208 રન બનાવીને પણ ભારત પ્રથમ T20 મેચમાં હાર્યુ, મેથ્યૂ વેડે ભારત પાસેથી જીત છીનવી

21 Sep 22 : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની T20 સીરિઝની પ્રથમ મેચ મોહાલીમાં રમાઇ હતી. આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 200 કરતા વધુ રન બનાવ્યા હતા. છતા પણ ભારતે હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચમાં ભારતનો 4 વિકેટે પરાજય થયો હતો અને ત્રણ મેચની સીરિઝમાં ઓસ્ટ્રેલિયા 1-0થી આગળ થઇ ગયુ છે.

આ મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન એરોન ફિન્ચે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. એવામાં રોહિત શર્માની કેપ્ટન્સી ધરાવતી ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી અને 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 208 રન બનાવ્યા હતા. આ રીતે ઓસ્ટ્રેલિયા સામે જીતવા માટે 209 રનનો પડકાર મુક્યો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમે 19.2 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને આ પડકારને મેળવી લીધો હતો અને 4 વિકેટે મેચને જીતી લીધી હતી.

ભારત તરફથી કેપ્ટન રોહિત શર્મા અને કેએલ રાહુલે સારી શરૂઆત અપાવી હતી. જોકે, રોહિત શર્મા હેઝલવુડની ઓવરમાં 11 રને નાથન એલિસને કેચ આપી બેઠો હતો. આ દરમિયાન તેને 1 સિક્સર – 1 ફોર ફટકારી હતી. તે પછી વિરાટ કોહલી પણ 2 રન બનાવીને આઉટ થયો હતો. કેએલ રાહુલ અને સૂર્યકુમાર યાદવે સારી ઇનિંગ રમતા ટીમના સ્કોરને આગળ વધારવામાં મદદ કરી હતી. લોકેશ રાહુલ અને સૂર્યકુમાર યાદવે આક્રમક રમત રમી હતી. કેએલ રાહુલ પણ 3 સિક્સર અને 4 ફોરની મદદથી 55 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે સૂર્યકુમાર યાદવ 4 સિક્સર અને 2 ફોરની મદદથી 25 બોલમાં 46 રન બનાવીને આઉટ થયો હતો. તે પછી હાર્દિક પંડ્યાએ અંતિમ ઓવરોમાં આક્રમક બેટિંગ કરતા ટીમના સ્કોરને 200 રનની પાર પહોચાડવામાં મદદ કરી હતી. હાર્દિક પંડ્યાએ 30 બોલમાં 5 સિક્સર અને 7 ફોરની મદદથી 236.67ના સ્ટ્રાઇક રેટની મદદથી અણનમ 71 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ અંતિમ ઓવરમાં 3 બોલમાં 3 સિક્સર પણ ફટકારી હતી.

જવાબમાં પડકારનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની શરૂઆત સારી રહી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી કેપ્ટન એરોન ફિન્ચ અને કેમરૂન ગ્રીને આક્રમક શરૂઆત કરી હતી. એરોન ફિન્ચ 21 રન બનાવીને આઉટ થયો હતો. કેમરૂન ગ્રીને 4 સિક્સર અને 8 ફોરની મદદથી 61 રન બનાવ્યા હતા. તે પછી સ્ટીવન સ્મિથ 35, ગ્લેન મેક્સવેલ 1, જોશ ઇંગ્લિસ 16, ટીમ ડેવિડ 18, મેથ્યૂ વેડ 45 રન બનાવ્યા હતા.

ઓસ્ટ્રેલિયાના વિકેટ કીપર બેટ્સમેન મેથ્યૂ વેડે ભારતીય બોલરોની ધોલાઇ કરતા ભારત પાસેથી જીત છીનવી લીધી હતી. મેથ્યૂ વેડે ભૂવનેશ્વર કુમાર, હર્ષલ પટેલની ધોલાઇ કરી હતી અને ભારત પાસેથી મેચને છીનવી લીધી હતી. મેથ્યૂ વેડે 21 બોલમાં 214.29ના સ્ટ્રાઇક રેટથી 2 સિક્સર અને 6 ફોરની મદદથી અણનમ 45 રન બનાવ્યા હતા.