20 Sep 22 : સપ્ટેમ્બર માસમાં યોજાયેલ ” રાજકોટ શહેર કક્ષા કલા મહાકુંભમા “૧૦ વર્ષીય પીઠડીયા દેવંશએ પ્રથમ વખત તબલા સ્પર્ધામાં ભાગ લઈ તૃતીય નંબર હાંસલ કર્યો હતો.

જે સંદર્ભે દેવંશના પિતા જતીનભાઈએ જણાવ્યું હતું કે, છેલ્લા ૧ વર્ષથી રાષ્ટ્રીય શાળા સ્થિત સંગીત મહાવિદ્યાલયમાં તબલાની તાલીમ લેનાર દેવંશની આયુ માત્ર ૭ વર્ષની હતી ત્યારથી જ તે તબલા તરફ આકર્ષિત થયો હતો. પ્રારંભમાં દેવંશ રમકડાના તબલાથી મંદિરમાં વાગતી આરતીની અને ગરબાની ધૂન સહિતની અવનવી ધૂન વગાડતો હતો. જ્યારે દેવંશની આ કલાને ઉજાગર કરવાનું કાર્ય કોરોનાકાળમાં લોકડાઉનના સમયમાં થયુ હતુ.

દેવંશનો તબલા વગાડવા પ્રત્યેનો શોખ જોઈ તેને કલામાં પરિવર્તિત કરવા મે રાષ્ટ્રીય શાળાના સંગીત મહાવિદ્યાલયનો સંપર્ક કર્યો જ્યાં ૧૫ દિવસ બાદ તેમના શિક્ષક ભાર્ગવભાઈ જાનીએ દેવંશને તબલા વગાડવાની પ્રવૃત્તિમાં આગળ વધારવા સૂચન કર્યું હતું. જેમાં સૌથી વધુ પોત્સાહન દેવંશને તેમના દાદા દ્વારા મળ્યું હતું.

કલાની તાલીમના સંદર્ભે સંગીત વિભાગના વ્યવસ્થાપક શ્રી નયનભાઈ પંચોલીએ વધુ છણાવટ કરતા જણાવ્યુ હતું કે, મેનેજિંગ ટ્રસ્ટી જીતુભાઈ ભટ્ટના માર્ગદર્શન હેઠળ કાર્યાન્વિત આ તાલીમમા ૭ વર્ષથી વધુ આયુ ધરાવતા બાળકોને તબલા, હરમોનીયમ, વાંસળી, કથક, ભરતનાટ્યમ સહીત અનેક કલાને લગતી તાલીમ રાષ્ટ્રીય શાળામાં નોમીનલ ફી થી આપવામાં આવે છે. જેથી દરેક વાલી કલા પ્રત્યે પ્રેરાયેલા બાળકોને ઘડવાની તક આપી શકે જેથી દેશના બાળકોનું ટેલેન્ટ વિકસે અને આગળ વધી દેશનું ગૌરવ બને.

આમ, તબલા પ્રત્યેનો શોખ કોરોના કાળમાં દેવંશના વાલીને ધ્યાનમાં આવતા દેવંશને તાલીમ મળી, જેમાં તેમના ગુરુ અને દાદાએ આપેલા પ્રોત્સાહનથી દેવંશ સ્ટેજ પર જવા સક્ષમ બન્યો જેના પરિણામ સ્વરૂપ પ્રથમ વખત સ્પર્ધામાં ભાગ લેનાર દેવંશએ તૃતીય નંબર હાંસલ કરી રોકડ પુરસ્કાર અને ઈનામ હાંસલ કર્યા હતા.

  • સૌરાષ્ટ્ર યુનીવર્સીટી ખાતે યોજાશે ભારતીય સેનાની ભરતી રેલી

20 Sep 22 : ભારત દેશની સેના શારીરિક અને માનસિક રીતે યોગ્યતા ધરાવતા અને સેનામાં નોકરી કરવા ઈચ્છતા યુવાનોને નોકરી માટે એક ઉત્તમ તક આપી રહી છે. અગ્નીવીર સોલ્જર જનરલ ડ્યુટી, અગ્નીવીર સોલ્જર ટેકનિકલ, અગ્નીવીર સોલ્જર ક્લાર્ક, અગ્નીવીર સોલ્જર ટ્રેડમેન કેટેગરીમાં વિવિધ જગ્યાઓ માટે ભરતી મેળો યોજવામાં આવનાર છે. જે સૌરાષ્ટ્ર યુનીવ ર્સીટી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં તા.૨૦ ઓક્ટોબર થી તા.૧૨ નવેમ્બર દરમ્યાન યોજાશે. આ ભરતી માટે શારીરિક ક્ષમતા કસોટી, દાકતરી તપાસ અને સામાન્ય પ્રવેશ પરીક્ષા એમ ત્રણ તબક્કાની પ્રક્રિયામાંથી પસાર થવાનું રહેશે.

ઇન્ડિયન આર્મીની વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરાવેલા ઉમેદવારો જ આ ભરતીમાં ભાગ લઈ શકશે. ઉમેદવારને ઈ-મેઈલ પર મળેલ એડમીટ કાર્ડમાં દર્શાવેલ દિવસે ભરતીમાં ભાગ લેવાનો રહેશે. વધુ માહિતી માટે હેલ્પલાઈન નંબર ૦૨૮૮-૨૫૫૦૭૩૪, ૮૮૬૬૯૬૧૮૮ પર સંપર્ક કરી શકાશે.

  • રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૧૮/૦૯/૨૦૨૨ ના રોજ આંગણવાડી ખાતે સ્વસ્થ બાળક સ્પર્ધા યોજાઈ
  • ૬ માસ થી ૫ વર્ષના કુલ ૩૬૦૧૦ બાલકોના વજન અને ઉંચાઈ કરી અને પોષણમાહની ઉજવણી કરવામાં આવી

20 Sep 22 : ગુજરાત સરકારશ્રી દ્વારા પોષણમાહની ઉજવણીના ભાગ રૂપે રાજકોટ અર્બન આઈ.સી.ડી.એસ. ની કુલ ૩૬૫ આંગણવાડીઓ ખાતે સ્વસ્થ બાળક સ્પર્ધાનુ આયોજન કરવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકાના અર્બન આઈ.સી.ડી.એસ. વિભાગની તમામ આંગણવાડીઓ ખાતે તા.૧૮/૦૯/૨૦૨૨ ના રોજ સ્વસ્થ બાળક સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.

તમામ આંગણવાડીઓના ૬ માસથી ૩ વર્ષના બાળકોના વજન, ઉંચાઈ માપી અને સેજા દીઠ-૨ બાળકો તથા ઘટક દીઠ-૬ બાળક પસંદ કરવામાં આવશે અને ઓછા વજન, ઉંચાઈવાળા બાળકોના વાલીઓ સાથે ‘રૂબરૂ પરામર્શ’ કર્વામાં આવશે. તેમજ વધુ ખોરાક અંગે માર્ગદર્શન આપવામાં આવશે. બાળકોમાં પોષણની ઉણપને લીધે વૃધ્ધી અટકી જવી, શરીર દુબળું રહેવું, જે બાબતોની આંગણવાડીઓના લાભાર્થીઓ સાથે ચર્ચા કરવામાં આવેલ હતી. જેમાં દરેક બાળ લાભાર્થીને ઉંમર પ્રમાણે પોષણક્ષમ ખોરાક કઈ રીતે આપવો તેની સમજુતી આપવામાં આવેલ હતી. અતિ ઓછા વજનવાળા અને સામાન્ય બાળકોના વજનની તુલના કરી વાલીઓને સમજણ આપવામાં આવી હતી. તેમજ સામાન્ય બાળકોને ઘરે આપવામાં આવતા ખોરાક અને અતિ કુપોષિત કે મધ્યમ કુપોષિત બાળકોને આપવામાં આવતા ખોરાક વિષે સમજુતી આપવામાં આવેલ.

હાલ રાજકોટ મહાનગરપાલિકાના કુલ ૩૬૫ કેન્દ્રો ખાતે કુલ ૩૬૦૧૦ ૬ માસથી ૫ વર્ષના આંગણવાડીમાં લાભ લેતાં બાલકોના વજન અને ઉંચાઈ કરી અને પોષણમાહની ઉજવણી કરવામાં આવી રહી છે. તેમજ સેજાના મુખ્ય સેવિકા, બાળ વિકાસ યોજના ના અધિકારીશ્રી અને પ્રોગ્રામ ઓફીસરશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ ‘સ્વસ્થ બાળક સ્પર્ધા’ નું આયોજન કરવામાં આવે છે.