૨૩ ડિસેમ્બર રાષ્ટ્રીય કિસાન દિવસ

23 Dec 22 : ભારતના પાંચમા વડાપ્રધાન ચૌધરી ચરણસિંહની જન્મજયંતિ નિમિત્તે દર વર્ષે ૨૩ ડિસેમ્બરને ભારતમાં ‘રાષ્ટ્રીય કિસાન દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. ચૌધરી ચરણસિંહજીની જન્મજયંતિ સમગ્ર ભારતમાં ૨૦૦૧થી ‘ખેડૂત દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ નિમિત્તે દેશમાં ખેડૂતો અને તેમના કામની ઉજવણી કરવામાં આવે છે. ભારત મુખ્યત્વે કૃષિ આધારિત દેશ છે, રાષ્ટ્રીય અર્થવ્યવસ્થા અને ભારતના નાગરિકો દેશના વિકાસને ટકાવી રાખવા માટે ખેડૂતો પર ખૂબ આધાર રાખે છે. ભારતના લગભગ અડધા ગ્રામીણ પરિવારો ખેતીમાં હિસ્સો ધરાવે છે. ૨૦૧૯ સિચ્યુએશન એસેસમેન્ટ સર્વે (SAS) અનુસાર, ગ્રામીણ ભારતમાં ૯૩.૧ મિલિયન કૃષિ પરિવારો છે.

“ખેતરમાં અથવા બાગાયતી પાકો, પશુધન અથવા રૂ. ૪૦૦૦ કરતાં વધુ મૂલ્યની અન્ય નિર્દિષ્ટ કૃષિ પેદાશોનું ઉત્પાદન કર્યું હોય અને સર્વેક્ષણ પહેલાના ૩૬૫ દિવસમાં કૃષિમાં સ્વરોજગાર ધરાવતા સભ્ય હોય તેમને કૃષિ પરિવાર તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે.” આ કૃષિ પરિવારોના ઉત્થાનના પાયામાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રીનું અનન્ય યોગદાન છે.

દર વર્ષે આ અવસર પર દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમો ખેડૂત સમુદાય પર નોંધપાત્ર અસર કરે છે અને તેમની આકાંક્ષાઓ અને માંગણી ઓને અવાજ આપવા માટે પ્લેટફોર્મ પ્રદાન કરે છે.કૃષિ વૈજ્ઞાનિકો ખેડૂતોને તેમના ઉત્પાદનને મહત્તમ કરવામાં મદદરૂપ થવા ટેકનોલોજી અને વિજ્ઞાનમાં નવીનતમ પ્રદર્શન કરે છે. સરકાર વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરીને ખેડૂતોને ટેકો પણ આપે છે જેમાં વિજેતાઓને ઈનામો આપવામાં આવે છે.

વર્તમાન સમયમાં ભારત સરકાર દ્વારા ખેડૂતો અને ખેતીના ઉત્થાન માટે રાજ્ય અને કેંદ્રના સહયોગ દ્વારા અનેક યોજનાઓ અમલવારી છે. ભારતના ખેડૂતને યોજનાઓ, સબસિડી ના વિવિધ લાભો દ્વારા વાવેતરથી વેંચાણ સુધી તમામ સ્તરે સહાય પૂરી પાડવામાં આવે છે. માત્ર રાજકોટ જિલ્લામાં જ પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના દ્વારા ૨ લાખ ૨૨ હજાર ૯૮૭ ખેડૂતોને ૧૩ હજાર ૩૭૯ લાખની સહાય આપવામાં આવી છે.તો વિવિધ રાજ્ય સરકાર દ્વારા પણ અનેક યોજનાઓનો લાભ આપી ખેડૂતોને સમૃધ્ધ બનાવવા સરકારની નેમ છે.

ચૌધરી ચરણસિંહ વિષે નાની ઝલક

ચૌધરી ચરણસિંહનો જન્મ ૨૩ ડિસેમ્બર,૧૯૦૨ના રોજ ઉત્તર પ્રદેશમાં એક મધ્યમ વર્ગના ખેડૂત પરિવારમાં થયો હતો. મહાત્મા ગાંધીના અહિંસાના વિચારથી પ્રભાવિત થઈને સિંહે સ્વતંત્રતા ચળવળમાં પ્રવેશ કર્યો. આઝાદી પછી, તેમણે પોતાને ગ્રામીણ વિસ્તારોમાં સમાજવાદ સાથે જોડ્યા હતા.

તેઓ ઉત્તર પ્રદેશમાં જમીન સુધારણાના મુખ્ય ઘડવૈયા હતા. તેમણે જમીનદારી પ્રથા નાબૂદ કરાવી હતી. તેમણે દેવું મુક્તિ વિધેયક ૧૯૩૯ની રચના અને અંતિમ સ્વરૂપમાં અગ્રણી ભાગ લીધો, આ વિધેયક એ ગ્રામીણ દેવાદારોને મોટી રાહત આપી હતી. ભારતના કૃષિ સુધારામાં ભૂતપૂર્વ વડાપ્રધાનનું યોગદાન સીમા ચિહ્નિત રૂપ છે. ચૌધરી ચરણસિંહને સમગ્ર દેશમાં ખેડૂતોના ઉત્થાન અને કૃષિના વિકાસ માટેના તેમના કાર્ય માટે ‘ભારતના ખેડૂતોના ચેમ્પિયન’નો ખિતાબ આપવામાં આવ્યો હતો. તેમણે ખેડૂતોના ઉત્થાન પર અનેક પુસ્તકો પણ લખ્યા છે. કેટલાક અગ્રણી શીર્ષકો છે – ‘જમીનદારી નાબૂદી’, ‘સહકારી ખેતી X’, ‘પ્રિવેન્શન ઓફ ડિવિઝન ઓફ હોલ્ડિંગ્સ બિલો અ સર્ટેઈન મિનિમમ’.

વધુમાં વાંચો… શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાન – રાજકોટ અમૃત મહોત્સવ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં સહજાનંદ નગર બન્યું પ્રાકૃતિક ખેતીનું પ્રેરણાધામ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાન – રાજકોટ અમૃત મહોત્સવ અંતર્ગત મવડી કણકોટ રોડ પર નિર્મિત સહજાનંદ નગર ખાતે આયોજિત ખેડૂત સંમેલનમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે રાજ્યભરમાંથી આવેલા ૧૦,૦૦૦ જેટલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું મહાત્મ્ય સમજાવી માર્ગદર્શિત કર્યા હતા. રાજ્યપાલશ્રી એ પ્રાકૃતિક ખેતીનું મહત્વ અને જરૂરિયાત સમજાવતા કહ્યું હતું કે, એક સમયે અનાજની જરૂરિયાતને પહોંચી વળવા હરિત ક્રાંતિની જરૂરિયાત હતી, પરંતુ રાસાયણિક ખાતરના વપરાશના કારણે પર્યાવરણ જળ-વાયુ અને માનવ શરીરને નુકસાન સહન કરવું પડ્યું છે. કેન્સર સહિતના રોગોમાં અપ્રમાણસર વધારો જોવા મળી રહ્યો છે માટે હવે સમયની જરૂરિયાત છે કે હવે આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે.

પ્રાકૃતિક ખેતી થી કૃષિ ઉત્પાદન ઘટે છે તે વાત બિલકુલ ખોટી છે તેમ કહી રાજ્યપાલશ્રીએ સ્વાનુભવ જણાવ્યો હતો કે પૂર્ણ જ્ઞાન સાથે પ્રાકૃતિક ખેતી કરવામાં આવે તો ઉત્પાદન માં સતત વધારો થતો રહે છે. આ ઉપરાંત જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચેનો ભેદ પણ તેમણે સમજાવ્યો હતો.

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂતોના ઉત્કર્ષ અને સમૃદ્ધિના સ્વપ્નને પરિપૂર્ણ કરવા માટે પ્રાકૃતિક ખેતી એકમાત્ર વિકલ્પ હોવાનું રાજ્યપાલશ્રી એ જણાવ્યું હતું. રાજ્યપાલ શ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે રાસાયણિક ખાતરના સતત વપરાશને કારણે જમીન બંજર બનતી જાય છે તેમજ ઉત્પાદન વધારવા માટે વધુ ને વધુ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવો પડે છે જેના પરિણામે કીટકો અને અળસિયા જેવા જીવ મિત્રો નાશ પામે છે, ઓર્ગેનિક કાર્બનમાં ઘટાડો સતત થઈ રહ્યો છે. દેશી ગાયોનો ક્રમશ ઘટાડો થઈ રહ્યો છે, શુદ્ધ દૂધ મળવાનું ઘટી રહ્યું છે આ તમામ પરિબળોમાંથી બહાર આવવા માટે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અનિવાર્ય છે તેમ રાજ્યપાલશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું.

રાજ્યપાલશ્રીએ સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાન દ્વારા સંસ્કૃતિ, વૈદિક પરંપરા અને સંસ્કાર સિંચન સાથે શિક્ષણની પ્રવૃત્તિ તેમજ વૃક્ષારોપણ, જળ સંરક્ષણ, ગૌ સેવા, પ્રાકૃતિક ખેતી અભિયાન સહિતની પ્રવૃત્તિઓને બિરદાવી હતી. આ પ્રસંગે પ્રાકૃતિક ખેતીને સમજાવતુ રૂપક તેમજ ઓડિયો વિઝ્યુઅલ ફિલ્મ નિદર્શન કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા રાજ્યપાલશ્રીનું ધર્મ જીવન અમૃત કુંભથી બહુમાન કરાયુ હતુ઼. મહંતશ્રી દેવપ્રસાદજી સ્વામીએ પ્રાકૃતિક ખેતીનું મહાત્મય સમજાવ્યું હતું. ગુજરાત પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીના શ્રી સિ઼. કે. ટીંબડિયાએ પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન તેમજ આત્મા પ્રોજેક્ટના ઓ.એસ.ડી. શ્રી દિનેશ પટેલએ પ્રાકૃતિક ખેતી અંગે સરકારશ્રીના પ્રયત્નોની માહિતી આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે સ્વામિનારાયણ સંસ્થાન દ્વારા પણ પ્રાકૃતિક ખેતીને વેગ મળે તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ તકે ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી કરવાના તેમજ અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરણા આપવા માટેના શપથ લીધા હતા.

ગુરુવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી, મહંતશ્રી દેવ પ્રસાદજી સ્વામી, મહંતશ્રી ધર્મવલ્લભ સ્વામી, ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા, પૂર્વ ધારાસભ્યશ્રી ગોવિંદભાઈ પટેલ, કલેકટરશ્રી અરુણ મહેશ બાબુ, પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટરશ્રી વાદી, અગ્રણીઓશ્રી રાકેશ દુધાત, લાલજીભાઈ પટેલ, ધીરુભાઈ કોટડીયા સહીત સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મહંતો અને વિશાળ સંખ્યામાં ખેડૂત ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here