રાજકોટ સિવિલનો ‘કબીર સિંહ’, ડોક્ટર નશાની હાલતમાં ઝડપાયો, દારૂની બોટલ પણ મળી

File Image
File Image

07 Feb 22 : રાજકોટની સિવિલ હોસ્પિટલથી ફિલ્મ ‘કબીર સિંહ’ જેવો કિસ્સો સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ચાલુ ફરજ દરમિયાન ડોક્ટર નશાની હાલતમાં દર્દીઓ ને તપાસતો હોવાનું સામે આવતા પોલીસને જાણ કરાઈ હતી. રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચનો કાફલો હોસ્પિટલ પર પહોંચ્યો ત્યારે ડોક્ટર નશાની હાલતમાં મળ્યો હતો. ઉપરાંત, તેની પાસેથી 150 એમએલ દારૂ ભરેલી બોટલ પર ઝડપાઈ હતી. આ અંગે પોલીસે ડોક્ટર વિરુદ્ધ પ્રોહિબિશન અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ડોક્ટર નશાની હાલતમાં મળ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ મુજબ, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબ સાહિલ ખોખરની અટકાયત કરી શહેર ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરી છે. ડોક્ટર સાહિલ ખોખર નશાની હાલતમાં દર્દીઓને તપાસતો હતો. આ અંગેની સૂચના પોલીસને મળતા શહેર ક્રાઇમ બ્રાન્ચે હોસ્પિટલમાં દરોડો પાડી ડોક્ટર સાહિલની અટકાયત કરી હતી અને તેની પાસેથી 150 એમએલ દારૂની બોટલ પણ જપ્ત કરી હતી. એસીપી ક્રાઇમ ભરત બસિયાએ મીડિયાને જણાવ્યું કે, ડોક્ટર સાહિલ ખોખર વિરુદ્ધ પ્રોહિ બિશનની કલમ હેઠળ ગુનો નોંધી તેમની અટકાયત કરવામાં આવી છે. જો કે, જામીન મળ્યા બાદ તેને છોડવામાં આવ્યો છે.

રિપોર્ટ ગાંધીનગર આરોગ્ય વિભાગને મોકલાશે. બીજી તરફ, ઇન્ચાર્જ સિવિલ સુપ્રિટેન્ડન્ટ સુરેશ રાઠોડે મીડિયાને જણાવ્યું કે, આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે અને તે માટે એક કમિટી પણ બનાવવામાં આવી છે. આ મામલાનો રિપોર્ટ ગાંધીનગર આરોગ્ય વિભાગને પણ સોંપવામાં આવશે. આરોગ્ય વિભાગ દ્વારા જે પણ આદેશ આપવામાં આવશે તેનું પાલન કરાશે. સુરેશ રાઠોડે જણાવ્યું કે, આ મામલે ડોક્ટર સાહિલ સાથે કામ કરતા અન્ય કર્મચારીઓના નિવેદન પણ નોંધવામાં આવી રહ્યા છે.

વધુમાં વાંચો… રાજકોટમાં મિત્રએ જ કરી મિત્રની હત્યા: યુવાનને છરીનો એક ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો

રાજકોટ શહેર એક સપ્તાહમાં ત્રીજી વખત રક્તરંજિત બન્યું છે. જેમાં ન્યુ જાગનાથ વિસ્તારમાં નેપાળી યુવકને તેના જ મિત્રએ ગળું વાઢી હત્યા કરી હોવાનો બનાવ એ-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયો છે. જેમાં તેના જ મિત્રએ યુવાનને છરીનો એક ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા હોવાનુ સામે આવ્યું છે. પોલીસે બનાવના પગલે ગણતરીની કલાકોમાં જ હત્યારાને ઝડપી પાડયો હતો.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં ન્યુ જાગનાથ-૨૬માં રહેતા અને એસ્ટ્રોન ચોક પાસે ઇલેક્ટ્રિક દુકાનમાં ઓફિસ બોય તરીકે કામ કરતા કમલેશ ઉર્ફે કમલ સુરેશ ભાઈ સોની નામના ૩૨ વર્ષીય નેપાળી યુવાનને તેના જ નેપાળી મિત્ર વિજય ઉજરસિંહ વિશ્વકર્મા નામના શખ્સે ગળાના ભાગે છરીનો ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યાની ઘટનાથી ચકચાર મચી ગયો છે. પોલીસને ઘટના અંગે જાણ થતાં એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ કે.એન.ભુકણ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી જઇ મૃતદેહ પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી વિજય વિશ્વકર્માને રેલવે સ્ટેશન પાસેથી દબોચી લીધો હતો. આરોપી વિજયની પુછપરછમાં જાણવા મળ્યા મુજબ કમલેશ ઉર્ફે કમલ અને વિજય બંને મિત્ર હતા. ગઇ કાલે રાત્રીના કોઈ કારણોસર બંને વચ્ચે બોલાચાલી થતા કમલે આરોપી વિજયને ગાળો આપી હતી જે બાબતે વિજયે ના પાડવા છતાં પણ ગાળો દેતા છરીનો ઘા ગળાના ભાગે ઝીકી દેતા કમલેશ ઉર્ફે કમલનું ઘટના સ્થળ પર જ ઢીમ ઢળી ગયું હતું. પોલીસે ફરિયાદના આધારે વિજય વિશ્વકર્મા સામે હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here