18 Aug 22 : શ્રી માહી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પોરબંદરના વિધવા બહેનો વૃદ્ધો દિવ્યાંગો અને અતિ જરૂરિયાત મંદ 51 પરિવારોને જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે ફરસાણ તેમજ મિષ્ઠાનની કીટનું વિતરણ કરાયું તેમજ દિવ્યાંગોને તેમના ઘરે ઘરે જઈને કીટ નું વિતરણ પણ કરાયુ.

પોરબંદરની છેલ્લા 17 વર્ષથી સતત સેવાકાર્ય કરતી સંસ્થા માહી ગ્રુપના સભ્યો દ્વારા અનેકવિધ સેવા કાર્યોનું આયોજન કરવામાં આવે છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે અતિજરૂરિયાત મંદ પરિવારના લોકોને વિધવા બેહોનોને તેમજ દિવ્યાંગોને મિષ્ટાન તેમજ ફરસાણની કિટનું વિતરણ કરવામાં આવેલ.આ કીટ બનાવવા માટે માહી ગ્રુપના હર હંમેશ સેવાકાર્ય માટે તત્પર સક્રિય સેવાભાવી સભ્ય ડોક્ટર સુરેખાબેન શાહ તેમજ માહી ગ્રુપ પથદર્શક માર્ગદર્શક ડોક્ટર સુરેશભાઈ ગાંધી સાહેબનો પૂરેપૂરો સહયોગ મળેલ.

ઉપરોક્ત સેવાકાર્યોના આયોજન મા માહી ગ્રુપ પ્રમુખ કમલભાઈ ગોસલીયા, સેક્રેટરી ગજેન્દ્રભાઈ વ્યાસ, ટ્રસ્ટી અશોકભાઈ ભાદ્રેચા, ટ્રસ્ટી ઘનશ્યામ ભાઈ મહેતા, સભ્ય કારાભાઈ પાંડવ, જયેશભાઈ પાઉ, મોહનભાઈ ઓડેદરા, હરેન્દ્રભાઇ હાડા, ટીસાબેન ગોસલીયા, કોમલબેન ગોસલીયા, વોર્ડ નંબર 8 કાઉન્સિલર દક્ષાબેન ભાદ્રેચા, સહિતના સભ્યો મિત્રો જોડાયા હતા અને સેવા કાર્યોનો લાભ લીધો હતો.

18 Aug 22 : પોરબંદર – જન્માષ્ટમીનો મેળો રદ્ કરવા કોંગ્રેસ દ્વારા માંગણી થઇ છે.

પોરબંદરમાં સતત વરસાદ વરસી રહ્યો છે તો બીજી બાજુ નગરપાલિકાનું તંત્ર કોઇપણ ભોગે મેળાનું આયોજન કરવા માટે કટિબધ્ધ બન્યું છે . ત્રણત્રણ મોટા પંપ મુકીને મેદાનમાંથી વરસાદનું પાણી ખેંચી રહ્યું છે પરંતુ વરસાદ બંધ થવાનું નામ લેતો નથી ને પાંચ દિવસ સુધી હજુ ભારે વરસાદની આગાહી છે તેથી શરૂ થનારો જન્માષ્ટમીનો મેળો રદ્ કરવા કોંગ્રેસ દ્વારા માંગણી થઇ છે.પોરબંદર કોંગ્રેસના સીનીયર આગેવાન અને પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી રામદેવભાઇ મોઢવાડીયા , જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રામભાઇ મેપાભાઇ ઓડેદરા , શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલભાઇ કારીયા , નગરપાલિકાના વીપક્ષી નેતા જીવનભાઇ જુંગી , ઉપનેતા ફારુકભાઇ સુર્યા અને દંડક ભરતભાઇ ઓડેદરા રાજ્ય સરકારને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે પોરબંદર નગરપાલિકાનું તંત્ર આવતીકાલથી વરસતા વરસાદમાં પણ મેળાનું આયોજન કરવા ઊંધા માથે કામે લાગ્યું છે .

પોરબંદર છેલ્લા પાંચ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે અને હજુ પાંચ દિવસ સુધી વરસાદની આગાહી છે તેથી મેળામેદાન માં ભરાયેલા વરસાદના પાણી બહાર કાઢવા ત્રણ – ત્રણ મોટા પંપ અને ટ્રેકટર વડે તંત્ર કામ કરી રહ્યું છે . પરંતુ વરસાદ હજુયે વરસી રહ્યો છે. અને આગામી દિવસમાં વધુ વરસશે તેવી આગાહી છે. તેથી આવતીકાલથી શરૂ થનારો જન્માષ્ટમીનો મેળો રદ્ કરવો જોઇએ.કોંગ્રેસ રજુઆતમાં જણાવ્યું છે કે ,તમામ નાના – મોટા દ્વારા થયેલી ધંધાર્થીઓએ નગરપાલિકાને જે કોઇ પણ રકમ ભરી હોય તેનું ૧૦૦ ટકા રીફન્ડ તાત્કાલિક આપી દેવું જોઇએ . અને મેળો રદ્ કરી દેવો જોઇએ.

કારણ કે તેમાં નગરપાલિકાને એક કરોડ ઓગણ ચાલીસ લાખની જે આવક થઇ છે તે ઉપરાંત સરકારને પણ પચ્ચીસ લાખની જીએસટીની આવક થઇ છે . તેથી સરકાર અને તંત્ર આ આવક જતી કરવા તૈયાર ન હોય તેથી કોઇપણ ભોગે મેળાનું આયોજન કરવા તૈયાર છે . પરંતુ વાસ્તવિકતા એ છે કે એક બાજુ પોરબંદરમાં રોગચાળો ફેલાયો છે અને વરસાદ વરસી રહ્યો છે.તેથી ગંદકી પણ વધુ ફેલાઇ છે .આવી પરીસ્થિતીમાં લોક મેળાનું આયોજન કરીને નગરપાલિકાનું તંત્ર વધુ રોગચાળો ફેલાય તેવું ઇચ્છી રહી છે ?

તેવો સવાલ ઉઠાવીને રામદેવભાઇ એ ઉમેર્યું છે કે ધંધાર્થીઓએ વ્યાજે પૈસા લઇને કે દાગીના ગીરવે મુકીને મેળામાં કમાણી થશે. તેવી આશા સાથે નાણા રોક્યા છે. પરંતુ અત્યારની પરીસ્થિતી જોતા લોકો જ સમજીને મેળાની મજા માણવા માટે જાઇ નહી તે સ્વાભાવિક છે . તેથી જે કોઇ ધંધાર્થીઓએ નાણા રોક્યા છે તેનું તાત્કાલિક રીફન્ડ ચુકવી આપીને લોકમેળાનું આયોજન રદ્ થયું છે તેવી પાલિકાએ તાત્કાલિક જાહેર કરવું જોઇએ . તેવી માંગણી કોંગ્રેસ દ્વારા થઇ છે .