૧૪ ડિસેમ્બર એટલે રાષ્ટ્રીય “ઊર્જા સંરક્ષણ” દિવસ, ઉર્જાના સદ્ઉપયોગ સાથે તેનું સંરક્ષણ અતિ આવશ્યક

14 Dec 22 : સૃષ્ટિચક્રની સુગમ ગતિ અને દરેક જીવના કલ્યાણ હેતુ ઉર્જાના સદ્ઉપયોગ સાથે તેનું સંરક્ષણ અતિ આવશ્યક છે. જેને અનુલક્ષીને દર વર્ષે તા. ૧૪ ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેની શરૂઆત વર્ષ ૧૯૯૧થી કરવામાં આવી હતી.

ઉર્જાના સંરક્ષણ વિશે વાત કરતાં પહેલાં ઉર્જા શબ્દની ઉત્પતિ વિશે જાણીએ તો મૂળ ગ્રીક ભાષાના ‘એનર્જિયા’ શબ્દ ઉપરથી ઊર્જા શબ્દ અસ્તિત્વમાં આવ્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે પૃથ્વી, સૌરમંડળ અને બ્રહ્માંડના સંચાલન માટે ઉર્જાની જરૂર પડે છે. ઉર્જા વિવિધ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. જેમાં સ્થિતિ, ગતિ, ઉષ્મીય, વિદ્યુત, રાસાયણિક, નાભિકીય સહિતની ઉર્જાના સ્વરૂપો છે. ઉર્જાની પ્રાપ્તિના મુખ્યત્વે બે સ્ત્રોતો છે. જેમાં પુનઃપ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય સ્ત્રોતનો સમાવેશ થાય છે.

એક સમય એવો હતો કે જ્યારે મનુષ્ય સૌર ઉર્જા, પવન ઉર્જા અને જળ ઉર્જા જેવી કુદરતી ઉર્જાનો સંયમ પૂર્વક ઉપયોગ કરીને સાદગી પૂર્વક પોતાનું જીવન વ્યતિત કરતો. ઉદાહરણ રૂપે લઈએ તો પથ્થર ઘસવાથી અગ્નિ ઉર્જાને પ્રાપ્ત કરતો મનુષ્ય હિંસક પશુઓથી રક્ષણ મેળવીને પોતાના જીવનનું અસ્તિત્વ ટકાવતો હતો. જ્યારે આજે ડિઝીટલ યુગમાં દરેક કુદરતી ઉર્જાઓને ટેક્નોલોજી સાથે ભેળવીને વિવિધ સંશોધનો સાથે સુખાકારીના વધારા સાથે જીવન પસાર કરી રહ્યો છે. જેનું સચોટ ઉદાહરણ છે સોલાર પેનલ ટેક્નોલોજી.

જો કે, કોઈપણ વસ્તુના સારા અને નરસા પાસાઓ રહેવાના. જે ઉર્જા આપણા મનુષ્ય જીવનને ટકાવવા માટે ખુબ જરૂરી છે તેનું જ મહત્વ ભૂલીને આપણે ટેક્નોલોજીનો વધુ પડતો ઉપયોગ કરીને ઉર્જાનો વ્યય પણ કરી રહ્યા છે. ત્યારે ઉર્જાએ માનવ જીવનનો અભિન્ન હિસ્સો બની ગયો હોવાથી દેશના દરેક ક્ષેત્રો ઉર્જાના મુલ્યને સમજી અને સદ્ઉપયોગ કરવા માટે જાગૃત થાય તે માટે વર્ષ ૨૦૦૧માં ઊર્જા સંરક્ષણ અધિનિયમ અમલમાં મૂકવામાં આવ્યો હતો. જેના અંતર્ગત બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સીની સ્થાપના કરી હતી, જે એક બંધારણીય સંસ્થા છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યનો ઊર્જા સંરક્ષણ ક્ષેત્રે મહત્વનો ફાળો છે. જે અંતર્ગત મહેસાણા ખાતેના ભારતના સૌ પ્રથમ સતત સૌર ઉર્જાથી સંચાલિત મોઢેરા ‘સૂર્ય ગ્રામ’ તરીકે ઓળખાય છે, કેમ કે આખું ગામ સૂર્ય ઉર્જાથી ચાલતું ગામ છે. આ ઉપરાંત ગુજરાત રાજ્ય ૧૬૦૦ કિમી જેટલો વિશાળ દરિયા કિનારો ધરાવતું રાજ્ય હોવાથી પવન ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે છે અને દેશમાં પવન ઉર્જા ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ ગુજરાત પ્રથમ ક્રમાંકે આવ્યું છે. કચ્છ સરહદે વિકાસનો સૂર્યોદય ગુજરાતનો પ્રથમ સોલાર સંચાલિત મિલ્ક પ્લાન્ટ તેમજ કચ્છના ખાવડામાં દેશનો સૌથી મોટો સોલાર પાર્ક ઉર્જા સંરક્ષણનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

આમ ઉર્જા સંરક્ષણ ક્ષેત્રે સરકાર દ્વારા થતાં પ્રયાસોમાં સાથ પુરાવીને જાગૃત નાગરિકો બનીને ઉર્જાના સદ્ઉપોયગ થકી ઉર્જાના સંરક્ષણ સાથે સૃષ્ટિચક્ર અને રાષ્ટ્રના ભવિષ્યને પ્રકાશમય બનાવીએ.

વધુમાં વાંચો… રાજકોટમાં પ્રસુતાને એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસુતિ કરાવી જીવન રક્ષક બનતી “૧૦૮ ઈમરજન્સી સેવા”

રાજકોટના પુનીતનગર વિસ્તારમાં રહેતા પ્રસુતા પૂજાબેન સાદમીયાને પ્રસુતિની પીડા ઉપડતા તેમના પરિજનોએ મહિલાને હોસ્પિટલ પહોંચાડવા માટે ભારે તકલીફનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ ઉદભવતા ૧૦૮ને જાણ કરવામાં આવી હતી. આ પ્રસવ કેસ અંગે વધુ માહિતી આપતા ૧૦૮ના જિલ્લા સુપરવાઈઝરશ્રી વિરલ ભટ્ટએ જણાવ્યું હતું કે, ૧૦૮ની રીંગ રણકતા જ ગણતરીની મિનિટોમાં જ ૧૦૮ની ટીમના ઈએમટી આસ્થા અગ્રાવત પાયલોટ ગોપાલભાઈ ડાંગર સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પીડા અસહ્ય હોવાથી ૧૦૮ સાઈડમાં જ ઉભી રાખી એમ્બ્યુલન્સમાં રહેલા સ્ટાફે ડો. જિતેન્દ્ર પરમારની ઓનલાઈન મદદ મેળવી એમ્બ્યુલન્સમાં જ સફળતાપૂર્વક પ્રસુતિ કરવામાં આવી હતી.

૧૦૮ના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકરે ઉમેર્યું હતું કે, રાજકોટ જિલ્લાની ૧૦૮ સેવા દ્વારા અનેકવાર પ્રસુતા માતાને સેવા આપવામાં આવી છે. જે પ્રસુતા માતા મૃત્યદર ઘટાડવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ છે. ૧૦૮ની સેવા થકી જિલ્લાના અંતરીયાળ અને છેવાડાની પ્રસુતા માતાના ઘરના ઉમરા સુધી પહોંચીને યોગ્ય હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યા છે તથા જરૂર પડ્યે એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસૂતિ કરાવવામાં આવે છે. આ રીતે ખરા અર્થમાં ૧૦૮ની ઈમરજન્સી એમ્બુલન્સ સેવા એ એક માતા જે રીતે પોતાના બાળકની સંભાળ રાખે તે રીતે કાળજી રાખીને એક માતાની ગરજ સારવાની પણ ભૂમિકા ભજવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વધુ સારવાર અર્થે આ મહિલાને રાજકોટની પદ્માકુંવરબા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર તબીબોએ મહિલાને બાકીની સારવાર આપી હતી. હાલ નવજાત શિશુ તથા માતા બંને સંપૂર્ણપણે સ્વસ્થ છે અનેક લોકોને મોતના મુખેથી ઉગાવનાર ૧૦૮ના સ્ટાફે એમ્બ્યુલન્સમાં જ સફળતાપૂર્વક પ્રસુતિ કરાવી આ મહિલાનો જીવ બચાવી લેતા ૧૦૮ની સચોટ કામગીરીની નોંધ લઈ તેણીના પરિવારે ૧૦૮ની સમગ્ર ટીમનો હૃદયપૂર્વકનો આભાર વ્યકત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here