03 Sep 22 : એસ.ટી. બસમાં ચઢતી વેળાએ ત્રણ છાત્રોને પગમાં ઇજા પહોંચી, ઘટના બાદ સ્થાનિકો વિફર્યા પછી.નબીપુર પોલીસ મથકે ઇજાગ્રસ્ત વિદ્યાર્થી આકાશ ના પિતા ગિરીશ પટેલે બસ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી

પૂર્વ પટ્ટી ઉપર 7 ગામના વિધાર્થીઓ અને મુસાફરો માટે વધુ બસો ફાળવવા માંગ. વિધાર્થીઓ બસમાં ચઢતા હતા ત્યારે જ ડ્રાઇવરે બસ હંકારી મુકતા પાછળના ટાયરની કિનારી 3 છાત્રોના પગ ઉપરથી ફરી વળી હતી

ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામની નર્મદા હાઇસ્કૂલના બાળકો શુક્રવારે સાંજે ભરૂચ-ઝનોર બસમાં ચઢવાની કોશિષમાં હતાં. ત્યારે 3 છાત્રોના પગ બસના ટાયરમાં આવી જતાં તેમને નાની-મોટી ઇજાઓ થઇ હતી.
આ ઘટનાને પગલે આસપાસના ગામલોકોએ તુરંત બસ સ્થળ પર જ ઉભી કરાવી દેવા સાથે ઇજાગ્રસ્ત બાળકોને 108 માં સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. બનાવને પગલે નબીપુર પોલીસ મથકે ઇજાગ્રસ્ત વિદ્યાર્થી આકાશના પિતા ગિરીશ પટેલે બસ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
જેમાં વિધાર્થીઓ ચઢતા હતા ત્યારે ડ્રાઇવરે બેદરકારી દાખવી બસ ચાલુ કરતા તેમના પુત્ર સહિત અન્ય બે વિદ્યાર્થી સ્મિત માછી અને રીંકેશ પટેલના પગ ઉપરથી બસના પાછળના ટાયરની કિનારી ફરી વળતા ઇજાઓ પોહચી હતી.
ઘટના બાદ શુકલતીર્થ, ઝનોર સહિત આસપાસના સાત ગામોને આવરી લેતા વધુ સંખ્યામાં એસ.ટી.બસોની માંગ નહિ પુરી થતાં શનિવારે વહેલી સવારથી શુકલતીર્થ રોડ પર એસ.ટી.બસ રોકો આંદોલનનું રણશિંગુ ફૂંક્યું હતું.
વધુ બસ ન ફાળવવાના પગલે આવતી બસમાં મજ્બુરીથી વિદ્યાર્થીઓને બેસવાની ફરજ પડે છે. ભીડ વધવાથી ધક્કામુક્કીમાં બાળકોના જીવનું જોખમ પણ ઉભું થાય છે. જો સત્વરે વધુ બસ નહીં ફળવાય તો માત્ર બસ રોકો આંદોલન જ નહીં પણ આનાથી વધુ ઉગ્ર આંદોલન કરાશે તેવી ચીમકી ગ્રામજનોએ ઉચ્ચારી છે