જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ પાછળના તળાવમાં ભાગમાં એક યુવાન આકસ્મિક રીતે પડી જતાં દોડધામ

23 Jan 22 : જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ પાછળના તળાવના ભાગમાં એક યુવાન અકસ્માતે પાળી પરથી પાણીમાં પડી ગયો હતો.
તાબડતોબ ફાયર બ્રિગેડ ની ટુકડી પહોંચી જઈ યુવાનને જીવિત અવસ્થામાં બહાર કાઢી લઈ બચાવી લીધો હતો, અને ૧૦૮ની ટીમે સારવાર માટે જી.જી. હોસ્પિટલ માં પહોંચાડ્યો છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમને આજે સવારે સાડા આઠ વાગ્યાના અરસામાં પબ્લિક માંથી ટેલિફોન આવ્યો હતો, કે પ્રદર્શન ગ્રાઉન્ડ પાછળના ભાગમાં આવેલી તળાવની પાળે પરથી એક યુવાન પાણીમાં પડી ગયો છે, અને તરફડીયા મારી રહ્યો છે.જે માહિતીના આધારે ફાયર બ્રિગેડની ટીમ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી યુવાનને જીવિત અવસ્થામાં બહાર કાઢી લીધો હતો. ૧૦૮ ની ટુકડી પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી, અને તેને જી.જી. હોસ્પિટલમાં પહોંચાડી દીધો છે.આ ઘટનાની જાણ થતાં સીટી એ ડીવીઝનની પોલીસ ટુકડી પણ દોડી આવી હતી, અને તપાસ શરૂ કરી હતી. તે દરમિયાન પાણીમાં પડી ગયેલા યુવાનનું નામ મિલન પ્રવીણ ભાઈ મકવાણા અને જામનગરના રાધા કૃષ્ણ પાર્ક વિસ્તારમાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. સીટી એ. ડિવિઝન પોલીસ દ્વારા તેનું નિવેદન નોંધાવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

અહેવાલ : ઇલાયત જુણેજા – જામનગર