવશે.
ઉદ્ઘાટન બાદ 100થી વધુ લોકોએ આવીને દર્શન કર્યા હતા. ઉપરાંત રસ્તા પર આવતા-જતા લોકોએ પણ તેને જોઈને દર્શન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને તેઓ દર્શન માટે ગયા હતા. પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયો અનુસાર શ્રી ગણેશ સંદેશ આપી રહ્યા છે. આ સંદેશ શહેરના તમામ મુલાકાતીઓ અને લોકોને જાગૃતિ તરીકે આપવામાં આવી રહ્યો છે. આ પ્રયત્નથી શહેરને સાયબર સેફ સિટી બનાવવામાં મહત્ત્વની મદદ મળશે.
લોકસભામાં મહિલા અનામત બિલ પાસ થઈ જતા પાટણ જિલ્લા ભાજપ મહિલા મોરચાની બહેનો દ્વારા ફટાકડા ફોડી ખુશી વ્યકત કરવામાં આવી
કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.ત્યારે મહિલા ઓ માટે 33% અનામત બીલ ને સમર્થન પ્રાપ્ત થતાં મહિલાઓ માં ખુશી નો માહોલ છવાયો છે. 33℅ મહિલા અનામત મુદ્દે સમર્થન મળવાની ખુશી માં બુધવારે સાંજે શહેર ના બગવાડા દરવાજા ખાતે પાટણ જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા આતિશબાજી નો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. પાટણ જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા આયોજિત કરાયેલ આતસબાજી ના કાર્યક્રમ માં પ્રદેશ ભાજપ ના મહિલા અગ્રણી યોગીની બેન વ્યાસ,પાટણ નગર પાલિકા પ્રમુખ હિરલ બેન પરમાર, ઉપપ્રમુખ હીના બેન શાહ, પૂર્વ પાલિકા પ્રમુખ સ્મિતા બેન પટેલ સહિત મોટી સંખ્યા માં પાટણ જિલ્લા ભાજપ મહિલા મોરચા ની બહેનો ઉપ સ્થિત રહી હતી. પાટણ જિલ્લા મહિલા મોરચા ની બહેનો ની ખુશી માં સહભાગી બનવા જિલ્લા ભાજપ પ્રમુખ ડો. દશરથજી ઠાકોર , શહેર પ્રમુખ કિશોર ભાઈ મહેશ્વરી સહિત ભાજપ ના આગેવાનો , કાર્યકરો પણ મોટી સંખ્યામાં બગવાડા દરવાજા ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને મહિલાઓ ને 33℅ અનામત મળવાની શુભેચ્છા ઓ પાઠવી હતી.
રાજ્યના મુખ્ય ૨૦૭ જળ પરિયોજનાઓમાં ૯૩.૪૪ ટકા જળસંગ્રહ : સરદાર સરોવર પરિયોજનામાં ૯૯.૭૩ ટકા જળસંગ્રહ
રાજ્યમાં વરસી રહેલા વરસાદને કારણે રાજ્યના મહત્વની ૨૦૭ જળ પરિયોજનાઓમાં ૯૩.૪૪ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં ૩,૩૩,૧૭૦ એમ.સી.એફ.ટી. જળસંગ્રહ છે જે કુલ જળસંગ્રહ શક્તિના ૯૯.૭૩ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. સ્ટેટ ફ્લડ કન્ટ્રોલ સેલ, ગાંધીનગરના અહેવાલમાં જણાવ્યાનુસાર તા. ૨૦ સપ્ટેમ્બર, ૨૦૨૩ની સ્થિતિએ રાજ્યભરમાં ૫૪ જળાશયો એવા છે કે જેમાં ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. ૯૦ જળાશયોમાં (સરદાર સરોવર સહિત) ૭૦ % થી ૧૦૦ % જળસંગ્રહ, ૨૯ જળાશયોમાં ૫૦ ટકાથી ૭૦ ટકા જળસંગ્રહ, ૨૩ જળાશયોમાં ૨૫ ટકાથી ૫૦ ટકા જળસંગ્રહ, ૧૦ જળાશયોમાં ૨૫ ટકા કરતાં ઓછો જળસંગ્રહ થયો છે. જેમાં ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયો, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયો, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયો, કચ્છના ૨૦ જળાશયો તથા સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોનો સમાવેશ થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં થઈ રહેલા વરસાદના પરિણામે ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ થયેલા ૫૩ જળાશયો તથા ૯૦ ટકાથી ૧૦૦ ટકા જળસંગ્રહ થયેલા ૫૧ જળાશયો મળી કુલ ૧૦૪ જળાશયો હાઈ એલર્ટ પર છે. જયારે ૮૦ ટકાથી ૯૦ ટકા જળસંગ્રહ ધરાવતા ૨૨ જળાશયો એલર્ટ પર અને ૭૦ ટકાથી ૮૦ ટકા જળસંગ્રહ ધરાવતા ૧૭ જળાશયોને સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.
“ચંદ્ર પર ભારત અને ભીખ માંગતું પાકિસ્તાન”, ભૂતપૂર્વ પીએમ નવાઝ શરીફે કર્યા ભારતના વખાણ
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફે ભારતના વખાણ કર્યા અને બીજી તરફ તેમના દેશના ભૂતપૂર્વ જનરલો અને ન્યાયાધીશોની ટીકા કરી. તેમણે કહ્યું કે આપણો પાડોશી દેશ ભારત ચંદ્ર પર પહોંચી ગયો છે અને આપણે બીજા દેશોની સામે ભીખ માંગતા ફરી રહ્યા છીએ. નવાઝે કહ્યું કે અત્યારે ભારતે G-20 દેશોની શાનદાર મેજબાની કરી છે અને સમગ્ર વિશ્વમાં તેની પ્રશંસા થઈ રહી છે. પરંતુ કેટલાક લોકોના કારણે આપણા દેશને બીજા પાસે મદદ માટે ભીખ માંગવી પડી રહી છે. પાકિસ્તાન માટે હાથ ફેલાવવાની સ્થિતિ આવી ગઈ છે.
ટૂંક સમયમાં પાકિસ્તાન પરત ફરવાની જાહેરાત કરવાની સાથે તેમણે વીડિયો સંદેશ દ્વારા પોતાના દેશના લોકોને સંદેશ પણ આપ્યો. નવાઝે કહ્યું કે તે 21 ઓક્ટોબરે પાકિસ્તાન પરત ફરશે. તમને જણાવી દઈએ કે પૂર્વ પીએમ નવાઝ શરીફને 2019માં અલજાઝિયા ભ્રષ્ટાચાર કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને કોર્ટે તેમને 7 વર્ષની સજા સંભળાવી હતી. ત્યારથી તે લંડનમાં નિર્વાસિત જીવન જીવી રહ્યા છે. તેમણે પોતાની હકાલપટ્ટી માટે પાકિસ્તાનના ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવા અને તત્કાલીન ISI ચીફ જનરલ ફૈઝ હમીદને જવાબદાર ગણાવ્યા છે.
ભારતની અર્થવ્યવસ્થા 1 બિલિયન ડૉલરથી 600 બિલિયન ડૉલર પર પહોંચી ગઈ
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે પણ પીએમ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વની 5મી સૌથી મોટી આર્થિક શક્તિ બનવાની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે જ્યારે ભારત રત્ન પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયી પહેલીવાર દેશના વડાપ્રધાન બન્યા ત્યારે ભારતનું વિદેશી હૂંડિયામણ ભંડાર માત્ર 1 અબજ યુએસ ડૉલર હતું. પરંતુ હવે મોદી શાસનમાં તે અણધારી રીતે વધીને 600 બિલિયન ડૉલર થઈ ગયું છે. નવાઝે કહ્યું કે આ ભારતની અત્યાધુનિક નીતિઓ અને મજબૂત નેતૃત્વનું પરિણામ છે. જ્યારે પાકિસ્તાનને ભૂતપૂર્વ ન્યાયાધીશો અને ભૂ.પૂ. જનરલોએ ગરીબ બનાવી દીધું છે. પાકિસ્તાનની અર્થવ્યવસ્થા બરબાદ થઈ ગઈ છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનને આ સ્થિતિમાં લાવવા માટે તેમના દેશના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ સાકિબ નિસાર અને ભૂતપૂર્વ આર્મી ચીફ આસિફ સઈદ ખોસનો ગુનો હત્યા કરતાં પણ વધુ છે. પાકિસ્તાન તેમને ક્યારેય માફ નહીં કરી શકે.
સૌરાષ્ટ્ર યુનિ. ફરી વિવાદમાં! ગર્લ્સ હોસ્ટેલ માટે પરિપત્ર જાહેર કરી ટૂંકા વસ્ત્રો પહેરવા પર લગાવ્યો પ્રતિબંધ, વિદ્યાર્થિનીએ કહ્યું- મેરિટ લિસ્ટનો ગોટાળો…
રાજકોટ ખાતે આવેલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર ચર્ચામાં આવી છે. યુનિવર્સિટી દ્વારા ગર્લ્સ હોસ્ટેલ માટે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં વિદ્યાર્થિનીઓને ટૂંકા વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. પરિપત્રમાં અલગ-અલગ 28 જેટલા નિયમનું પાલન કરવાનું વિદ્યાર્થિનીઓને કહેવામાં આવ્યું છે. આ મામલે વિદ્યાર્થિનીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પ્રાર્થના હોલ અને ડાઇનિંગ હોલમાં ટૂંકા વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તંત્ર દ્વારા ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓ માટે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં પ્રાર્થના હોલ અને ડાઇનિંગ હોલમાં વિદ્યાર્થીનીઓેને ટૂંકા વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ લગાવ્યો છે અને મર્યાદામાં વસ્ત્રો પહેરવાની સૂચના અપાઈ છે. સૂત્રો મુજબ, ગર્લ્સ હોસ્ટેલની ફી સત્ર દીઠ રૂ. 1 હજાર અને વીજળી ખર્ચ સત્ર દીઠ રૂ. 500 નક્કી કરાયા છે. પરિપત્રમાં અલગ અલગ 28 જેટલા નિયમોનું પાલન કરવાનું પણ કહેવાયું છે.
‘મેરિટ લિસ્ટના ગોટાળા પરથી ધ્યાન ડાયવર્ટ કરવાના પ્રયત્નો’. સૌરાષ્ટ્ર યુનિ.ના ઈન્ચાર્જ કુલપતિ ડો. ગિરીશ ભીમાણીએ આ અંગે કહ્યું હતું કે, માત્ર ભોજન લેવા જાય ત્યારે કારણ કે મેસમાં માત્ર મહિલાઓ ન હોય રસોઈ બનાવનારા પુરુષો પણ હોય તો એનું પણ એક ધ્યાન રાખવું જોઈએ અને પ્રાર્થના હોલમાં ટૂંકા વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ લગાવાયો છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, આ નિયમ ગર્લ્સ અને બોયસ એમ બંન્નેને લાગુ પડે છે અને આ પરિપત્ર નહીં માત્ર નિયમો છે. બીજી તરફ એક વિદ્યાર્થિનીએ આરોપ લગાવતા કહ્યું કે, મેરિટ લિસ્ટમાં જે ગોટાળા થયા છે તેને દબાવવા માટે અને ડાયવર્ટ કરવા માટે આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થિનીએ કહ્યું કે, કઈ જગ્યાએ કેવા કપડા પહેરવા જોઈએ તેની દરેક બહેનોમાં સમજણ છે.