દિલ્હી મોડેલ v/s ગુજરાત મોડેલ : કાણાં ને કાણોં જ કહીએ ભલે ખોટું લાગે વેણ….

22 Aug 22 : પત્રકાર ‘નિષ્પક્ષ’ નહીં ‘પ્રજા-પક્ષી’ હોવો જોઇએ. ‘પ્રજા-પક્ષી’ પત્રકારની નજરે દૂધનું દૂધ ને પાણીનું પાણી : અનિરુદ્ધ નકુમ

ગુજરાતમાં ઘડીયા-લગ્નની જેમ ચૂંટણીનાં ઢોલ ઢબૂકતા થયા હોઇ, દહીં-દૂધમાં પગ રાખ્યા વિનાં પ્રજાનાં વ્યાપક હિતમાં પેટછૂટી ચોખવટ કરવાનને હું મારો પત્રકારિતા-ધર્મ સમજુ છું. એક ગુજરાતી હોવાનાં નાતે ગુજરાત મને વનરાવન (વૃંદાવન)થીય રૂડું લાગે એ સ્વાભાવિક છે પણ ગંગાની ગંદકીનેય પવિત્ર ગણવા જેવી અંધશ્રધ્ધા વધારે પડતી ગણાય. આજે મારે વાત દિલ્હી-મોડૅલની કરવી છે. આમ આદમી પાર્ટી કે અરવિંદ કેજરીવાલ માટે નહીં, આપણાં ગુજરાતની ઉજ્જવળ આશા માટે! આપણે સ્થાનિક રાજકીય પાર્ટીઓને લગભગ ગુજરાત (મહારાષ્ટ્ર માંથી) સ્વતંત્ર થયું ત્યારથી ઓળખીએ છીએ. બલ્કે કહું કે પગથી માથાં સુધી ઓળખી ચૂકયા છીએ. તેની તુલનામાં દિલ્હીનાં અરવિંદ કેજ રીવાલની આમ આદમી પાર્ટી ભલે ઓછી જાણિતી લાગે પણ તે અવગણવા જેવી તો નથી જ નથી. તાજેતરમાં પત્રકાર તરીકે મારે દિલ્હીનાં પ્રવાસે જવાનું થયું અને સગ્ગી આંખે જે નિહાળ્યું તે પછી લાગ્યું કે ગુજરાતની પ્રજાને આજ સુધી પહેરાવાયેલા ‘ઊલ્ટા ચશ્મા’ પલ્ટાવવાની જરૂર તો છે જ!

દિલ્હીમાં શિક્ષણ, આરોગ્ય અને પ્રગતિકારક ટૅક્નોલોજિનો પ્રજાને જે લાભ મળી રહ્યો છે તે જોતાં આપણે તો કૂવામાનાં દેડકાં (કૂડમંડુપ) જેવું જ જીવી બલ્કે વેઠી રહ્યાં છીએ તેવું લાગ્યા વિનાં ન રહે. દિલ્હીની મહોલ્લા કિલનિક્સની ચર્ચા તો દેશભરમાં થઇ જ રહી છે પણ દિલ્હી નાં સ્વાસ્થય પાછળ જાહેર સ્વચ્છતા જાળવવાનાં સરકારી આયામની ભાગ્યે જ નોંધ લેવાય છે. દિલ્હીના રોડ-રસ્તા, ચૌક-ચૌરાહ એવા સૂઘડ અને સાફસૂથરા જાણે બધ્ધા જ રોડ ‘ગૌરવ-પથ’ હોય! આપણા રાજકોટનાં કાલાવડ રોડ અને રેસકોર્ષ રોડને ‘ટનાટન’ રાખી તંત્ર દેશ-દેશાવરના એવોર્ડ્ઝ ‘ખેંચી’ લાવ્યું તેવું દિલ્હીમાં નથી. મોટાભાગનાં વિસ્તારો એરપોર્ટ-માર્ગ જેવા બહેતરીન નીટ ઍન્ડ ક્લિન! નજરોનજર નિહાળ્યા પછી અને આપણાં શહેરનાં અન્ય વિસ્તારો સાથે તુલના કર્યા પછી ‘રાજકોટ’ને ‘રંગીલું શહેર’ કહેવા પર અફસોસ ના થાય તો ફટ્ટ કહેજો. દિલ્હીનાં સ્વાસ્થય-મોડલમાં જાહેર સ્વચ્છતાનો પણ હિસ્સો નાનોસૂનો નથી.

આપણે રાજકોટમાં મોરબી રોડ પરની મારવાડી કે કાલાવડ રોડ પરની આત્મિય યુનિવર્સિટીનો ભીતરી નજારો જોઇ આભા થઇ જઇએ છીએ. ત્યાંની વિશાળ ઇમારત, તેની ભવ્યતા, સ્પોર્ટસ કોમ્પ્લેકસ, બોર્ડિગ્સ-હોસ્ટેલ, કલાસ રૂમ્સ, લાઇબ્રેરી વગેરેની સરાહનાં કરવી જ પડે. દિલ્હીની સ્કૂલ્સ-યુનિવર્સિટીઝ આથી પણ અનેકગણી-અસંખ્ય ઍગલ્સે બહેતરીન તો છે જ પરંતુ પાયાનો તફાવત એ પણ છે કે દિલ્હીમાં શિક્ષણની ગુણવત્તાને આટલી હાઇકલાસ બનાવવામાં ત્યાંની સરકારે કોઇ કચાસ છોડી નથી. રાજકોટ-સૌરાષ્ટ્રમાં જે ફેસિલિટિઝ પ્રાઇવેટ સ્કૂલ્સ કે યુનિવર્સિટીઝમાં જ સંભવ છે તે દિલ્હીની સરકારી સ્કૂલોમાં અને તે પણ તદ્દન મફત્તનાં ભાવે સંભવ છે! વિશ્ર્વની મહાસત્તા ગણાતા અમેરિકાનાં સર્વાધિક પોપ્યૂલર દૈનિક ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ના ફ્રન્ટ પૅજ પર શિક્ષણમંત્રી મનિષ સિસોદીયાની તસવીર સાથે દિલ્હીના ગૂણિયલ શૈક્ષણિક સ્તરની સરાહના કરતો રિપોર્ટ તાજેતરમાં જ પ્રસિધ્ધ થયો છે. શિક્ષણને ત્યાં બેઝિક (પાયો) ગણવાની પધ્ધતિ છે. કોન્ટ્રાકટ બેઇઝ કે બાંધ્યા પગાર કે સમય બાંધણા વાળા શિક્ષકો પાસેથી વેઠ ઉતારાવાની ત્યાં પ્રથા નથી. શત્પ્રતિશત્ નિષ્ણાંત અને ક્વૉલિફાય શિક્ષકોને પૂરતા પગાર-ભથ્થાં સાથે કાયમીધોરણે ભરતી કરવાની પ્રથા છે! તમો માનશો, દિલ્હીની તમામ સરકારી સ્કૂલ્સના રિઝલ્ટસની ટકાવારી 99 ટકા આસપાસની ઍવરેજ રહે છે! આ રીતે શિક્ષણ, આરોગ્ય અને નાગરિકોને આવશ્યક લગભગ તમામ બાબતે દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારે એવા કીર્તિમાન સ્થાપ્યાં છે કે તેની વાજબી સરાહના કરવામાં કે ગુજરાતની સાડા છ કરોડની જનતાનાં હિતમાં જાણકારી આપવામાં ‘કોઇ વક્રદ્રષ્ટા’ ભલે અમોને ‘પક્ષપાતી’નું લૅબલ ચોટાડે, કબૂલ છે. પત્રકાર નિષ્પક્ષ હોવો જોઇએ એ વિધાનને હું બરાબર ગણતો-માનતો નથી. મારું સ્પષ્ટ માનવું છે કે પત્રકારનો એક નહીં અનેક પક્ષ હોવા જોઇએ. સત્ય, નિષ્ઠા, ઇમાનદારી, સાહસિક, સચોડ, પ્રજાલક્ષી અને પારદર્શી! ગુજરાતનાં મતદારોને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે કોટિ કોટિ શુભેચ્છા સાથે મારી વાતને અહીં વિરામ આપું છું. ઑલ-ધ-બૅસ્ટ!!

લેખક : અનિરુદ્ધ નકુમ