
06 may 23 : સુરતમાં 25 વર્ષીય મહિલા પ્રોફેસરનો મોબાઈલના કારણે જીવ ગયો હતો. મહિલા પ્રોફેસરના ફોનમાં એક નોટિફિકેશન આવી હતી તે ઓન કરતા જ તેમનો ફોટો મોર્ફ કરી ન્યૂડ બનાવી તેમનું બ્લેકમેલિંગ શરૂ કરાયું હતું. જે મામલે મહિલા પ્રોફેસરે 47 હજાર રૂપિયા પણ આપ્યા હતા, તેમ છતાં બ્લેકમેઈલ કરતા પ્રોફેસરે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો હતો. જે મામલે પોલીસે ત્રણ આરોપીઓને બિહારથી વેશ બદલી ઝડપી પાડયા હતા. રાંદેર પોલીસને આ મામલે ગંભીર બાબત સામે આવતા બ્લેકમેલનો મામલો સામે આવ્યો હતો.
રૂપિયાની માંગણી કરાઈ હતી. મોબાઈલ ફોન જીવનજરીયાતની ચીજવસ્તુ જરુરથી છે પરંતુ સાયબર ફ્રોડની સાથે આ પ્રકારની ઘટનાઓ પણ બની રહી છે. જેમાં મહિલાઓના ફોટો મોર્ફ કરીને તેમને ખોટી રીતે બ્લેકમેલ કરવામાં આવે છે. આવી જ ઘટના સુરતમાં બની હતી. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસર મહિલાએ 16 માર્ચના રોજ સાયણ કોસાડ ટ્રેક પર ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. જે મામલે પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમ્યાન પ્રોફેસરની બહેનના ફોનમાં પ્રોફેસરનો ન્યૂડ ફોટો આવ્યો હતો અને તેમની પાસેથી રૂપિયાની માંગણી કરાઈ હતી. આથી નાની બહેને પોલીસ સમક્ષ આ વાત જણાવી હતી. ત્રણ નંબર પરથી આવેલા કોલની તપાસ કરતા બિહારનું મળ્યું લોકેશન. મહિલા પ્રોફેસરના મોબાઈલ ફોનમાં એક નોટિફિકેશન આવી હતી. જેમાં પ્રોફેસરે ફોન ઓન કરતા જ તેમનો ફોટો મોર્ફ કરી અને ન્યૂડ બનાવી નાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ મહિલા પ્રોફેસરને બ્લેકમેલ કરવાનું શરૂ કરાયું હતું. આ ઘટનામાં બદનામી થવાના ડરે મહિલા પ્રોફેસરે 47 હજાર રૂપિયા પણ ચૂકવ્યા હતા. તેમ છતાં મહિલા પ્રોફેસરનો ફોટો વાયરલ કરવાનું કહી બ્લેકમેલ કરવાનું શરૂ રાખવામાં આવ્યું હતું. જેથી મહિલા પ્રોફેસરે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. આ મામલે પોલીસે સાયબર ક્રાઈમને પણ તપાસમાં જોડી હતી. જેથી મહિલા પ્રોફેસરના ફોનમાં ત્રણ નંબર પરથી આવેલા કોલની તપાસ કરતા ત્રણેય નંબર બિહારના હોવાનું સામે આવ્યું હતું. જો કે, આ નંબર 92 સિરીઝના એટલે કે, પાકિસ્તાનના હોવાનું સામે આવ્યું હતું.
ધોરણ 10 સુધી ભણેલા ઓનલાઈન હેકિંગ શીખ્યા. જેથી સુરતની ટીમ બિહાર ખાતે આરોપીઓને પકડવા પહોંચી ગઈ હતી. જોકે તે વિસ્તાર બિહાર અને ઝારખંડ વચ્ચે નકસલી વિસ્તાર હતો અને તેથી પોલીસને પણ સાવધાનીથી કામ કરવું પડે તેમ હતું. જેથી પોલીસે 3 દિવસ સુધી અલગ અલગ વેશભૂષા ધારણ કરી ત્રણેય આરોપી ઝડપી પાડયા હતા. આરોપી ની પૂછપરછમાં સામે આવ્યું હતું કે ત્રણેય ઈસમો 10 ધોરણ સુધી જ ભણ્યા છે અને મોબાઈલ હેક કરવાનું ઓનલાઇન શીખ્યા હતા. પોલીસે ત્રણેય આરોપી સાથે લેપટોપ ,પ્રિન્ટર, કી બોર્ડ , માઉસ, ફિંગર પ્રિન્ટ, 15 જેટલા આધારકાર્ડની ઝેરોક્સ સહિત 51 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
વધુમાં વાંચો… રાજકોટ – પતિએ મકાન લેવામાં થોડી રાહ જોવાનું કહેતા પત્નિએ પુત્રી સાથે ઝેર ગટગટાવ્યું
રાજકોટમાં દિનપ્રતિદિન આપઘાતના પ્રયાસ અને આપઘાતની ઘટનાઓ વધી રહી છે. નાની મોટી બાબતે લોકો જીવન ટૂંકાવી રહ્યા હોય તેવો વધુ એક કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે. જેમાં કોઠારીયા રોડ પર રહેતા કારખાનેદાર ના પત્નીએ ઝેરી દવા પી પોતાની પુત્રીને પણ પીવડાવી હતી. જેમાં માતાનું મોત નિપજ્યું હતું. મકાન લેવાની બાબતે પતિએ થોડી રાહ જોવાનું કહેતા પત્નીએ આપઘાત કર્યાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કોઠારીયા રોડ પર સ્વાતિ પાર્કમાં રહેતા અને સબમર્શિબલનું કારખાનું ધરાવતા ભાર્ગવભાઈ ઢેબરીયા નામના કારખાનેદારની પત્ની પારૂલ બેન ઢેબરીયાએ ઝેરી દવા પી પોતાની પાચ વર્ષની માસૂમ બાળકી મિષ્ટીને પણ પીવડાવી દેતા બંને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે પારૂલબેનને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતા જ્યારે બાળકીની હાલત નાજુક હોવાથી તેણીને દેખરેખમાં રાખી છે. સિવિલ પોલીસ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને પારૂલબેનના મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ ભાર્ગવભાઈ ઢેબરીયાને કારખાનું છે. તેઓએ કાર માટે લોન લીધી હતી. તે દરમિયાન પત્ની પારૂલબેનએ મકાન લેવાની જીદ કરી હતી. પરંતુ ભાર્ગવ ભાઈએ કારની લોન પૂરી થયા બાદ મકાન લેવાનુ કહેતા પરિણીતાને લાગી આવ્યું હતું અને ઝેરી દવા પી પોતાની પુત્રીને પણ પીવડાવી દીધી હતી. જેમાં માતાનું મોત નિપજ્યું હતું અને માસુમ બાળકીને સારવારમાં ખસેડાયી છે. પોલીસે ઘટનાની નોંધ કરી આપઘાત પાછળ મકાનનું કારણ છે કે કઈ અન્ય તે અંગે તપાસ હાથધરી છે.
વધુમાં વાંચો… દિનદહાડે હવે પોલીસ પર પણ હુમલા: ટ્રાફિક પોલીસમેન પર બે શખ્સોએ હુમલો કર્યો
રાજકોટમાં દિનદહાડે હવે પોલીસ પર પણ હુમલા થયાની ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં વિરાણી ચોકમાં ટ્રાફિક પોલીસમેન પર બે શખ્સોએ હુમલો કર્યો હતો. જેમાં પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે. સરાજાહેર પોલીસ પર ધોકા વડે હુમલો થયા બાદ પોલીસમેન દ્વારા પણ સ્વબચાવમાં પથ્થર વડે પાછળ દોડતો હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં રેસકોર્સ પાસે આવેલા પોલીસ હેડ ક્વાર્ટરમાં રહેતા ને ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા લખનભાઈ રાજાભાઈ સુસરા (ઉ.વ.૩૪) એ ભક્તિનગર પોલીસ મથકમાં નાગજી નકુ બાવડા અને કરણ નામના શખ્સો સામે ફરજ રૂકાવટની ફરિયાદ નોંધાવી હતી જેમાં પોલીસે નાગજી બાવડાની ધરપકડ કરી છે જ્યારે ફરાર કરણ નામના શખ્સની શોધખોડ હાથધરી છે. આ ફરિયાદમાં જણાવ્યા મુજબ લખનભાઇ સુસરા ઢેબર રોડ પર વિરાણી ફાટક પાસે ફરજ પર હતા ત્યારે ત્યાંથી બાઈક પર પસાર થતાં નાગજી ગઢવી અને કરણ નામના બે શખ્સોને ટ્રાફિક નિયમ ભંગ કરતા હોય જેથી તેને રોકી કાર્યવાહી કરતા હતા. ટ્રાફિક પોલીસ અધિકારી લખનભાઇ સુસરાએ દંડ ભરવાનું કહેતા બંને શખ્સો ઉશ્કેરાયા હતા અને ગાળો ભાંડી ધોકા વડે માર મારવા લાગ્યા હતા. રાજકોટમાં દિનદહાડે પોલીસ કર્મચારી પર ધોકા વડે હુમલો થતા લોકોના ટોળેટોળાં એકઠા થઈ ગયા હતા અને આ મારામારીનો વિડિયો ઉતારવા લાગ્યા હતા જે ક્ષણભરમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. આ વાયરલ વીડિયોમાં જોવા મળ્યા મુજબ બે શખ્સ ટ્રાફિક પોલીસ સાથે માથાકૂટ કરી તેમને ધોકા વડે પગમાં મારતા હતા. જ્યારે પોલીસ અધિકારીએ પણ સ્વબચાવમાં પથ્થર વડે સામેના શખ્સ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ઘવાયેલા ટ્રાફિક પોલીસ લખનભાઇ સુસરાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બીજી તરફ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તપાસ ના આદેશ આપ્યા હતા. જેમાં નાગજી ગઢવી અને કરણ સામે ફરજની રૂકાવટનો ગુનો નોંધી નાગજી ગઢવીની ધરપકાર કરી છે જ્યારે ફરાર કરણ નામના શખ્સની શોધખોળ હાથ ધરવામાં આવી છે.