12 Sep 22 : યુવાનોને સૌથી વધુ આકર્ષતા નવલા નવરાત્રિ મહોત્સવને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે નવરાત્રિ પર્વના ખાસ અલાયદા વસ્ત્રો અને આભૂષણોની ખરીદી માટે ભાવનગર શહેર અને જિલ્લાની બજારોમાં ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે. ગત વર્ષની તુલનામાં નવરાત્રિના ટ્રેડિશ્નલ ડ્રેસ અને આભૂષણના ભાવમાં દોઢ ગણો વધારો થયો હોવા છતાં પણ તેની લોકપ્રિયતા આજની તારીખે પણ અકબંધ રહી છે.

નવરાત્રિ મહોત્સવ દરમિયાન દરરોજ અલગ-અલગ જાતના જોતાવેંત જ મન મોહી લે તેવા વસ્ત્રો અને આભૂષણો પહેરી યુવાનો રાસ ગરબાના ગ્રાઉન્ડમાં સૌથી અલગ અને ચિત્તાકર્ષક દેખાવા માટે આગોતરી તૈયારીઓ કરી રહ્યા છે. નવરાત્રિમાં પાંચ વર્ષથી લઈને મોટેરાઓ માટેના જાત જાતના અને ભાત ભાતના આભૂષણો અને વસ્ત્રોની શહેરના વોરાબજાર, પીરછલ્લા શેરી, વાઘાવાડી રોડ, વિકટોરીયા પાર્ક નજીક અને કાળીયાબીડ સહિતના સ્થળોએથી ધૂમ ખરીદી થઈ રહી છે. નવરાત્રિમાં બહેનો માટેના ચણીયાચોળી, સનેડો, ગામઠી, કચ્છી સંસ્કૃતિવાળા ચણીયાચોળી બ્રોકેડ પટ્ટાવાળા નવરંગી ઓઢણી અને લગડી પટ્ટાવાળા ચણીયાચોળીની કેટલાક યંગસ્ટર્સમાં ખાસ ડિમાન્ડ રહી છે.

દર વર્ષે નવરાત્રિ મહોત્સવના ૨૦ થી ૨૫ દિવસ અગાઉથી જ તેનું વેચાણ શરૂ થઈ જાય છે. ખાસ કિસ્સામાં શહેરમાં ચણીયાચોળીના સેલ પણ શરૂ થાય છે અને કોલેજના વિદ્યાર્થીભાઈઓ તથા બહેનોમાં તેનું સૌથી વધે આકર્ષણ રહેલ છે. જયારે ભાઈઓ માટેના નવરાત્રિના વસ્ત્રમાં બાટીક પ્રિન્ટ, બાંધણીવાળા, બ્લોક પ્રિન્ટવાળા, કેડીયુ,ચોરણી વર્કવાળા, કુર્તા,ઝભ્ભા અને જીન્સનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત બહેનો માટેના આભૂષણોમાં દામણી, કલરવાળા બાજુ, બલોયા, બે અને ત્રણ સ્ટેપવાળા ડોકીયા, કંદોરા, વેરાયટીવાળી માળાઓ, ટીકો, બુટી, ડોળીયા, પોખાની, ઓકસોડાઈઝના સેટોની ખરીદી માટે સારો એવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કાળઝાળ મોંઘવારીના કારણે કાપડના ભાવ વધ્યા છે. એટલુ જ નહિ વસ્ત્ર ઉપરના વર્ક માટેના લેબરવર્કના ભાવ પણ વધ્યા છે. જયારે આભૂષણો માટેના મટીરીયલ્સના ભાવ પણ વધી ગયા હોય વસ્ત્રો અને આભૂષણોના ભાવમાં દોઢ ગણો વધારો થયો છે.

ગત બે વર્ષ કોરોનાની મહામારીના બ્રેકના કારણે આ વર્ષે નવરાત્રિમાં મન મુકીને રમવા માટે યુવાનોમાં ભારે ઉત્સાહ જણાઈ રહ્યો હોય નવરાત્રિના આભૂષણ અને વસ્ત્રો માટેના સાર્વજનિક અને ઘરઘરાઉ એકઝીબીશન કમ સેલની સંખ્યામાં નોંધપાત્ર પ્રમાણમાં વધારો થયેલો જણાઈ રહ્યો છે.