૨૬ જાન્યુ.એ યોજાનારા પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણીનું પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રીહર્શલ

24 Jan 22 : શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીના અધ્યક્ષસ્થાને આગામી તા. ૨૬ જાન્યુઆરીના રોજ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી રાજકોટ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર છે. જેનું આજરોજ કલેકટરશ્રી અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને રીહર્શલ કરવામાં આવ્યું હતું .

કલેકટરશ્રી દ્વારા રીહર્શલમાં રાષ્ટ્ર ઘ્વજ ફરકાવી ઘ્વાજને સલામી તેમજ પોલીસ બેન્ડ દ્વારા રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પરેડ કમાન્ડર પી.આઈ.શ્રી એન.એ. કોટડીયાના વડપણ હેઠળ કલેકટરશ્રીએ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. પરેડમાં રાજકોટ સીટી, ગ્રામ્ય , મહિલા પોલીસ, સીટી ટ્રાફિક બ્રિગેડના જવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

૨૬ મી જાન્યુ.ના મંત્રીશ્રી વાઘાણી દ્વારા થનારા ઉદબોધન તેમજ રાષ્ટ્રગાના કાર્યક્રમ બાદ કોરોના વોરિયર્સને પ્રિકોશન ડોઝ આપવામાં આવશે. મંત્રીશ્રી તથા મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ સાથે કાર્યક્રમ સંપન્ન થશે.

રીહર્શલ અન્વયે અધિક નિવાસી કલેકટરશ્રી કે.બી. ઠક્કર, પ્રાંત અધિકારીશ્રીઓ, મામલદારશ્રીઓ સહીત વહીવટી વિભાગના કર્મચારી તેમજ પોલીસ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.